મુંબઈ : સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) નેશનલ સ્ટોક એક્સચેન્જને ટ્રેડિંગના કલાકો લંબાવવાની મંજૂરી આપતા પહેલા આનુષંગિકો સાથે નવેસરથી સલાહ લેશે તેમજ આ મુદ્દે ચર્ચા વિચારણા પણ કરશે
આ બાબતની જાણકારી ધરાવતા સૂત્રોએ જણાવ્યું હતું કે એનએસઈને આ અંગે અંતિમ મંજૂરી આપતા પહેલા બજાર નિયમનકાર જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મોનિટરિંગ, સેટલમેન્ટ સ્થાપિત કરવા અને અનિવાર્ય જોખમોની આશંકા દૂર કરવા માંગે છે.
એનએસઈએ સેબી પાસે ડેરિવેટિવ્ઝ માર્કેટને સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી ખાસ સત્ર માટે પરવાનગી માંગી છે. શરૂઆતમાં એનએસઈ આ વિસ્તૃત સમયગાળા દરમિયાન માત્ર છ ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગને મંજૂરી આપવા માંગે છે.
પરંતુ કેટલાક વેપારીઓ સંબંધિત શેરોના ભાવ સંકેતો વિના ઇન્ડેક્સ ટ્રેડિંગને મંજૂરી આપવા અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ, એનએસઈએ કહ્યું હતું કે તેણે લગભગ નવ મહિના સુધી વિગતવાર પરામર્શ હાથ ધર્યો હતો અને મોટાભાગની કંપનીઓની સંમતિ મેળવવામાં તે સફળ રહી હતી.
જો કે, સેબી માને છે કે વધારાના સમયગાળામાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગને મંજૂરી આપતા પહેલા સંબંધિત પક્ષકારો સાથે વ્યાપક ચર્ચા કરવાની જરૂર છે. સૌપ્રથમ, આપણે એ જોવાનું છે કે આ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે કે કેમ અને તેના વિશે તમામ સંબંધિત પક્ષોનો અભિપ્રાય શું છે.
એનએસઈએ સંકેત આપ્યો છે કે નિયમનકારી સ્તરે મંજૂરી મળ્યા પછી, તે નાણાકીય વર્ષના અંત સુધીમાં ટ્રેડિંગ અવધિ લંબાવવાની યોજનાને અમલમાં મૂકવા માંગે છે.