સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉતર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી
આગામી એક અઠવાડિયામાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર પલટો લેવાની તૈયારીમાં છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાનમાં પલટો આવશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગે માહિતી આપી છે કે, આગામી એક અઠવાડિયામાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ અસર હેઠળ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે. જોકે, હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ રાજ્યમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા હાલ દેખાતી નથી.
રાજ્યના વિવિધ વિસ્તારોના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો-ઘટાડો નોંધાયો છે. આજે નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ અને અમરેલીમાં પણ વધુ ઠંડી નોંધાઈ છે. હાલમાં રાજ્યમાં ઠંડી યથાવત્ છે અને આગામી દિવસોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જો વાદળછાયું વાતાવરણ થશે તો રાજ્યમાં ઠંડીનું જોર વધશે.


