BCCIના સેક્રેટરી જય શાહ, ટ્રેઝરર આશિષ શેલર, આઇપીએલ ચેરમેન અરૂણ ધુમલ ઉપસ્થિત રહેશે
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ક્રિકેટના વિકાસ માટે 6 દાયકાથી કાર્યરત નિરંજન શાહનના સમ્માનમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ કરવામાં આવ્યું છે જે દરેક સૌરાષ્ટ્રવાસીઓ માટે ગૌરવની ક્ષણ છે.રાજકોટને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની ક્રિકેટ મેચ અપાવવામાં નિરંજન શાહનો સિંહફાળો રહ્યો છે. આજે સાંજે આયોજીત એક ભવ્ય સમારોહમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમને નવા નામ સાથે નિરંજન શાહ સ્ટેડીયમનું નામકરણ કરવામાં આવશે. આ પ્રસંગે ભવ્ય આતશબાજી યોજાશે. ત્યારબાદ ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ આવતીકાલ તા.૧૫ ફેબ્રુ.થી આ મેદાન પર રમાશે.
રાજકોટને ક્રિકેટની રમતમાં દેશ-વિદેશમાં ગૌરવ અપાવનાર નિરંજન શાહનું યોગદાન સ્તુત્ય રહ્યું છે. તે આ વર્ષે ૧૯૬૫થી ૧૯૭૫ વચ્ચે સૌરાષ્ટ્ર રણજી ટીમના પ્લેયર અને કેપ્ટન રહ્યા હતાં. ત્યારબાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં સેક્રેટરી તરીકે સતત પાંચ દાયકા સુધી સેવા આપી હતી. આઇપીએલમાં વાઇસ ચેરમેન, નેશનલ ક્રિકેટ એકેડમીના ચેરમેન અને ટીમ ઇન્ડિયાનાં મેનેજર પદે રહીને તેઓએ અહીંના યુવા ખેલાડીઓને ક્રિકેટ ક્ષેત્રે કારકિર્દી બનાવવામાં પ્રોત્સાહન પુરૂ પાડયુ છે. રાજકોટને વન-ડે મેચ, ટી-૨૦ મેચ, ટેસ્ટ મેત અપાવવામાં તેમજ જામનગર રોડ ઉપર ખંઢેરી ગામે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ સ્ટેડિયમ અપાવવામાં તેમનું યોગદાન મહત્વનું રહ્યું છે.
રાજકોટને વિશ્વનું અજોડ ક્રિકેટ સ્ટેડિયમ મળવું જોઇએ તેવા સંકલ્પ લીધા બાદ વર્ષ ૨૦૦૯માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જામનગર રોડ ઉપર ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ વિધિ થયો ત્યારબાદ વર્ષ ૨૦૧3માં ગૌરવવંતા સમારોહમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનું લોકાર્પણ થયું. દેશમાં સૌથી વધુ ૨૫ નેટ પ્રેકટીસ માટે પીચ ધરાવતા આ ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતા એ છે કે કોઇપણ સ્ટેન્ડમાંથી પ્રેક્ષક કોઇપણ પ્રકારનાં પીલરની અડચણ વિના મેચને રસપૂર્ણ માણી શકે છે. ક્રિકેટ સ્ટેડિયમમાં ખેલાડીઓ માટે પણ આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમનાં નિર્માણમાં મહત્વનું યોગદાન આપનારા નિરંજનભાઇ શાહનાં કાર્યને બિરદાવવા આજે સાંજે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નવા નામાભિધાન નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમનો સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં ભારતીય ક્રિકેટ બોર્ડનાં સચિવ જય શાહ, ખજાનચી આશિષ શેલર, આઇપીએલ ચેરમેન અરૂણ ધમલ, આઇપીએલ સભ્ય અભિષેક દાલમીયા, તથા ભારતીય ક્રિકેટ બોર્ડનાં અગ્રીમ હરોળનું સ્થાન ધરાવતા હોદેદારો, ખેલાડી, ક્રિકેટરો, કેબીનેટ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને આમંત્રીત મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહેશે.