સુભાષ ત્રિવેદી દ્વારા તમામ પાસાઓને આવરી લેતી તપાસ હાથ ધરાઇ
સમગ્ર ગુજરાતમાં ગાજેલા ટીઆરપી અગ્નિકાંડની તપાસ મંથર ગતિએ ચાલી રહી છે. દરમિયાનમાં ગઇકાલે સીટના વડા સુભાષ ત્રિવેદી રાજકોટ આવી પહોંચ્યા હતા અને તેમણે ટીઆરપી અગ્નિકાંડના મુખ્ય આરોપીઓની પુછપરછ હાથ ધરી હતી. આ કિસ્સામાં ટીપીઓ સાગઠીયા અને ટીઆરપી ગેમઝોનના ભાગીદારોનો સમાવેશ થાય છે. પોલીસ હજુ આ મામલે એક ભાગીદાર અશોકસિંહની ધરપકડ કરી શકી નથી તે નોંધનીય છે.
સિટના વડા સુભાષ ત્રિવેદી રાજકોટ આવ્યા હતા અને ક્રાઈમ બ્રાંચની કચેરીએ જઈ તમામ આરોપીઓની ઘનિષ્ઠ પુછપરછ કરી હતી. ગુનાની તપાસ માટે અલગથી સિટી રચના કરવામાં આવી છે. આ સિટના અધિકારીઓ સાથે પણ લંબાણભરી ચર્ચા કરી અત્યાર સુધી થયેલી તપાસની માહિતી મેળવી હતી. આ ઉપરાંત અત્યાર સુધી જેટલા પણ પુરાવા મળ્યા છે તેની પણ છણાવટ કરી હતી. આવતીકાલે પણ આરોપીઓની પુછપરછ કરે તેવી સંભાવના છે.
ગુનાની તપાસ કરતી સીટ પાસે આજ સુધી કુલ નવ આરોપીઓ રિમાન્ડ પર હતા. જેમાંથી ચાર આરોપીઓમાં યુવરાજસિંહ સોલંકી, નીતિન લોઢા, રાહુલ રાઠોડ અને ધવલ ઠક્કરના રિમાન્ડ પુરા થતા કોર્ટમાં રજૂ કરતા ચારેયને જેલ હવાલે કરવાનો હુકમ કરાયો હતો. જો કે તે પહેલા જ સિટના વડા સુભાષ ત્રિવેદીએ આ ચારેય આરોપીઓની પુછપરછ કર્યાનું જાણવા મળે છે. ગુનાની તપાસ કરતી સીટે અત્યાર સધી કયા કયા પુરાવા મેળવ્યા છે. વધુ કયા સરકારી ખાતાના અધિકારીઓ કે માણસોની ગુનાહીત બેદરકારી હતી તે અંગેની તપાસને તેજ બનાવવામાં આવી છે.
જે જોતા આગામી દિવસોમાં વધુ આરોપીઓની ધરપકડ થવાની સંભાવના નકારાતી નથી. આજે જેલ હવાલે કરાયેલા ચારેય આરોપીઓને નિયમ મુજબ સર્કલ-૧ ખાતે રાખવામાં આવ્યા છે. જેલના સુત્રોએ જણાવ્યું કે સાંજે ૬ વાગ્યા પછી જે પદ કેદીઓને જેલમાં લવાય તેમને સર્કલ-૧ ખાતે રાખવામાં આવે છે. બીજા દિવસે તેમને અલગ-અલગ સેલ ફાળવાય છે. નિયમ મુજબ એક ગુનામાં એકથી વધુ આરોપીઓ હોય તો તેમને એક જ સેલમાં રાખવાના હોતા નથી. જેને ધ્યાનમાં લઇ આવતીકાલે ચારેય આરોપીઓને જુદા-જુદા યાર્ડના અલગ-અલગ સેલમાં મોકલવાનો હુકમ કરાશે.
અગાઉ ત્રણ અધિકારીને સસ્પેન્ડ કરાયા હતા
મનપાના ફાયર ઓફિસર ઠેબાને સસ્પેન્ડ કરાયા
રાજકોટના અગ્નિકાંડ બાદ જેની સામે એસીબીએ અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધી ધરપકડ કરી હતી તેવા ડે. ફાયર ઓફિસર ભીખાભાઈ ઠેબાને આજે મ્યુનિસીપલ કમિશનરે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ અગાઉ મનપાના ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ થઈ ચૂકયા છે. તાજેતરમાં જ ડે. ફાયર ઓફિસર ઠેબા સામે રાજયસભાના સાંસદે પાંચેક વર્ષ પહેલા લાંચ માગ્યાનો આક્ષેપ કર્યો હતો. તેના થોડા દિવસો બાદ એસીબીએ ઠેબા સામે અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધી ધરપકડ કરી, ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે આજે પુરા થતાં કોર્ટમાં રજૂ કરાતા જેલ હવાલે કરાયા હતા. રજૂક સાથે જ આજે સસ્પેન્સનનો હુકમ પણ કરવામાં આવ્યો હતો. આ અગાઉ મનપાના તત્કાલીન ટાઉન પ્લાનર ઓફિસર મનસુખ સાગઠીયા અને તત્કાલીન એટીપી મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરાયા હતા. આ બંને અધિકારીઓ અગાઉ તત્કાલીન એટીપી ગૌતીમ જોશીને અગ્નિકાંડના પગલે સસ્પેન્ડ કરાયા હતા. તેની સાથે પીઆઇ, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સહિત કુલ સાતને સસ્પેન્ડ કરાયા હતા.


