સૌરાષ્ટ્ર યુનિ.નું ઓલ ઇન્ડિયા એથ્લેટિકસ મીટમાં લાંબી કુદમાં ઐતહાસિક પ્રદર્શન
ખેલો ઇન્ડિયા યુનિવર્સીટી ગેમ્સ માટે પણ કવોલીફાઇડ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં એથ્લેટિક્સ રમતમાં ભાઈઓની લાંબી કૂદ સ્પર્ધામાં એક નવી અને ગૌરવસભર સિદ્ધિ નોંધાઈ છે. એ.આઈ.યુ. ઓલ ઇન્ડિયા એટલેટિક્સ મીટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી કડછા દિનેશ, જે.જે. કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી,એ ભાઈઓની લાંબી કૂદ સ્પર્ધામાં ચોથો ક્રમ (4th Position) પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.
આ સિદ્ધિ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ પહેલા ક્યારેય પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોઈ ખેલાડીએ લાંબી કૂદ સ્પર્ધામાં ઓલ ઇન્ડિયા સ્તરે ક્વોલિફાઇડ થવાનો ઇતિહાસ રચ્યો નહોતો. આ પ્રથમવાર છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખેલાડીએ ઓલ ઇન્ડિયા એટલેટિક્સ મીટમાં લાંબી કૂદમાં ભાગ લઈ ઉત્તમ પ્રદર્શન કર્યું છે.
આ ઉપરાંત, આ ઓલ ઇન્ડિયા સ્પર્ધાના પરિણામના આધારે શ્રેષ્ઠ ખેલાડીઓનું પસંદગી પ્રક્રિયા હેઠળ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ માટે ક્વોલિફિકેશન થતું હોય છે, જેમાં કડછા દિનેશે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ માટે પણ ક્વોલિફાઇડ થઈને વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ પોતાના નામે નોંધાવી છે.
આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ પ્રો. (ડૉ.) ઉત્પલ જોશીએ કડછા દિનેશને ઓલ ઇન્ડિયા સ્પર્ધામાં પસંદગી થવા તેમજ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ માટે ક્વોલિફાઇડ થવા બદલ હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે.


