- ટેન્ડરના નિયમો-શરતોનો ભંગ છતાં કોઇ પગલાં લેવાતાં નથી
- સિક્યુરિટી એજન્સીઓ સામેની ફરિયાદોમાં ‘આંખ આડા કાન’ કરાતા હોવાનો આક્ષેપ
- એજન્સીઓને છાવરવામાં આવતી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે
AMCની મુખ્ય અને ઝોનલ કચેરીઓ, હોસ્પિટલો, ગાર્ડન, વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનો, ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વગેરેમાં બાઉન્સરો સહિત
સિક્યુરિટી એજન્સીઓને છેલ્લાં બે વર્ષમાં અંદાજે રૂ. 48 કરોડ ચૂકવવામાં આવ્યા છે. આ એજન્સીઓ પૂરતા સિક્યુરિટી ગાર્ડ, કર્મીઓ નહીં રાખવા સહિત ગેરરીતિઓ આચરતી હોવા અંગેની ફરિયાદોમાં ‘આંખ આડા કાન’ કરવામાં આવતા હોવાનો અને આવી એજન્સીઓને છાવરવામાં આવતી હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. આમ, સિક્યુરિટી એજન્સીઓને ફક્ત બે વર્ષમાં રૂ. 48 કરોડ ચૂકવીને લાભ ખટાવવામાં આવ્યો છે. AMC બજેટ બેઠક દરમિયાન વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષમા આ એજન્સીઓને રૂ. 47.94 કરોડ એટલે કે રૂ. 48 કરોડ જેટલી જંગી રકમ ચૂકવવામાં આવી છે. AMCમાં સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડતી 15 એજન્સી પૈકી બે એજન્સી ગત વર્ષ બાદ બંધ થઇ ગઇ છે અને 13 એજન્સી ચાલુ છે. આ એજન્સીઓ દ્વારા હજુ પણ ટેન્ડરના નિયમો-શરતોનો ભંગ કરાતો હોવા છતાં તેમની સામે કોઇ પગલા લેવાતા નથી.


