મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં ફેલાવાનો ખતરો હકીકતમાં પરિણમી રહ્યો હોઈ હવે સિરીયામાં ફેલાવાની યુએનની ચેતવણી છતાં વૈશ્વિક બજારોમાં કોર્પોરેટ પરિણામો અને યુ.એસ. બોન્ડ યીલ્ડ ઘટવા સહિતના પરિબળોએ અમેરિકા પાછળ વૈશ્વિક બજારોમાં તેજી રહી હતી. જ્યારે આથી વિપરીત ભારત માટે જેફ્રીએ વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપના પરાજયના સંજોગોમાં શેરોમાં ૨૫ ટકા ઘટાડો આવી શકે એવી આગાહી કરતાં ભારતીય શેર બજારોમાં સાવચેતીમાં ઉછાળે આંચકા આવ્યા હતા. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો તેમ જ રિલાયન્સ, બેંકિંગ, ફાર્મા, ઓટો ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગ થતાં સેન્સેક્સ ૨૩૭.૭૨ પોઈન્ટ ઘટીને ૬૩૮૭૪.૯૩ અને નિફટી સ્પોટ ૬૧.૩૦ પોઈન્ટ ઘટીને ૧૯૦૭૯.૬૦ બંધ રહ્યા હતા. અલબત કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ટાઈટન કંપની પાછળ ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધુ ઘટી આવીને સાંજે બ્રેન્ટ ૮૮.૪૦ ડોલર નજીક અને ન્યુયોર્ક ક્રુડ ૮૩.૧૨ ડોલર નજીક રહ્યા હતા.
બેંકિંગ શેરોમાં પ્રોફિટ બુકિંગ : આઈસીઆઈસીઆઈ બેંક, બીઓબી, ઈન્ડસઈન્ડ બેંક ઘટયા : કોટક બેંક વધ્યો
બેંકિંગ ફ્રન્ટલાઈન શેરોમાં આજે પસંદગીની લેવાલી સામે ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. બેંક ઓફ બરોડા રૂ.૨.૧૦ ઘટીને રૂ.૧૯૬.૧૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૯.૩૦ ઘટીને રૂ.૯૧૫.૪૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૩.૯૫ ઘટીને રૂ.૧૪૪૧, એક્સિસ બેંક રૂ.૬.૭૫ ઘટીને રૂ.૯૮૧.૯૦, એચડીએફસી બેંક રૂ.૮.૨૦ ઘટીને રૂ.૧૪૭૬.૭૦ રહ્યા હતા. જ્યારે કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૦.૧૫ વધીને રૂ.૧૭૩૭.૫૫, કેનેરા બેંક રૂ.૧.૭૦ વધીને રૂ.૩૮૪.૨૫ રહ્યા હતા.બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૫૬.૬૬ પોઈન્ટ ઘટીને ૪૮૪૪૮.૦૭ બંધ રહ્યો હતો.
