- ફેફસાંની કાર્યક્ષમતાને ગંભીર રીતે અસર, જીવલેણ સાઇડ ઇફેક્ટનો ભય
- કોરોનાનો શિકાર બનેલાં અડધાથી વધારે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ
કોરોના સંક્રમણ પાછલા ચાર વર્ષથી વૈશ્વિક સ્વાસ્થ્ય સામે જોખમ બનીને ઊભું છે. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં 70.36 કરોડથી વધારે લોકો કોરોના સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે અને તેમાંના 69.86 લાખ લોકોના મોત પણ થઇ ચૂક્યા છે. જો કે કોરોના ફક્ત સંક્રમણની સ્થિતિમાં જ નહીં સાથે સંક્રમણ બાદની સ્થિતિમાં પણ લોકો માટે ગંભીર સમસ્યાઓનું કારણ માનવામાં આવે છે. કોરોના સંક્રમણનો ભોગ બનેલા લોકોને સાજા થયાના એક વર્ષ બાદ પણ હૃદય, મેટાબોલિઝમ અને મસ્તકને સંબંધિત અડચણોનો અનુભવ થઇ રહ્યો છે. કોવિડ-19ની સાઇડ ઇફેક્ટ્સને લઇને તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં સંશોધનકારોએ ફેફસાંની સમસ્યાને લઇને એલર્ટ કર્યા છે. આ અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે એક્યુટ કોવિડ બાદ ભારતીય લોકોમાં ફેફસાંને નુકસાનના કેસનો દર ઘણો ઊંચો જોવા મળ્યો છે. કોવિડ-19એ ફેફસાંની કાર્યક્ષમતાને ગંભીર રીતે અસર કરી છે, જેની ગંભીર જીવલેણ સાઇડ ઇફેક્ટ ઊભી થવાનો ભય છે. આ અભ્યાસ અનુસાર કોવિડના ગંભીર કેસીસમાં મોટાભાગના ભારતીયોના ફેફસાંની કાર્યક્ષમતામાં મોટો ઘટાડો નોંધાયો છે. કોરોનાનો શિકાર બનેલાં અડધાથી વધારે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદ છે.
સંશોધનકારો શું કહે છે?
મેડિકલ કોલેજમાં પલ્મોનરી મેડિસિનના પ્રોફેસર તથા અભ્યાસના મુખ્ય સંશોધનકાર ડીજે ક્રિસ્ટોફર કહે છે કે ઘણા સંશોધન એ તરફ સંકેત કરે છે કે બીમારીની ગંભીરતાની શ્રોણીમાં અન્ય દેશોના આંકડાની તુલનામાં ભારતીય વસતીના ફેફસાંની તકલીફો વધારે જોવા મળી રહી છે. જો કે ફેફસાંને નુકસાન થવા માટેના ચોક્કસ કારણો સમજાઇ રહ્યા નથી કેમ કે ભારતીય વસતીમાં અન્ય દેશોની તુલનાએ કોમોરબિડિટીની તકલીફ પણ વધારે રહી છે.


