માનવતાને શરમાવે તેવી ક્રૂર ઘટનાથી અરેરાટી
ગાંધીધામમાં ઓટલે બેસવા જેવી સામાન્ય બાબતે આધેડને જીવતો સળગાવ્યો
જીવ બચાવવા બાથરૂમમાં ભરાઇ ગયા પણ આરોપીઓએ ડીઝલ છાંટી દિવાસળી ચાંપી દીધી
અગ્ર ગુજરાત, ગાંધીધામ
કચ્છના ગાંધીધામમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના રોટરીનગર વિસ્તારમાં માત્ર ઘરની બહાર બેસવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી એક યુવકને જીવતો સળગાવી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી બે મહિલા સહિત ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. બીજી બાજું ગંભીર રીતે દાઝી ગયેલા આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે.
રોટરીનગર વિસ્તારમાં અગાઉ ઘરની બહાર બેસવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબતનું મનદુઃખ રાખીને આરોપીઓએ 25 જાન્યુઆરીના રોજ વર્ષીય હીરાભાઈ મહેશ્વરીના 50 વર્ષીય ભાઈ કરસનભાઈને પકડીને માર માર્યો હતો. જ્યારે ભોગ બનનાર આધેડ પોતાના ઘરના બાથરૂમમાં ગયો, ત્યારે આરોપીઓએ પાછળ જઈ તેના પર ડીઝલ છાંટીને આગ ચાંપી દીધી હતી.
આ ગંભીર હુમલામાં આધેડ આખા શરીરે ખરાબ રીતે દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાત્રે મામલતદારની હાજરીમાં ભોગ બનનાર કરસનભાઈનું મરણોન્મુખ નિવેદન નોંધવામાં આવ્યું હતું. જયારે 26 જાન્યુઆરીએ સવારે તેમનું મોત થયું હતું.
આ બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે મર્ડરનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ગોજીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ત્રણ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ કેસમાં અન્ય એક મહિલા આરોપી મંજુબેન લહેરીભાઈ મહેશ્વરી હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.
દર્દનાક વીડિયો સામે આવ્યો : રસ્તા પર તરફડીયા મારતા જોવા મળ્યા
આ ઘટનાનો એક દર્દનાક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કરસનભાઈ ગંભીર રીતે દાઝેલી હાલતમાં રસ્તા પર તરફડિયા મારતા જોવા મળે છે. તેમને તાત્કાલિક 108 મારફતે આદિપુરની રામબાગ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો.


