જો રૂપાલા સાહેબ ઉમેદવાર કરશે તો હું ખાંડા ખખડાવીશ : ‘અગ્ર ગુજરાત’ સાથે વાત કરતા કોંગ્રેસ નેતા
જયારે સત્તાધારી પક્ષના નેતાઓથી માંડી કાર્યકરો એવુ માનવા મંડે કે પ્રજા તેમની રૈયત છે અને પ્રજાને ગમે તે રીતે લઇ શકાય ત્યારે લોકશાહીમાં લોકોના સ્વાભિમાનના રક્ષણ માટે મેદાને ઉતરવું પડે. રાજકોટ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જેમનું નામ હવે લગભગ નિશ્ચિત મનાય છે તે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ આજે ‘અગ્ર ગુજરાત’ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે જો રૂપાલા સાહેબને બદલાવવામાં નહી આવે અને તેઓ ચૂંટણીનું ઉમેદવારી પત્ર પાછુ નહીં ખેંચે તો હું ચોક્કસ મેદાનમાં ઉતરીશ. તેમણે કહ્યું કે મને કોઇ પદની લાલચ નથી. પરંતુ ભાજપનો અહંકાર ઓગાળવા માટે આ ધર્મ યુધ્ધ છે અને તેના માટે હું ખાંડા ખખડાવીશ.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે રાજકોટમાં ચૂંટણી લડવી એ મારા માટે ધર્મ છે. જો વડાપ્રધાનશ્રી રૂપાલાની ઉમેદવારી રદ કરવાનો નિર્ણય નહી લે તો હું રાજકોટ આવું છું અને મારી ઉમેદવારી કોંગ્રેસમાંથી નોંધાવીશ. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસના તમામ મિત્રોએ અમરેલી આવી મને જે આગ્રહ કર્યો છે તેના માટે હું ભાવ વિભોર થયો છું. લોકશાહીમાં મારી ફરજ છે કે લોકોના અવાજને વાચા આપવી. પરંતુ આ અંગે હાલના તબક્કે બધું જ ભાજપના નિર્ણય પર નિર્ભર છે.
જો પરસોતમ રૂપાલા ફોર્મ ભરશે ત્યાર બાદ એટલે કે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે એટલે કે તા.૧૯ એપ્રિલના રોજ પરેશ ધાનાણી પોતાની ઉમેદવારી પત્રક ભરશે અને તા.૨૨ એપ્રિલના રોજ ફોર્મ પરત ખેંચવાના દિવસે જો રૂપાલા ફોર્મ પરત ખેચશે તો પરેશ ધાનાણી પોતાનુ ઉમેદવારી પત્રક પાછું ખેચશે તેમ પરેશ ધાનાણીના નજીકના વર્તુળોએ જણાવ્યું હતું.
ધાનાણીએ ગઈકાલે પત્રકારોને જણાવ્યું હતું કે રૂપાલાની ટીકીટ રદ નહી થાય તો પોતે ચુંટણી લડશે. એ સુવિદીત છે કે ભાજપે રૂપાલાને લડાવવાની જાહેરાત કરી દીધેલ છે અને તે ભાજપનાં ઉમેદવાર તરીકે નિશ્ચિત છે.આમ જો ભાજપ તરફથી રૂપાલાને ચુંટણી લડાવામા આવશે તો રાજકોટ થી ચુંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ભાજપમાં પણ ધાનાણીની ઉમેદવારીની શકયતાથી પ્રતિક્રિયા શરૂ
ભારતીય જનતા પાર્ટી પણ રાજકોટ લોકસભાની બેઠક પર જો પરેશ ધાનાણી ઉમેદવારી કરે તો જંગ વધુ ટક્કર વાળી બને તેવુ માનતી થઇ છે. પરેશ ધાનાણીએ ગઇકાલે મીડિયા સમક્ષ રાજકોટ જરૂર પડયે આવવાની જે જાહેરાત કરી ત્યારબાદ શહેર ભાજપ તંત્ર આજથી જ કામે લાગી ગયું છે. પરશોત્તમ રૂપાલા પ્રવાસ પૂર્ણ કરી આજે સવારથી રાજકોટમાં પ્રચાર કાર્યમાં જોડાઇ ગયા છે. તમામ વોર્ડમાં પણ રોજીંદા પ્રચાર શેડયુલ આપી દેવાયા છે. એટલુ જ નહી આવતીકાલે ત્રણ વોર્ડમાં ખુદ રૂપાલાની બેઠકો અને લોકસંપર્કનું આયોજન થઇ ગયું છે. આમ રાજકોટ હવે રોમાંચક જંગનું કેન્દ્ર બની ગયું છે.


