- આપની સામે કોઈ નૃત્ય કરે અને પાછો એ અદૃશ્ય બની જાય, આ બધું શું છે?
મકરધ્વજ નામનો એક રાજકુમાર હતો. રાજકુમાર શિષ્ટ, સૌમ્ય અને ઉદાર હતો. પ્રજાના સુખનું ધ્યાન રાખવાવાળો હતો. પ્રજાના દુઃખે દુઃખી થવાવાળો હતો. પિતાના પણ સંસ્કાર તો આવા જ હતા, પણ છતાં એની પાસે મકરધ્વજ જેવી ઉદારતા ન હતી. પિતાનું નામ અરિદમન હતું. સાચે જ એ પોતાના દુશ્મનોનું દમન કરવામાં માનતો હતો. દુશ્મનનું માથું ક્યારેય ઊંચું થવું ન જોઇએ. એનામાં સાહસિકતા અજબ કોટીની હતી. તો શૂરવીરતામાં પણ એનો જોટો જડવો મુશ્કેલ હતો, પણ એની ઉદારતાની એક લિમિટ હતી એની બહાર નીકળવા એની કોઈ તૈયારી નહીં.
મકરધ્વજ કુમારની ઉદારતાની કોઈ લિમિટ ન હતી. એક દિવસે એક ઘટના બની. કેટલાક જરૂરિયાતવાળા પ્રજાજનો આવ્યા. એમની દરિદ્રતાની વાતો સાંભળીને કુમારનું હૃદય દ્રવિત બની ગયું અને અલગ અલગ રીતે એમને જરૂરિયાત પ્રમાણે દ્રવ્ય આપ્યું. એ બધાનો જ્યારે સરવાળો કર્યો ત્યારે બરાબર એક કરોડ તો સોનામહોરનો આંકડો વટાવી દીધો.
કોષાધ્યક્ષે દ્રવ્ય તો આપી દીધું, પણ આ વાત અરિદમન રાજાને કરી. રાજાનું માથું ફરી ગયું. એક દિવસમાં એક કરોડ સોનામહોરો વાપરી નાંખવી એ કંઇ યોગ્ય કહેવાય. મકરધ્વજને બોલાવીને પિતાજીએ કહ્યું, આવી રીતે ગમે તેમ દ્રવ્ય વ્યય કરવું હિતાવહ નથી. આપણી મૂડીનો ઉપયોગ આપણે કરીએ તો ચાલે પણ પ્રજાનું દ્રવ્ય વાપરવામાં આપણે બરાબર ધ્યાન રાખવું જોઇએ.
રાજકુમારને કોઈ આવી ટકોર કરે એ કેવી રીતે સહન થાય? કેટલાક માણસોને કોઈ થપ્પડ મારે તો એ સહન કરી લે, પણ એમને આ રીતે કોઈ ટકોર કરે એ સહન કરી ન શકે. આપણો આ મકરધ્વજ પણ એવો જ હતો. પિતાજીએ મને ટકોર કરી! મેં મારા માટે આ બધા પૈસા વાપર્યા છે? એના કારણે શોભા વધી છે, તો માત્ર મારી જ વધી છે? ઉપયોગ તો પ્રજાના ભલા માટે જ થયો છે. જરૂરિયાત સમયે તમારું ધન ઉપયોગમાં ન આવે તો એનું શું કરવાનું? માત્ર ગણીને જ બેસી રહેવાનું?
પણ કંઈ નહીં એ રાજા છે અને પિતા પણ છે. એ આપણને ગમે તે કહી શકે. આપણાથી સહન ન થાય તો આપણે સ્થાન છોડી દેવું જોઈએ.
એ જ રાતે કોઈને કંઈ પણ કહ્યા સિવાય ઘરમાંથી નીકળી ગયો. માત્ર ઘરમાંથી જ નહીં રાજ્યમાંથી પણ એ તો ઘર છોડીને રવાના થયો. કોઈ ચોક્કસ દિશા તો છે નહીં, પગ લઇ જાય ત્યાં જવાનું, પ્રકૃતિ આપે એ ખાવાનું અને પ્રકૃતિના ખોળે જ રમવાનું. જંગલમાં વૃક્ષો ઉપર ફળો મળી રહે એનાથી પેટની આગ ઠારવાની, કોઈની પાસે માંગવાની તો વાત જ ન હતી. નદીનાં પાણીથી તરસ છિપાવવાની, સાચા અકિંચન બનીને જગતનો અનુભવ મેળવવાનો. કેવી મજા!
મકરધ્વજ આનંદથી આગળ વધી રહ્યો છે. પ્રકૃતિ પણ એની સાથે પોતાના પુત્રના જેવો વહેવાર કરે છે. હા, પ્રકૃતિ પણ વિચારે કે જેણે મારા આધારે જીવવાનો નિર્ણય કરેલો છે તો મારે એને મદદરૂપ બનવું જ જોઇએ, એટલે પ્રકૃતિ પણ જાણે એને કોઈ તકલીફ ન થાય એનું ધ્યાન રાખે છે. એનાથી આગળ વધીને એને સહાયક થવા શું કરી શકાય આવો પણ વિચાર આવે અને પ્રકૃતિએ એના માર્ગમાં ચાર વંશમુક્તા નામનાં મોતી પાથરી દીધાં.
