- આઈટી અને બેન્ક શેરોમાં ફુલગુલાબી તેજી સાથે માર્કેટમાં ચોગરદમ લેવાલીનો માહોલ
- સેન્સેક્સમાં 759 પોઈન્ટનો અને નિફ્ટીમાં 202 પોઈન્ટનો ઉછાળો
- રોકાણકારોની સંપત્તિમાં 2.70 લાખ કરોડનો વધારો નોંધાયો
દેશનાં માર્કેટમાં સોમવારે મન્ડે મેજિક જોવા મળ્યો હતો. સેન્સેક્સ પહેલીવાર 73,000 ની સપાટી તોડીને ઓલટાઈમ હાઈ રહ્યો હતો. નિફ્ટીએ પણ 22,000ની સપાટી કુદાવીને નવી ટોચ બનાવી હતી. શેરબજારોનાં બંને ઈન્ડેક્સ નવી ઓલટાઈમ હાઈ સપાટી સાથે બંધ રહ્યા હતા. સેન્સેક્સે સોમવારે 73,402 પોઈન્ટ અને નિફ્ટીએ 22,215 પોઈન્ટને સ્પર્શ કર્યા પછી સેન્સેક્સ 759 પોઈન્ટનાં ઉછાળે 73,327 બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 202 પોઈન્ટ વધીને 22,097નાં સ્તરે બંધ આવ્યો હતો. આઈટી અને બેન્ક શેરોમાં ફુલગુલાબી તેજી સાથે માર્કેટમાં ચોગરદમ લેવાલીનો માહોલ જોવા મળ્યો હતો. આને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.70 લાખ કરોડનો વધારો થયો હતો.
ડૉલર સામે રૂપિયામાં 6 પૈસાનો વધારો
સોમવારે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો મજબૂત રહ્યો હતો અને 6 પૈસા વધીને 82.89ની સપાટીએ બંધ આવ્યો હતો. દેશનાં શેરબજારોમાં તેજીને કારણે રૂપિયામાં સેન્ટિમેન્ટ સુધર્યું હતું. સતત 9મા દિવસે ડૉલર સામે તે મજબૂત થઈને વધ્યો હતો. ઈન્ટ્રા ડે રૂપિયો 82.28નાં મથાળે ખૂલ્યો હતો અને ઈન્ટ્રા ડે 82.77થી 82.91 વચ્ચે ટ્રેડ થયો હતો. આખરે 6 પૈસા વધીને 82.89 એ બંધ આવ્યો હતો.
માર્કેટ કેપ રૂ. 376.14 લાખ કરોડને પાર
માર્કેટમાં તેજી સાથે બીએસઈમાં લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ વધીને 376.14 લાખ કરોડ થયું હતું. સોમવારે ચારેતરફ લેવાલીને કારણે રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.70 લાખ કરોડનો વધારો થયો હતો. દેશની ટોચની 4 આઈટી કંપનીઓ ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો અને HCLના માર્કેટ કેપમાં છેલ્લા 2 દિવસમાં 22 અબજ ડૉલરનો વધારો થયો હતો.
કયા શેરામાં તેજી?
વિપ્રોનાં શેરમાં 6 ટકાનો ઉછાળો આવ્યો હતો જ્યારે ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એનટીપીસી, મારુતિ સુઝુકી, એસબીઆઈ, ટીસીએસ, એચડીએફસી બેન્ક તેમજ એચસીએલ ટેકનોમાં લેવાલી રહી હતી. જિયો ફાઈનાન્શિયલનાં શેર પરિણામો જાહેર થયા પહેલા પાંચ ટકા ઊછળ્યા હતા.
કયા શેરમાં ઘટાડો?
બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, લાર્સન એન્ડ ટુબ્રો, તાતા મોટર્સ, તાતા સ્ટીલ અને એક્સિસ બેન્કનાં શેરોમાં નરમાઈ રહી હતી અને તેનાં ભાવ ઘટયા હતા.
એશિયાનાં બજારોનું વલણ
એશિયાનાં બજારોમાં કોરિયા, જાપાન અને ચીનનાં શેરબજારોમાં તેજી જોવા મળી હતી જ્યારે હોંગકોંગ માર્કેટમાં નરમાઈ હતી. યુરોપનાં બજારોમાં ટ્રેડિંગ નીચું રહ્યું હતું. વિદેશી ક્રૂડ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડનાં ભાવમાં 0.29 ટકાનો ઘટાડો થયો હતો અને તે બેરલદીઠ 78.06 ડૉલર રહ્યા હતા. શુક્રવારે વિદેશી રોકાણકારોએ રૂ. 345.05 કરોડનાં શેરો વેચ્યા હતા.


