- ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન યુટ્યુબરની ગોળી મારીને હત્યા
- સુરક્ષા ગાર્ડે ગુસ્સામાં બંદૂક કાઢી અને યુટ્યુબરને સીધી છાતીમાં ગોળી મારી
- યુટ્યુબર T20 વર્લ્ડ કપની મેચની તૈયારીઓ પર વ્લોગ બનાવી રહ્યો હતો
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ કોઈ યુદ્ધથી ઓછી નથી. જ્યારે બે કટ્ટર હરીફ ટીમો સામસામે હોય છે ત્યારે દરેક બોલ, દરેક રન પર કરોડો લોકોના હૃદયના ધબકારા થંભી જાય છે. પરંતુ આ મેચે પાકિસ્તાનના કરાચી શહેરમાં એક યુટ્યુબરનો જીવ લીધો હતો. યુટ્યુબર લોકોને પશ્નો પુછતો અને વીડિયો ઉતારી રહ્યો હતો ત્યારે સુરક્ષા ગાર્ડે ગુસ્સામાં બંદૂક કાઢી અને તેને સીધી છાતીમાં ગોળી મારી હતી.
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, ટી-20 વર્લ્ડ કપમાં 9 જૂને ન્યૂયોર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. છેલ્લી ઘડી સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કર્યું અને જીત નોંધાવી હતી. આનાથી પાકિસ્તાની ચાહકો ખૂબ જ દુઃખી થયા હતા. પરંતુ પાકિસ્તાનના કરાચી શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.
યુટ્યુબર વિવિધ લોકોના લઈ રહ્યો હતો અભિપ્રાય
સાદ અહેમદ નામનો યુટ્યુબર T20 વર્લ્ડ કપની મોટી મેચની તૈયારીઓ પર એક વ્લોગ બનાવી રહ્યો હતો. મેચ બાદ સાદ કરાચીના મોબાઈલ માર્કેટમાં ગયો અને ત્યાંના ઘણા દુકાનદારોની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમના વિડિયો બાઇટ્સ લીધા હતા. થોડા સમય બાદ તે એક સિક્યોરિટી ગાર્ડની સામે આવ્યો. જોકે, ગાર્ડને આમાં કોઈ રસ નહોતો. તેણે ગોળી મારી દેવાની ધમકી પણ આપી હતી.
સિક્યુરિટી ગાર્ડે ગુસ્સામાં લીધો યુટ્યુબરનો જીવ
સાદને આ ખૂબ જ રસપ્રદ લાગ્યું અને સવાલો પૂછતાં તેણે માઈક્રોફોન સિક્યુરિટી ગાર્ડની સામે મૂક્યો હતો. આનાથી સિક્યોરિટી ગાર્ડ એટલો ગુસ્સે થયો કે તેણે તેની બંદૂક કાઢી અને તેને ગોળી મારી દીધી હતી. સાદને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પરંતુ તેને બચાવી શકાયો નહીં. સાદના એક મિત્રએ જણાવ્યું હતું કે તે ઘરમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. તેને બે બાળકો પણ છે. તો બીજી તરફ આ ઘટના બાદ કરાચીમાં અફરા-તફરી મચી ગઈ હતી.