બનેલું એવું કે વાંસના અગ્રભાગ ઉપર આ મોતી હોય. પવનના કારણે વાંસ અથડાવાથી ઉપરનાં મોતી જમીન ઉપર પડ્યાં જ્યાં આ મોતી પડેલાં ત્યાંથી જ મકરધ્વજ પસાર થઇ રહ્યો હતો. એણે જોવા લીધાં. આનંદિત થતો એ ત્યાંથી આગળ વધી રહ્યો છે.
આગળ જતા એણે એક અજબ દૃશ્ય જોયું. એક જગ્યાએ એક મુનિ ધ્યાન કરી રહ્યા છે. એમની સામે એક વ્યક્તિ નૃત્ય કરી રહી હતી. એને આમાં કંઇ સમજ પડી નહીં એટલે એ મુનિની સામે બેસી ગયો. થોડી વાર નૃત્ય કરીને પેલો માણસ અદૃશ્ય બની ગયો. કંઈ સમજમાં ન આવે એ રીતે. ગયો તો ક્યાં ગયો? તો શું આ મારો ભ્રમ હતો કે સ્વપ્ન હતું? કંઈ સમજમાં આવતું નથી. સ્વપ્નમાં તો હું નથી જ એની ખાતરી કરી લીધી.
પેલા મુનિનું ધ્યાન સમાપ્ત થયું. મકરધ્વજે એમને પ્રણામ કર્યાં. મુનિએ `ધર્મલાભ’ આશિષ આપી. કોઈ પણ આવે એને યથોચિત ધર્મ સમજાવવો જોઇએ એટલે એને ધર્મની વાતો કરીએ. સાંભળ્યા પછી એણે મુનિને પૂછ્યું, આ શું હતું? આપની સામે કોઈ નૃત્ય કરે અને પાછો એ અદૃશ્ય બની જાય, આ બધું શું છે? મુનિએ મંદ સ્મિત કરતાં એને કહ્યું, ભાઈ, કર્મની લીલા અકળ હોય છે. એ એક યક્ષ હતો. એણે પૂર્વના જીવનમાં એક નિયમ લીધેલો હું સત્ય જ બોલીશ અસત્ય ક્યારેય પણ બોલીશ નહીં. આપણે જે નિયમ લઇએ એનું દિલથી પાલન કરવું જોઇએ. દૃઢતાપૂર્વક પાલન કરવાનું ફળ અલૌકિક હોય છે, પણ સાથે સાથે નિયમપાલનમાં શિથિલતા આવે-ભૂલ કરીએ તો એનો દંડ પણ આપણે સહન કરવો પડતો હોય છે.
એના જીવનમાં આવી ઘટના બનેલી, નિયમ તો કોઈ મહાત્મા પાસે લીધેલો, આ જ સ્થાને લીધેલો, પણ દૃઢતાપૂર્વક એ પાલન કરી શક્યો નહીં. પરિણામ એ દેવગતિમાં તો ગયો, પણ દેવમાં પણ ઓછી લબ્ધિવાળો એ થયો. એણે આ જ સ્થાને નિયમ ગ્રહણ કરેલો એથી આ સ્થાન માટે એને મમત્વભાવ રહ્યો છે. અહીં કોઈ પણ મુનિ આવે ત્યારે એમની ભાવથી એ ભક્તિ કરે છે. આજે એ આવ્યો હતો અને નૃત્ય સ્વરૂપે ભક્તિ કરીને એ ચાલી ગયો. દેવની પાસે અદૃશ્ય થવાની શક્તિ હોય છે.
મુનિની વાત મકરધ્વજે આશ્ચર્યપૂર્વક સાંભળી. એના મનમાં એવા ભાવો જાગ્યા કે શું એક આવો નિયમ લેવાના કારણે માણસમાં આવાં પરિવર્તનો આવી શકે? મુનિની વાતનો અવિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી. મારે પણ આવો કોઈ નિયમ લેવો જોઇએ. એણે મુનિને વિનંતિ કરી. ભગવાન! મને પણ સત્ય બોલવાનો નિયમ આપો.
મુનિએ મકરધ્વજને પ્રોત્સાહન આપ્યું અને સાથે એક ચીમકી પણ આપી, નિયમ લેવામાં કોઈ જ તકલીફ નથી, પણ નિયમ લીધા પછી પ્રાણાન્તે પણ એને પકડી રાખવાનો હોય છે. એમાં તમે જો થોડો પણ પ્રમાદ કરો તો લાભના બદલામાં નુકસાન થવાની શક્યતા છે, આટલું ધ્યાનમાં લઇને નિયમ ગ્રહણ કરો. મકરધ્વજે મહાત્માને વિશ્વાસ અપાવ્યો. આપ ચિંતા ન કરો. હું મારા નિયમનું સારી રીતે પાલન કરીશ.
