- ઘઉંની શ્રેષ્ઠ જાતની તેમને સંશોધન કરી હતી
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત થયા
- ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા માનવામાં આવે
દેશનો સૌથી મહત્વના એવા ભારત રત્નની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારે ભારતમાં કૃષિ ક્રાંતિના જનક અને જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ.સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. એમએસ સ્વામીનાથને દેશમાં સામાન્ય જનતા માટે ખાદ્ય પદાર્થની અછત ન રહે તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે કૃષિ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો.
જોકે સૌથી નોંધનીય બાબાત છેકે તેમણે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1943 માં બંગાળમાં ભયંકર દુકાળ પડ્યો હતો. જેમાંથી તેમણે પ્રેરણા લીધી હતી અને આ પછી 1944માં મદ્રાસ એગ્રીકલ્ચર કોલેજમાંથી કૃષિ વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. 1947માં તેઓ જીનેટિક્સ અને છોડના સંવર્ધનનો અભ્યાસ કરવા દિલ્હીની ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI)માં પહોંચ્યા હતા. આ પછી પોતાના વધુ અભ્યાસ દરમિયાન 1949 માં સાયટોજેનેટિક્સમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી.
એમએસ સ્વામીનાથનને ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા માનવામાં આવે છે. તેમજ તેઓ પ્રથમ વ્યક્તિ છે જેમણે ઘઉંની શ્રેષ્ઠ જાતની સંશોધન કરી હતી. જેના કારણે ભારતમાં ઘઉંના ઉત્પાદનમાં મોટો વધારો થયો હતો. આ સાથે જ તેમણે બટાકા પર સંશોધન કર્યું હતું.
સ્વામીનાથનને તેમના કાર્ય માટે ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે, જેમાં પદ્મશ્રી (1967), પદ્મભૂષણ (1972), પદ્મવિભૂષણ (1989), મેગ્સેસે એવોર્ડ (1971) અને વર્લ્ડ ફૂડ પ્રાઈઝ (1987)નો સમાવેશ થાય છે.
વડાપ્રધાન મોદી ટ્વિટ કર્યું
વૈજ્ઞાનિક ડૉ.એમ.એસ.સ્વામીનાથનને યાદ કરતાં પીએમ મોદીએ લખ્યું, આ ખૂબ જ આનંદની વાત છે કે ભારત સરકારે ડૉ.એમ.એસ.સ્વામીનાથનને આપણા દેશમાં કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે ભારત રત્નથી સન્માનિત કર્યા છે. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે ઉત્તમ પ્રયાસો કર્યા હતા.’


