- ઋષિકેશ પટેલે મહિલાની મદદ કરી
- આરોગ્ય મંત્રીએ કાર રોકાવી અકસ્માત પીડિત મહિલાની મદદ કરી
- 108ને ફોન કરી એમ્બ્યુલન્સ મગાવી હોસ્પિટલે પહોંચાડી
આજે ગાંધીનગરના રાયસણ પાસે એક મહિલા સાથે અકસ્માત સર્જાયો હતો. જો કે રાહતની વાત એ હતી કે આ દરમિયાન આ જ રસ્તા પરથી રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો કાફલો પણ નીકળી રહ્યો હતો ત્યારે આ અકસ્માત જોતા મંત્રી ઋષિકેશ પટેલે પોતાની ગાડી રોકાવી હતી અને મહિલા માટે 108 બોલાવી તેને હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી.
ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સંવેદનાનો એક કિસ્સો આજે કેમેરામાં કંડારાઈ ગયો છે. સામાન્ય માનવીને તકલીફમાં જુએ અને તેની મદદે દોડે એ જ સાચા જનસેવક કહી શકાય. ત્યારે ગુજરાતના આરોગ્યમંત્રીએ પણ આજે પોતે જવાબદાર અને સારા નાગરિક તરીકેની ફરજ પૂર્ણ કરી હતી. આ ઘટનાની વિગત પ્રમાણે તેમની કાર જ્યારે ગાંધીનગરના રાયસણ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેમણે ત્યાં રોડ પર લોકોના ટોળા જોયા હતા. તપાસ કરતા આ ટોળા એક મહિલા સાથે અકસ્માત સર્જાયો હોવાથી ત્યાં જમા થયા હતા. લોકો મહિલાને મદદ કરવાનું વિચારી રહ્યા હતા જો કે એની પહેલા ત્વરિતપણે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે પોતાની કાર રોકાવી તુરત 108 એમ્બ્યુલન્સને બોલાવી મહિલાને હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી.
મહત્વનું છે કે આ પહેલા આરોગ્યમંત્રી એ પોતે આ ઘટનાની જાણકારી મળતાં જ ગાડીમાંથી ઉતરીને સ્થિતિની ચકાસણી કરી હતી અને તે ઉપરાંત મહિલાની સ્થિતિ વિશે પણ હાજર લોકો પાસેથી માહિતી મેળવી હતી. આ પછી 108 એમ્બ્યુલન્સને ફોન કરાવી તેમણે તાત્કાલિક મહિલાને સીપીઆર અપાવી હોસ્પિટલે પહોંચાડવાની વ્યવસ્થા કરી આપી હતી. જેના લીધે અકસ્માતનો ભોગ બનેલી મહિલાને તાત્કાલિક ધોરણે સારવાર મળી શકી હતી.
મહત્વનું છે કે હાલમાં જ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વધતા જતાં હાર્ટએટેકના કિસ્સાઓને લઈને એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે આગામી 4 નવેમ્બરના રોજ યુએન મહેતા હોસ્પિટલમાં હાર્ટ એક્સપર્ટની ટીમ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને છેલ્લા 5 વર્ષમાં હૃદયરોગની ગુજરાતમાં સ્થિતિ વિશે લોકોને માહિતી આપવામાં આવશે. આમ હૃદયરોગના વધતા જતા કેસોની સરકારે પણ ગંભીર નોંધ લીધી હોવાનું જણાઈ રહ્યું છે.


