- પેથાપુરમાં અમીત શાહ જાહેર સભાને પણ સંબોધશે
- તેઓ સે-21 લાયબ્રેરી અને ધોળાકુવામાં સ્કુલનું લોકાર્પણ કરવા રૂબરૂ જશે
- લારી-ગલ્લાના દબાણો અને બેનરો તથા હોર્ડિંગસ દૂર કરવામાં આવ્યા
આગામી 27મીના રોજ લોકાર્પણ – ખાતમુહુર્તના કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અને સાંસદ અમીત શાહ ગાંધીનગર આવી રહ્યા છે. પેથાપુર ખાતે આ કાર્યક્રમ યોજાનાર છે. જેને લઈને આજરોજ ઘ-7 તથા સેક્ટર-21 અને ધોળાકૂવા સહિતના વિસ્તારમાંથી કોર્પોરેશન દ્વારા લારી-ગલ્લાના દબાણો અને બેનરો તથા હોર્ડિંગસ દૂર કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના કુલ 288 કરોડના વિકાસ કામો લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમના આયોજનને લઈને કોર્પોરેશન અને જિલ્લા કલેક્ટર તંત્ર તૈયારીઓમાં લાગેલું છે. મુખ્ય કાર્યક્રમનું સ્થળ પેથાપુર રહેશે, જ્યાં અમીત શાહના હસ્તે નવેસરથી વિકસાવવામાં આવેલા ગામ તળાવ સહિતના વિવિધ કામોના ઈ – ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાશે, આ ઉપરાંત પેથાપુર ખાતે અમીત શાહની જાહેર સભા પણ યોજાનાર છે. જે માટે કોર્પોરેશનને પાંચ હજારની ભીડ એકઠી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમીત શાહ ધોળાકુવા ખાતે નવનિર્મિત પ્રાથમિક શાળાનું અને સેક્ટર-21 ખાતે લાયબ્રેરીનું લોકાર્પણ કરવા સ્થળ પર રૂબરૂ જનાર છે. જેને લઈને આજરોજ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા પેથાપુર, ધોળાકૂવા તથા સેક્ટર-21 ખાતેથી લારી-ગલ્લાના દબાણો અને બેનર્સ દૂર કરવામાં આવ્યા હતા.
સેક્ટર-21માં ત્રણેક જેટલા ગેરકાયદે ગેરેજ ધમધમી રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેમને માલસામાન સાથે ખસી જવા મ્યુનિ તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવતી હતી. પરંતુ સૂચનાની અવગણના કરાતી રહી હતી. આજે દબાણ તંત્ર દ્વાર આ ત્રણેય ગેરેજવાળાઓનો માલસામાન સુધ્ધા જપ્ત કરીને કાયદેસરની પાવતી હાથમાં પકડાવી દેવામાં આવી હતી.


