તમે ઓહ માય ગોડ મુવી તો જોયું જ હશે, જેમાં કાનજીભાઈ દ્વારા ભગવાનને નોટિસ મોકલવામાં આવે છે. આવો જ કિસ્સો રિયલ લાઈફમાં જોવા મળ્યો છે. જયપુર ડેવલપમેન્ટ ઓછોરિટી દ્વારા ભગવાન શંકરને નોટિસ ફટકારવામાં આવી છે. JDA દ્વારા નોટિસ ફટાકારીને 7 દિવસમાં જવાબ માંગતા ભક્તોમાં રોષ ફેલાયો છે.
જેડીએ દ્વારા શિવ મંદિરને નોટિસ
ઘટનાની મળતી વિગતો અનુસાર, હાલ રાજસ્થાનના પાટનગર જયપુરના વૈશાલી નગર વિસ્તારમાં રસ્તા પહોંળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા 70 યુનિટના માલિકોને નોટિસ ફટકાવામાં આવી છે. જેમાં દુકાનો અને મકાન સાથે એક મંદિરને પણ નોટિસ ફટકારવામાં આવી છે. JDA એ આ નોટિસનો જવાબ સાત દિવસમાં આપવા માટે જણાવ્યું છે. જેડીએ દ્વારા શિવ મંદિરને નોટિસ આપવાના કારણે ભક્તોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા આ નોટિસ શિવ મંદિરની દિવાલ પર ચોંટાડવામાં આવી છે. હવે લોકોના મનમાં સવાલ છે કે, આ નોટિસનો જવાબ કોણ આપશે? આ નોટિસમાં રાજસ્થાન હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનનો હવાલો આપવામાં આવ્યો છે.
શિવ મંદિરની બાઉન્ડ્રીવોલ રોડની સીમામાં અંદાજે 1.59 મીટર સુધી અતિક્રમણ
આ પિટિશન જેડીએ પ્રવર્તન શાખાના સીઆઈ અરુણ પુનિયા દ્વારા દાખલ કરવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર, શિવ મંદિરની બાઉન્ડ્રીવોલ રોડની સીમામાં અંદાજે 1.59 મીટર સુધી અતિક્રમણ કરીને બનાવવામાં આવી છે.
70 મકાન અને દુકાનના માલિકોને ફટકારાઈ નોટિસ
જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ગાંધી પથને 100 ફુટ સુધી પહોંળો કરવાની યોજના અંતર્ગત 21 નવેમ્બરના રોજ 70 મકાન અને દુકાન માલિકોને પણ નોટિસ ફટકારવામાં આવી છે. મંદિરને મોકલવામાં આવેલી નોટિસ બાદ સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. લોકોનું માનવું છે કે, જેડીએ દ્વારા કાર્યવાહી કરવામાં ઉતાવળ કરવામાં આવી રહી છે. આ સાથે ઓથોરિટી આ મામલે અસંવેદનશીલ બની છે. તેમણે ભગવાન શિવને નોટિસ ફટકારીને ધાર્મિક ભાવવાને ઠેસ પહોંચાડી છે.
સ્થાનિક લોકો દ્વારા મંદિર બહાર એકઠા થઈને જયપુર ડેવલપમેન્ટ ઓથોરિટી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકોએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો જેડીએ દ્વારા મંદિર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, તો તેઓ બુલડોઝર સામે આવીને ઉભા થઈ જશે. પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ તેઓ મંદિર તૂટતા અટકાવશે. આ સાથે તેઓએ પ્રવર્તન અધિકારી અરૂણ પુનિયાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ પણ કરી છે.
બજરંગ દળે જેડીએ સામે ચડાવી બાયો
આ સમગ્ર ઘટના અંગે બજરંગ દળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બજરંગ દળના રાહુલ શર્માએ જણાવ્યું હતું કે, જો સરકાર સમયસર આ વિવાદનું નિરાકરણ નહીં લાવે, તો રાજસ્થાન બંધનું એલાન કરવામાં આવશે. તેમણે ચેતવણી આપી છે કે, જો મંદિર હટાવવાની કામગીરી કરવામાં આવશે તો સરકારને ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, રસ્તા પહોળો કરવા જરૂરી છે, પરંતુ ધાર્મિક સ્થાનોને ટારગેટ ન કરવા જોઈએ. જો આવી કોઈપણ કાર્યવાહી કરવાનાં આવશે, તો તે ચલાવી લેવામાં આવશે નહીં. હાલ જેડીએ દ્વારા આ મામલે કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. આ મામલે આગામી સમયમાં વિવાદ વકરે તેવી શક્યતા છે.
આ પણ વાંચો – Ahmedabad News: બાવળા ચંગોદર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, સારવાર દરમિયાન એક વ્યક્તિનું મોત


