- આવો પરિપત્ર જાહેર કરવાની કેમ ફરજ પડી ? તેનો ઉત્તર મળતો નથી
- ભૂતકાળની કોઈ ઘટના સંદર્ભે પરિપત્ર કર્યો છે કે શું ? શિક્ષણ જગતમાં ઊઠતા પ્રશ્નો
- તંત્ર સામે અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજથી 16 કોર્સમાં 36 કેન્દ્રો પરથી 6,267 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, પરંતુ પેપરના બે દિવસ પહેલા જ પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરાયેલા પરિપત્રે અનેક સવાલો ઊભા કર્યા છે. આ પત્રમાં જણાવ્યા મુજબ પરીક્ષામાં કોઈએ સાથે હથિયાર રાખવું નહિ તેવું લખતા ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી હોવાની ચર્ચાએ જોર પકડયું છે.
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહેલીવાર નેશનલ એજ્યુકેશન પોલિસી પ્રમાણે પરીક્ષા લેવા જઈ રહ્યા છે. ત્યારે તંત્ર સામે અનેક પડકારો ઊભા થઈ રહ્યા છે. આ પરીક્ષામાં તમામ કોર્સની પરીક્ષા નવી શિક્ષણ નીતિ પ્રમાણે લેવામાં આવી રહી છે ત્યારે માત્ર બી-ડિઝાઈનની પરીક્ષા જૂના નિયમો અનુસાર લેવામાં આવશે. તેના સવાલોના જવાબ હજુ મળ્યા નથી ત્યાં પરીક્ષા નિયામક દ્વારા જાહેર કરાયેલા પરિપત્રે વિચારતા કરી દીધા છે.
આ પરિપત્રમાં જણાવ્યા મુજબ 30 મિનિટ પહેલા પ્રશ્નપત્રના બોક્સ ખોલવાના રહેશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ સામે પરીક્ષા ખંડમાં જ નિયત સમયના 10 મિનિટ અગાઉ જ પ્રશ્નપત્રનું સીલબંધ કવર ખોલવાનું રહેશે. આ રાબેતા મુજબના નિયમોની સાથે પરીક્ષા નિયામકે ત્રીજા ક્રમમાં કાયદાકીય પ્રતિબંધિત થયેલા હથિયારો પરીક્ષા કેન્દ્રમાં લાવવા પર મનાઈ હુકમ ફરમાવ્યો હતો. જેના કારણે ભૂતકાળમાં શું કોઈ ઘટના ઘટી છે કે શું તેવા અનેક સવાલો ઊઠયા છે. તો બીજી તરફ અન્ય કોલેજમાં ઓબ્ઝર્વર પર હથિયારો બતાવી ધમકાવતા હોવાની ચર્ચાએ પણ જોર પકડયું છે. જેના કારણે અનેક સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર હથિયારો સાથે લાવતા હોવાની વાત પણ કેમ્પસમાં વહેતી થઈ છે.


