- મહુવા અને દ્વારકાના LC કબ્જે કરવા પોલીસની કવાયત, ત્રણની પૂછપરછ
- એજન્ટે રૂ.3,500માં નકલી એલસી કાઢી આપ્યું
- કર્મી પિતા-પુત્રને ઓળખી જતા ભાંડો ફૂટયો
રાજકોટમાંથી તાજેતરમાં ક્રાઈમ બાંચનો નકલી પોલીસમેન પકડાયાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે બહુમાળીભવનમાં આવેલી સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં જાતિનો દાખલો માટે નકલી લિવિંગ સર્ટિફિકેટ બનાવવાના કારસ્તાનનો સમાજ કલ્યાણ અધિકારીએ પર્દાફાશ કરી એજન્ટને રંગે હાથ ઝડપી લીધો છે. નકલી LC બનાવનાર બે અરજદારોને પોલીસને સોંપી દેતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ચાર-પાંચ દિવસ પહેલા આજે નકલી લિવિંગ સર્ટિફિકેટ બનાવનાર અરજદાર મુળ ખેડાના હાલ રાજકોટમાં રૂખડિયાપરામાં રહેતા સવજીભાઈ વિકાણી અને તેના પુત્ર રસીક જાતિના દાખલા માટે આવ્યા હતા પરંતુ આ અરજદારો બક્ષીપંચમાં આવતા ન હોવાથી સમાજ કલ્યાણ વિભાગના કર્મચારીએ દાખલો કાઢવાનો ઈન્કાર કરતા બન્ને પિતા પુત્ર ઓફિસમાંથી બહાર નીકળ્યા હતા અને ઓફિસ બહાર બેસેલા એજન્ટને વાત કરતા તેને દાખલા માટે રૂ.3500ની વાત કરી હતી. દરમિયાન પિતા-પુત્ર બહુમાળી ભવન ખાતે લિવિંગ સર્ટી.લઈને ગયા હતા ત્યાં સમાજ કલ્યાણ વિભાગના કર્મચારીને દાખલો કઢાવી આપવા જણાવી બન્નેના એલસી આપ્યા હતા. જેમાં પિતાનું સર્ટી ભાવનગરના મહુવાનું રાણીવાડા પ્રા. શાળાનું અને પુત્રનું દ્રારકાના કલ્યાણપુરની રાવલ પ્રા.શાળાનું હોય કર્મચારીએ તપાસ કરતા અગાઉ ચાર દિવસ પહેલા સર્ટી.વગર દાખલો કઢાવવા આવેલા પિતા-પુત્ર જ હોય ઓળખી જઈ પૂછપરછ કરતા તેણે ઓફિસ બહાર બેસતા એજન્ટ પાસેથી કઢાવ્યાનું રટણ કરતા કર્મચારીએ બન્ને સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક બારોટને જાણ કરતા તેને કૌભાંડની પોલીસને જાણ કરી હતી.
પોલીસે તપાસ કરી વચેટિયા રમેશ પુરોહિત તેમજ પિતા-પુત્રની પૂછપરછ કરી નકલી એલ.સી કૌભાડમાં સમાજ કલ્યાણ વિભાગના કર્મચારીની ફરિયાદ નોંધવા અને આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.