રિલાયન્સમાં પ્રોફિટ બુકિંગે રૂ.૨૧ ઘટીને રૂ.૨૨૯૦ : ઓએનજીસી ઘટયો : આઈઓસી, બીપીસીએલ મજબૂત
ઓઈલ-ગેસ શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી સામે ફ્રન્ટલાઈન શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૧.૩૫ ઘટીને રૂ.૨૨૯૦, ઓએનજીસી રૂ.૨.૭૦ ઘટીને રૂ.૧૮૬.૧૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧.૯૦ ઘટીને રૂ.૧૯૯.૮૦, ગુજરાત ગેસ રૂ.૩.૪૫ ઘટીને રૂ.૪૦૭.૩૫ રહ્યા હતા. જ્યારે આઈઓસી રૂ.૧.૫૪ વધીને રૂ.૮૯.૮૦, બીપીસીએલ રૂ.૨.૫૫ વધીને રૂ.૩૪૯.૩૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં ફરી સાવચેતીમાં વેચવાલી : મહિન્દ્રા, આઈશર મોટર્સ, ટીવીએસ, હીરો, એમઆરએફ ઘટયા
તહેવારોની સીઝનમાં વાહનોની ખરીદીમાં વૃદ્વિના અંદાજો સામે વૈશ્વિક પરિબળો નેગેટીવ બનતાં વેચાણને અસરની ધારણાએ ફંડોએ સાવચેતીમાં ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ કર્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૮.૮૫ ઘટીને રૂ.૧૪૫૮.૭૦, આઈશર મોટર્સ રૂ.૬૧.૭૦ ઘટીને રૂ.૩૨૯૫.૯૫, ટીવીએસ મોટર રૂ.૧૨.૯૦ ઘટીને રૂ.૧૫૯૬.૮૦, હીરો મોટોકોર્પ રૂ.૨૧.૩૦ ઘટીને રૂ.૩૦૮૮.૬૦, એમઆરએફ રૂ.૫૩૧.૮૫ ઘટીને રૂ.૧,૦૮,૫૦૦ રહ્યા હતા.
ટાઈટન રૂ.૭૭ વધીને રૂ.૩૧૯૪ : વ્હર્લપુલ, બ્લુ સ્ટાર, રાજેશ એક્ષપોર્ટ વધ્યા : હવેલ્સ, વીઆઈપીમાં વેચવાલી
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફ્રન્ટલાઈન શેરોમાં ફંડોની ખરીદી થતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૪૩.૬૭ પોઈન્ટ વધીને ૪૪૩૦૭.૯૯ બંધ રહ્યો હતો. ટાઈટન કંપની રૂ.૭૭ વધીને રૂ.૩૧૯૩.૯૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૩૫.૫૫ વધીને રૂ.૧૬૫૦.૭૦, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૭.૯૫ વધીને રૂ.૪૪૮.૨૦, બ્લુ સ્ટાર રૂ.૧૪.૦૫ વધીને રૂ.૮૮૭.૬૫ રહ્યા હતા.જ્યારે હવેલ્સ ઈન્ડિયા રૂ.૨૨.૭૫ ઘટીને રૂ.૧૨૪૬.૦૫, વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪.૫૦ ઘટીને રૂ.૬૦૯.૧૦ રહ્યા હતા.
આઈટી શેરોમાં રામકો સિસ્ટમ રૂ.૧૯ ઘટીને રૂ.૨૫૭ : ઈનફોબિન્સ, લેટેન્ટ, બ્લેક બોક્સ, ન્યુક્લિયસ ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોની આજે નફારૂપી વેચવાલી થઈ હતી. રામકો સિસ્ટમ રૂ.૧૮.૬૦ ઘટીને રૂ.૨૫૭.૧૦, ઈન્ફોબિન્સ ટેક રૂ.૧૮.૫૫ ઘટીને રૂ.૪૧૯.૯૦, લેટેન્ટ વ્યુ રૂ.૧૬.૪૫ ઘટીને રૂ.૩૯૮.૧૫, બ્લેક બોક્સ રૂ.૯.૪૫ ઘટીને રૂ.૨૪૨.૬૫, ન્યુક્લિયસ સોફ્ટવેર રૂ.૫૧.૭૫ ઘટીને રૂ.૧૫૩૮.૫૫, માસ્ટેક રૂ.૪૬.૩૦ ઘટીને રૂ.૨૨૧૧.૯૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીનું આકર્ષણ : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૧૮૩૬ શેરો પોઝિટીવ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ વધતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૬૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૩૬ અને ઘટનારની સંખ્યા ૧૭૯૮ રહી હતી.
FPI/FIIની રૂ.૬૯૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની શેરોમાં રૂ.૩૪૦ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં વધુ રૂ.૬૯૬.૦૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૯૪૦.૨૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૬૩૬.૨૨ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૩૪૦.૨૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૬૪૭૯.૪૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૧૩૯.૨૪ કરોડની વેચવાલી થઈ હતી.