- વહેલી સવારથી VVIPનો જમાવડો, 80થી વધુ ચાર્ટર્ડ પ્લેનની મૂવમેન્ટ
- મોટાભાગના ચાર્ટર્ડ પ્લેનને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતાં હવાઈ ચક્કર મારવા પડયાં
- એર ટ્રાફિક જેવી સ્થિતિ સર્જાતા મોટાભાગની ફ્લાઈટોના શિડયૂલ ખોરવાયા
અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારથી જ ચાર્ટર્ડ ફ્લાઈટની મૂવમેન્ટને પગલે એર ટ્રાફિક જેવી સ્થિતિ સર્જાતા મોટાભાગની ફ્લાઈટોના શિડયૂલ ખોરવાયા હતા. જેમાં વિવિધ ડેસ્ટિનેશન ઈન્ડિગોની 22, સ્પાઈસજેટની 7, વિસ્તારાની 4, અકાશા એરની 3, એમિરેટ્સની 1 અને એર ઈન્ડિયાની 1 ફ્લાઈટ મોડી પડતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડયો હતો. ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટો એકથી ત્રણ કલાક જેટલી મોડી થતાં મુસાફરોને ટર્મિનલ પર રાહ જોવાની ફરજ પડી હતી. જ્યારે ક્રિકેટ વર્લ્ડકપ ફાઈનલ મેચને પગલે વહેલી સવારથી સેલિબ્રિટી, બિઝનેસમેનો, અન્ય રાજ્યોના સીએમ અને રાજકીય નેતાઓ આવ્યા હોવાને પગલે ચાર્ટર્ડની મૂવમેન્ટ વધુ જોવા મળી હતી. રવિવારે સવારે એર ટ્રાફિક જેવી સ્થિતિ સર્જાતા મોટા ભાગના ચાર્ટર્ડ પ્લેનોને કલાકથી વધુ સમય હવાઈ ચક્કર મારવા પડયાં હતાં. આ વચ્ચે ચાર્ટર્ડ માટે પાર્કિંગ સ્પેસ પણ ઓછી થવાથી વડોદરા સહિતના નજીકના એરપોર્ટ પર પાર્કિંગ માટે મોકલવામાં આવ્યાં હતાં. અમદાવાદ એરપોર્ટ પર રવિવારે 80થી વધુ ચાર્ટર્ડ પ્લેનની મૂવમેન્ટ થઈ હતી. સૌથી વધુ મુંબઈ અને દિલ્હીથી જોવા મળી હતી.


