મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં ન ફેલાય અને ઈઝરાયેલ વળતાં પ્રહારમાં અસાધારણ માનવસંહારને ટાળે એ માટે અમેરિકા, જર્મની સહિતના દેશોના પ્રયાસો વચ્ચે યુદ્વ વિરામના સંકેત છતાં વૈશ્વિક બજારોમાં આજે ફુગાવો વધવાની દહેશત વચ્ચે ધોવાણ વધ્યા સાથે ભારતીય શેર બજારોમાં ઈન્ડેક્સ બેઝડ સાવચેતીમાં સાધારણ નરમાઈ જોવાઈ હતી. ફંડોએ ચાઈનાના સ્ટીમ્યુલસ પગલાં સાથે શોર્ટ સેલિંગ પર અંકુશો લાદતાં રિકવરીની અપેક્ષાએ આજે ફંડોએ મેટલ-માઈનીંગ શેરોની આગેવાનીમાં તેજી કરી હતી. તહેવારોની સીઝને વાહનોનું વેચાણ વધવાની અપેક્ષાએ પણ ઓટો શેરોમાં આકર્ષણ રહેતાં અને કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં લેવાલી રહી હતી. અલબત એફએમસીજી, હેલ્થકેર, બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ અફડાતફડીના અંતે ૧૧૫.૮૧ પોઈન્ટ ઘટીને ૬૬૧૬૬.૯૩ અને નિફટી સ્પોટ ૧૯.૩૦ પોઈન્ટ ઘટીને ૧૯૭૩૧.૭૫ બંધ રહ્યા હતા.
ઈન્ડસઈન્ડ, એયુ સ્મોલ , કોટક બેંકમાં નરમાઈ
એચડીએફસી બેંકના ત્રિમાસિક ચોખ્ખા નફામાં આજે અપેક્ષાથી સારી ૫૦ ટકા વૃદ્વિના પરિણામ જાહેર થતાં પૂર્વે શેરમાં સાવચેતીમાં નરમાઈએ રૂ.૭.૨૫ ઘટીને રૂ.૧૫૨૯.૫૦ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૬.૭૫ ઘટીને રૂ.૧૪૪૬.૮૦, એયુ સ્મોલ બેંક રૂ.૬.૦૫ ઘટીને રૂ.૭૧૦.૩૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૩.૭૦ ઘટીને રૂ.૧૭૫૦.૨૦ રહ્યા હતા. જ્યારે કેનેરા બેંક રૂ.૪.૭૫ વધીને રૂ.૩૭૧.૨૦, એક્સિસ બેંક રૂ.૧૧.૨૫ વધીને રૂ.૧૦૦૫.૨૦, બેંક ઓફ બરોડા રૂ.૨.૨૫ વધીને રૂ.૨૦૫.૭૫ રહ્યા હતા.
હેલ્થકેર શેરોમાં પ્રોફિટ બુકિંગ
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પ્રોફિટ બુકિંગે બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૩૪.૨૪ પોઈન્ટ ઘટીને ૨૮૧૬૬.૧૬ બંધ રહ્યો હતો. બજાજ હેલ્થ રૂ.૨૮.૮૫ ઘટીને રૂ.૪૬૮.૯૦, એનજીએલ ફાઈન કેમ રૂ.૭૪.૩૫ ઘટીને રૂ.૧૯૧૧.૬૦, ગ્લેન્ડ રૂ.૪૬.૩૦ ઘટીને રૂ.૧૫૭૪.૮૫, જેબી કેમિકલ્સ રૂ.૩૬.૩૦ ઘટીને રૂ.૧૪૧૭, લિન્કન ફાર્મા રૂ.૧૦.૧૫ ઘટીને રૂ.૪૮૯.૪૫ રહ્યા હતા. જ્યારે આરપીજી લાઈફ રૂ.૭૭.૬૫ ઉછળીને રૂ.૧૩૮૧, સિક્વિન્ટ સાઈન્ટિફિક રૂ.૬.૬૨ વધીને રૂ.૧૦૯.૮૮, ગ્લેનમાર્ક લાઈફ રૂ.૧૭.૪૦ વધીને રૂ.૬૬૭.૯૦, કોપરાન રૂ.૪.૭૦ વધીને રૂ.૨૨૪, મેનકાઈન્ડ ફાર્મા રૂ.૨૫.૯૦ વધીને રૂ.૧૮૧૫.૪૫ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં નફારૂપી વેચવાલી
એફએમસીજી શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી વેચવાલી રહી હતી. ટેસ્ટી બાઈટ રૂ.૪૬૭.૭૫ ઘટીને રૂ.૧૬,૯૧૨.૦૫, પતંજલિ ફૂડ્સ રૂ.૩૩.૯૦ ઘટીને રૂ.૧૩૧૮.૩૦, સીસીએલ પ્રોડક્ટસ રૂ.૧૬.૫૦ ઘટીને રૂ.૬૪૨.૩૦, કેઆરબીએલ રૂ.૯.૩૫ ઘટીને રૂ.૩૮૦.૮૦, નેસ્લે ઈન્ડિયા રૂ.૪૫૬.૦૫ ઘટીને રૂ.૨૩,૦૮૬.૬૫, ગોડફ્રે ફિલિપ રૂ.૩૦.૩૫ ઘટીને રૂ.૨૧૮૪.૪૦ રહ્યા હતા.
સ્મોલ કેપ શેરોમાં ફંડો, ઈન્વેસ્ટરોની ખરીદી
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું ખરીદીનું આકર્ષણ જળવાઈ રહેતાં આજે માર્કેટબ્રેડથ સતત પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૫૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૯૯૭ અને ઘટનારની સંખ્યા ૧૭૯૩ રહી હતી.
નિક્કી ૬૫૬ પોઈન્ટ તૂટયો, યુરોપમાં સાધારણ રિકવરી
વૈશ્વિક બજારોમાં આજે એશીયા-પેસેફિક દેશોના બજારોમાં ધોવાણ વધતું જોવાયું હતું. જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૬૫૬.૯૬ પોઈન્ટ તૂટીને ૩૧,૬૫૯.૦૩, હોંગકોંગનો હેંગસેંગ ૧૭૩.૦૯ પોઈન્ટ ઘટીને ૧૭,૬૪૦.૩૬, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૩૬.૮૧ પોઈન્ટ ઘટીને ૩૬૨૬.૬૦ રહ્યા હતા. યુરોપના દેશોના બજારોમાં સાંજે સાધારણ રિકવરી રહી હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૩૨૨.૨૫ લાખ કરોડ
સ્મોલ કેપ, એ ગુ્રપના સંખ્યાબંધ શેરોમાં જળવાયેલા આકર્ષણે શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં રૂ.૨૫ હજાર કરોડ વધીને રૂ.૩૨૨.૨૫ લાખ કરોડ પહોંચ્યું છે.