પેલો યક્ષ અદૃશ્ય રીતે ત્યાં ઉપસ્થિત હતો. એણે મુનિ અને મકરધ્વજનો વાર્તાલાપ સાંભળ્યો હતો. એમણે નક્કી કર્યું આની પરીક્ષા તો કરવી. સત્યવ્રતમાં કેવો એ સ્થિર રહી શકે છે?
મકરધ્વજને વિચાર આવ્યો, હવે પિતાજી પાસે જવું જોઇએ. ક્યાં સુધી પિતાથી ગુસ્સો રાખવો? એ પોતાના નગર તરફ આગળ વધે છે. પેલો યક્ષ એના પહેલાં જ નગરમાં પહોંચ્યો. રાજાને ફરિયાદ કરી મારાં વંશમુક્તા ચોરાયાં છે, ગમે તેમ કરીને મને અપાવો વાતની એવી રજૂઆત કરી કે કોઈ પણ માણસને એની વાત સાચી લાગે. રાજાએ તપાસ કરાવી. ક્યાં ખોવાયા? એ દિશામાંથી આવનારા દરેક પથિકોની બારીક તપાસ કરાય છે. ફરિયાદ આવી છે તો તપાસ તો કરવી જ પડેને?
મકરધ્વજ પોતાની મસ્તીમાં આવી રહ્યો છે, એને આવી કોઈ વાતની જાણ નથી. એ તો એમ જ સમજે છે કે સામાન્ય રીતે બધાની તપાસ થતી હોય એ રીતે થાય છે તો એમાં મને શું તકલીફ છે? એમાં પેલા વંશમુક્તાનાં મોટાં ચાર મોતી જોવામાં આવ્યાં. પેલા યક્ષે કહ્યું આજ એ મુક્તા મારાં છે. આ જ ચોર છે. એ તો એ જ રીતે વાત કરે છે જાણે એને ખબર જ નથી કે આ રાજકુમાર છે. સામાન્ય માણસ પોઇન્ટ કરીને વાત કરતો હોય એ રીતે જ ચલાવે છે.
જોકે, મકરધ્વજને એનો કોઈ પ્રોબ્લેમ નથી. એની પાસેની બધી વસ્તુઓ બતાવતા પોતાને ચોર ગણાવી રહ્યો છે ત્યારે એણે કહ્યું, આવા વંશમુક્તા તમારાં ચોરાયાં હોઇ શકે, પણ આ તો મને જંગલમાંથી મળેલાં છે. હું આ ભાગ્યશાળીને ઓળખતો નથી કે મને એ ક્યારેય મળ્યાં હોય એવું પણ ધ્યાનમાં નથી પછી એમની વસ્તુ મેં કેવી રીતે ચોરી હોઈ શકે, કોઈ પણ વસ્તુ જગતમાં માત્ર એક જ જણ પાસે હોઇ શકે અને બીજા કોઈની પાસે ન જ હોઇ શકે એવું તમે કઈ રીતે કહી શકો? સામેના માણસના ડરથી કે વિક્ષોભથી એની વાત ન સ્વીકાર કરવાની વાત એક બાજુ રાખીને પોતાની સત્ય વાત દૃઢતાપૂર્વક રજૂ કરવામાં જરા પણ સંકોચ રાખ્યો નહીં.
રાજાને પણ વિશ્વાસ થાય છે કે આ વસ્તુ એણે ચોરેલી નથી, પણ મળેલી છે. પક્ષને કહે છે આપને આ વસ્તુની આવશ્યક્તા હોય તો રાખી શકો છો. આપને ઉપયોગની હોય તો આપ ગ્રહણ કરો. મને લાભ આપી ઉપકૃત કરો. પેલો પક્ષ એની સત્યનિષ્ઠા અને ઉદારતાથી પ્રસન્ન થાય છે. પિતાને પોતાનો પુત્ર સત્યનિષ્ઠા સાથે મળી રહ્યો છે એનો આનંદ થાય છે. પિતા વાર્ધક્યની ઉંમરે ઊભા છે ત્યારે પોતાના પુત્રને ગાદી ઉપર અભિષિકૃત કરીને સ્વયં વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરે છે.
આ જ આપણી ભારતીય પ્રણાલી છે. પુત્ર જ્યારે યોગ્યતા પ્રાપ્ત કરે ત્યારે એની ભોગ જવાબદારી સ્થાપન કરી. પિતા ભાગના માર્ગે આગળ વધતા હોય છે. ભારતીય પરંપરા આપણને ભોગથી ત્યાગનો માર્ગ જ શ્રેયસ્કર છે એ વાત સમજાવે છે. આજે આપણને ભોગનો ભયંકર અતિરેક દેખાય છે પણ એ ભ્રામક છે, અતાત્ત્વિક છે એ સમજવું જ પડશે.