- ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ પર ભૂતપૂર્વ સાઉદી ગુપ્તચર અધિકારીએ લગાવ્યો ગંભીર આરોપ
- ક્રાઉન પ્રિન્સે પિતાની નકલી સહી કરીને યમનમાં હુથીઓ સામે યુદ્ધની ઘોષણા કરી દીધી હતી
- અમેરિકાએ માત્ર સાઉદી અરબના હવાઈ હુમલાને સમર્થન આપ્યું હતું
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને લઈને મોટો ખુલાસો થયો છે. સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ એક અદ્ભુત યુક્તિબાજ નીકળ્યા. તેણે તેના પિતાની સહી બનાવટી કરીને યમનમાં હુથીઓ સામે યુદ્ધની ઘોષણા કરી દીધી હતી. હવે આ વાતનો ખુલાસો ખુદ સાઉદી અરબ સરકારના પૂર્વ ગુપ્તચર અધિકારી અલ-જબરીએ કર્યો છે. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે ક્રાઉન પ્રિન્સ તેને મારવા માંગે છે.
ક્રાઉન પ્રિન્સે શાહી હુકમ જારી કર્યો હતો
BBCના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, મોહમ્મદ બિન સલમાને યમનના હુથી વિદ્રોહીઓ સામે જમીની હુમલા માટે શાહી હુકમ જારી કર્યો હતો. આ માટે તેમણે શાહી ફરમાન પર તેના પિતા એટલે કે સાઉદીના કિંગની નકલી સહી કરી હતી. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, અમેરિકાએ માત્ર સાઉદી અરબના હવાઈ હુમલાને સમર્થન આપ્યું હતું. પરંતુ મોહમ્મદ બિન સલમાને આ વાતની અવગણના કરી અને પિતાની નકલી સહીથી યમનમાં ગ્રાઉન્ડ એટેકને આગળ ધપાવ્યો.
ભૂતપૂર્વ સાઉદી ગુપ્તચર અધિકારી સાદ અલ-જાબરીએ માહિતી આપી
ભૂતપૂર્વ સાઉદી ગુપ્તચર અધિકારી સાદ અલ-જાબરીના જણાવ્યા મુજબ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને યમનના હુથી વિદ્રોહીઓ સામે યુદ્ધ કરવાના શાહી હુકમનામું પર તેના પિતાની નકલી સહી કરી હતી. તે સમયે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન માત્ર 29 વર્ષના હતા. ત્યારે તેઓ સાઉદી અરબના રક્ષા મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. તેમણે કિંગ સલમાનની ખરાબ તબિયતને જોતા આ પગલું ભર્યું હતું. તેનું કારણ સિંહાસન પર તેનો અધિકાર સુનિશ્ચિત કરવાનો હતો. આ જ કારણસર તેણે સાઉદી અરબને યુદ્ધની આગમાં ધકેલી દીધું હતું.
સાઉદી અરબ સાથે સાદ અલ-જાબરીનો વર્ષોથી વિવાદ
ભૂતપૂર્વ સાઉદી ગુપ્તચર અધિકારી સાદ અલ-જબરીનો હાલમાં સાઉદી અરબ સાથે છત્રીસનો આંકડો છે. સાઉદીમાંથી સાદ અલ-જબરીને દેશનિકાલ કરવામાં આવ્યો છે. તેઓ લાંબા સમયથી કેનેડામાં રહે છે. તેમનો સાઉદી અરબ સાથે ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. સાઉદી અરબે તેના બે બાળકોને જેલમાં બંધ કરીને રાખ્યા છે. આ આરોપ એવા સમયે આવ્યો છે જ્યારે પ્રિન્સ મોહમ્મદ સાઉદી અરબના સર્વોચ્ચ નેતા છે. તે હવે તેના 88 વર્ષીય પિતા કિંગ સલમાનના સ્થાને વિશ્વભરના નેતાઓને મળે છે.
પ્રિન્સ મોહમ્મદે શાહી હુકમનામા પર પિતાની નકલી સહી કરી હતી
BBC સાથે વાત કરતા સાદ અલ-જાબરીએ કહ્યું કે, સાઉદી ગૃહ મંત્રાલય સાથે જોડાયેલા એક વિશ્વસનીય અને ભરોસાપાત્ર અધિકારીએ તેમને આ વાતની પુષ્ટિ આપી છે કે પ્રિન્સ મોહમ્મદે તેમના પિતાની જગ્યાએ યુદ્ધની ઘોષણા કરતા શાહી હુકમનામા પર નકલી સહી કરી હતી. કિંગની હાલત સારી ન હતી ત્યારે આવું બન્યું હતું. જોકે, સાઉદીએ હજુ સુધી આ આરોપોનો જવાબ આપ્યો નથી.
આ યુદ્ધમાં 1,50,000થી વધુના મોત
નોંધનીય છે કે, મોહમ્મદ બિન સલમાને યમનમાં ઈરાન સમર્થિત હુથી વિદ્રોહીઓ સામે યુદ્ધની ઘોષણા કરતા કહ્યું હતું કે, તે ટૂંક સમયમાં ખતમ થઈ જશે. જોકે, લગભગ એક દાયકા પછી પણ તે સમાપ્ત થવાની નજીક નથી. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 1,50,000થી વધુ લોકોના મોત થયા છે.


