- માનવ શરીરમાં ડુક્કરનાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની બીજી ઘટના
- દર્દીની સ્થિતિને જોતાં શક્ય ન હતું હ્રદયનું પ્રત્યાર્પણ
- સર્જરી પછી દર્દીએ પરિવાર સાથે વિતાવ્યો ગુણવત્તાયુક્ત સમય
મેડિકલ સાયન્સની દુનિયામાં તાજેતરમાં ડોક્ટરોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ડૉક્ટરોએ ડુક્કરનું હૃદય માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું પરંતુ ડુક્કરનું હૃદય પ્રાપ્ત કરનાર વ્યક્તિ ટ્રાન્સપ્લાન્ટના 40 દિવસ પછી મૃત્યુ પામી હતી. આ પ્રકારનો આ બીજો કિસ્સો છે.
માણસનાં શરીરમાં ડુક્કરનું હ્રદય
રિપોર્ટ અનુસાર 20 સપ્ટેમ્બરે 58 વર્ષના લોરેન્સ ફોસેટના શરીરમાં ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. સર્જરી પછી લોરેન્સ લગભગ છ અઠવાડિયા સુધી જીવિત રહ્યા અને ગત સોમવારે તેમનું અવસાન થયું હતું. ફોસેટે તેમની સર્જરી પછી પોતાના પરિવારના સભ્યો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવ્યો હતો. પરંતુ સર્જરીનાં થોડા દિવસો બાદ તેમની તબિયત અચાનક લથડવા લાગી હતી. હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરોએ લોરેન્સ ફોસેટને બચાવવાના તમામ પ્રયાસો કર્યા પરંતુ તેમને બચાવી શકાયા નહીં.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શક્ય નહોતું
લોરેન્સ ફોસેટ નેવીના નિવૃત્ત લેબોરેટરી ટેકનિશિયન હતા. જ્યારે તે મેરીલેન્ડ હોસ્પિટલમાં આવ્યા ત્યારે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે તેમને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે નકારવામાં આવ્યા હતાં. ફોસેટની પત્ની એને જણાવ્યું હતું કે તેમના પતિને ખબર હતી કે તેમની પાસે સમય ઓછો છે. તેઓ તેનાથી ચિંતિત હતા પરંતુ તેમણે ક્યારેય વિચાર્યું ન હતું કે તેઓ આટલું લાંબુ જીવશે.
આ પ્રકારનો આ બીજો કિસ્સો
આ પહેલા વર્ષ 2022માં અમેરિકન ડોકટરોએ ડુક્કરનું હૃદય માનવ શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું પરંતુ અહીં પણ બે મહિના પછી વ્યક્તિ મૃત્યુ પામી હતી. તબીબોએ તેમના મૃત્યુનું ચોક્કસ કારણ પણ જાહેર કર્યું નથી. તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે ડેવિડની હાલત થોડા દિવસો પહેલા બગડવાની શરૂ થઈ ગઈ હતી. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે ટ્રાન્સપ્લાન્ટ બાદ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે આ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ દર્દીના રોગની સારવાર હજુ નિશ્ચિત નથી પરંતુ ટ્રાન્સપ્લાન્ટની આ પ્રક્રિયા મનુષ્ય માટે પ્રાણીઓ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે.


