- સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન
- જુનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ
- દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ સવારે થી લઈ સાંજે સુધીમાં મેઘરાજાએ વરસાદની ધમાચકડી બોલાવી છે.
ધોધમાર વરસાદ વરસ્તા પોરબંદરની શાળાઓમાં રજા જાહેર
પોરબંદરમાં મેઘરાજાનું તોફાની સ્વરૂપ જોવા મળ્યું હતું. પોરબંદરમાં શહેરમાં ગુરુવારના રોજ 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. પોરબંદર શહેરમાં જળ તાંડવ જોવા મળ્યું હતું ધોધમાર વરસાદ વરસ્તા 20 થી 25 વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઇ તો અનેક જગ્યાએ વાહન વ્યવહાર ખોરવાયો છે. 19 જુલાઇના રોજ પોરબંદરની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહીને પગલે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ભારે વરસાદ ખાબક્યો હતો. તમામ જગ્યાએ વરસાદ વરસ્તા નદીઓ વહેતી થઇ ગઇ હતી. તો બીજી તરફ હરીપર ગામથી પાનેલી ગામ તરફના માર્ગ પર ધસમસતા પાણીના પ્રવાહમાં પસાર થતા કાર તણાઇ હતી. સ્થાનિકો દ્વારા ટ્રેક્ટરની મદદ વડે કારને બહાર કઢાવામાં આવી છે.
જુનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ
જુનાગઢમાં ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ થતા કુદરત સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગિરનાર પર્વત પર નયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદથી નદી નાળાઓ ફરી છલકાયા છે. ભવનાથ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના કારણે ભવનાથના રસ્તા પર પાણી ભરાયા છે. જુનાગઢ જિલ્લા સહિત કેશોદના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન થયા છે. સિઝનનો સારો વરસાદ થતા ખેડૂતોમાં હર્ષો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે.
ગીર સોમનાથ જંગલ વિસ્તારમાં ભારે વરસાદ
ગીર સોમનાથ જંગલ વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. કોડીનારમાંથી પસાર થતી શિંગોડા નદીમાં પ્રચંડ પુર આવ્યું છે. કોઝ વે પર ભારે પાણીનો પ્રવાહ વહેતા વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. નદીની નજીક ન જવા લોકોને તંત્રની કડક સૂચના આપવામાં આવી છે.
કોડીનારના જામવાળા ગીરમાં શિંગોડા નદીમાં પુર
કોડીનારના જામવાળા ગીરમાં શિંગોડા નદીમાં ઘોડાપુર આવ્યું છે. નદી પર આવેલો જમજીર ધોધનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પુષ્કળ પ્રમાણમાં ધોધ પર પાણી વહેતા ખેડૂતોની આશા જીવંત થઇ છે.
જામનગરના ધ્રોલમાં વીજળી પડતા પતિ-પત્નીનું મોત
જામનગરમાં વીજળીના પ્રચંડ કડાકા-ધડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. તેવામાં જામનગરના ધ્રોલમાં વીજળી પડતા પતિ-પત્નીનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. સુમરાગામે પરપ્રાંતિય ખેતમજૂર દંપતિનું મોત થતા ચકચ્ચાર મચી જવા પામ્યો છે.
પોરબંદર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
પોરબંદર જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારના સમયે પોરબંદરના બરડા પંથકના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.બપોર સુધી પોરબંદરમાં ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ પોરબંદર શહેરમાં તથા કુતિયાણાના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો ખેડૂતોને પાકમાં પાણીની જરૂરિયાત સમયે વરસાદ શરુ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.


