- કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં
- વર્ષ 2019માં, PM મોદીની કેબિનેટે આ પ્રોજેક્ટના નિર્માણ માટે મંજૂરી આપી હતી
- આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય હજુ પણ ચાલુ છે
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલના ઘરે દરોડા પાડી રહી છે, જ્યારે તેઓ હોસ્પિટલમાં દાખલ છે. CBIના દરોડા અંગે મલિકે કહ્યું કે હું એક ખેડૂતનો દીકરો છું, હું આ દરોડાથી ડરવાનો નથી. તેણે કહ્યું કે હું છેલ્લા 3-4 દિવસથી બિમાર છું અને હોસ્પિટલમાં દાખલ છું. આમ છતાં મારા ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. મારા ઘરે 4-5 કુર્તા અને પાયજામા સિવાય કંઈ જ નહીં મળે.મારા ડ્રાઈવર અને મારા સહાયકને પણ દરોડા પાડીને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. હું ખેડૂતનો દીકરો છું, હું આ દરોડાથી ડરતો નથી. હું ખેડૂતોની સાથે છું. CBIની ટીમ મલિકના ઘર સહિત અન્ય 30 જગ્યાઓ પર દરોડા પાડી રહી છે. વાસ્તવમાં, મલિકના ઘરે જે કેસમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તે કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ સાથે સંબંધિત છે.
હું ખેડૂતનો દીકરો છું, હું ન તો ડરીશ કે ન ઝૂકીશ
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે વ્યક્તિઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તેની તપાસ કરવાને બદલે મારા નિવાસસ્થાને CBI દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. મને 4-5 કુર્તા અને પાયજામા સિવાય કંઈ જ નહીં મળે. સરમુખત્યાર સરકારી એજન્સીઓનો દુરુપયોગ કરીને મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું ખેડૂતનો દીકરો છું, હું ન તો ડરીશ કે ન ઝૂકીશ.
શું છે સમગ્ર મામલો?
કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ કેસ રૂ. 2200 કરોડના સિવિલ વર્ક્સ માટે કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. મલિકે દાવો કર્યો હતો, કે 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 દરમિયાન જ્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે તેમને બે ફાઇલોને મંજૂરી આપવા માટે 300 કરોડ રૂપિયાની લાંચની ઓફર કરવામાં આવી હતી.
CBI એ બે FIR નોંધી હતી
મલિક દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારના આરોપોના સંદર્ભમાં CBIએ બે FIR નોંધી હતી. એજન્સીએ ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પાવર લિમિટેડના ભૂતપૂર્વ ચેરમેન નવીન કુમાર ચૌધરી અને અન્ય ભૂતપૂર્વ અધિકારીઓ એમએસ બાબુ, એમકે મિત્તલ અને અરુણ કુમાર મિશ્રા અને પટેલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.કિરુ હાઇડ્રો પ્રોજેક્ટ સંબંધિત સિવિલ વર્કસની ફાળવણીમાં ઇ-ટેન્ડરિંગ માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એવો પણ આરોપ છે કે CVPPPLની 47મી બોર્ડ મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રિવર્સ ઓક્શનિંગની સાથે ઈ-ટેન્ડરિંગ દ્વારા ફરીથી કોન્ટ્રાક્ટ ફાળવવામાં આવશે. પરંતુ CVPPPLની 48મી બોર્ડ મીટીંગમાં અગાઉની મીટીંગનો નિર્ણય પલટાયો હતો.
કિરુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ શું છે?
કિરુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સ્થિત ચેનાબ નદી પર પ્રસ્તાવિત છે. વર્ષ 2019 માં, મોદી કેબિનેટે આ પ્રોજેક્ટના નિર્માણ માટે ચેનાબ વેલી પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડને રોકાણની મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય હજુ પણ ચાલુ છે. તે વર્ષ 2025માં પૂર્ણ થવાની ધારણા છે. આ પ્રોજેક્ટને પૂર્ણ કરવા માટે 4287.59 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.


