મુંબઈ : ચાઈનાના જીડીપી વૃદ્વિના આંક મજબૂત આવ્યા છતાં હજુ હાઉસીંગ-પ્રોપર્ટી ક્રાઈસીસના પરિણામે અને ઈઝરાયેલ-હમાસ યુદ્વમાં હવે ઈરાનની સીધી દરમિયાનગિરીના પરિણામે યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં ફેલાવાની પૂરી શકયતાએ વૈશ્વિક બજારોમાં ગાબડાં પડયા હતા. અલબત વૈશ્વિક મંદીના ભય અને અમેરિકાએ વેનેઝુએલા પરના અંકુશો-પ્રતિબંધો હળવા કરવાનું જાહેર કરતાં સપ્લાય વધવાના અંદાજોએ ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધ્યામથાળેથી ફરી ઝડપી ઘટી આવતાં ભારત સહિતના મોટા આયાતકાર દેશો માટે રાહતે આજે શેરોમાં આરંભિક મોટા આંચકા બાદ બજાર ઘટાડો પચાવતું જોવાયું હતું. મેટલ-માઈનીંગ, બેંકિંગ-ફાઈનાન્સ, હેલ્થકેર શેરોમાં મોટી વેચવાલીએ સેન્સેક્સ આરંભમાં ૫૩૩.૫૨ પોઈન્ટ તૂટીને નીચામાં ૬૫૩૪૩.૫૦ સુધી ખાબકી ગયા બાદ ઘટયામથાળેથી બજાજ ઓટોના સારા પરિણામે ઓટો, કન્ઝયુમર શેરોમાં લેવાલીએ ઘટાડો પચાવતો જઈ ઉપરમાં ૬૫૮૬૯.૬૫ સુધી જઈ અંતે ૨૪૭.૭૮ પોઈન્ટ ઘટીને ૬૫૬૨૯.૨૪ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૫૮.૭૫ પોઈન્ટ ઘટીને નીચામાં ૧૯૫૧૨.૩૫ સુધી આવી ઘટયામથાળેથી રિકવર થતો જઈ ઉપરમાં ૧૯૬૮૧.૮૦ સુધી પહોંચી અંતે ૪૬.૪૦ પોઈન્ટ ઘટીને ૧૯૬૨૪.૭૦ બંધ રહ્યો હતો.
ચાઈનાની જીડીપી વૃદ્વિના મજબૂત આંકડા છતાં મેટલ શેરોમાં એપીએલ અપોલો, વેદાન્તા, જિન્દાલ ઘટયા
ચાઈનાના જીડીપી વૃદ્વિના આંકડા મજબૂત આવ્યા છતાં હાઉસીંગ-પ્રોપર્ટી ક્રાઈસીસના પરિણામે ફંડોની મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી રહી હતી. એપીએલ અપોલો રૂ.૬૫.૩૫ ઘટીને રૂ.૧૬૯૯.૨૫, વેદાન્તા રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૨૭.૧૫, જિન્દાલ સ્ટીલ રૂ.૯.૦૫ ઘટીને રૂ.૬૭૪.૧૦, હિન્દાલ્કો રૂ.૫.૨૦ ઘટીને રૂ.૪૭૯.૪૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૮.૨૫ ઘટીને રૂ.૭૭૬.૧૦, ટાટા સ્ટીલ રૂ.૧.૨૦ ઘટીને રૂ.૧૨૫.૯૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૨૪.૨૪ પોઈન્ટ ઘટીને ૨૩૩૨૧.૪૯ બંધ રહ્યો હતો.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૪ હજાર કરોડ ઘટીને રૂ.૩૨૦.૯૬ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વેચવાલી ચાલુ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪૪ હજાર કરોડ ધોવાઈ જઈને રૂ.૩૨૦.૯૬ લાખ કરોડ રહી ગયું હતું.
બેંકિંગ, ફાઈનાન્સ શેરોમાં વધતી વેચવાલી : કોટક બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક ઘટયા
બેંકિંગ-ફાઈનાન્સ કંપનીઓના માર્જિન દબાણ હેઠળ રહેવાના એનાલિસ્ટોના અંદાજો સાથે એનપીએ વધવાની શકયતાએ ફંડોની બેંકિંગ શેરોમાં વેચવાલી વધતી જોવાઈ હતી. આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૮.૪૫ ઘટીને રૂ.૯૩૫.૦૫, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૫.૬૫ ઘટીને રૂ.૧૭૩૮.૨૫, એચડીએફસી બેંક રૂ.૪.૭૫ ઘટીને રૂ.૧૫૧૪.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૪૦ ઘટીને રૂ.૫૭૧.૨૫, એક્સિસ બેંક રૂ.૨ ઘટીને રૂ.૯૯૦.૯૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૫૩.૩૭ પોઈન્ટ ઘટીને ૪૯૨૧૦.૨૨ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં વેચવાલી : જેબી કેમિકલ્સ, એફડીસી, આરતી ફાર્મા, એસ્ટ્રાઝેનેકા, ઈપ્કા લેબ્સ ઘટયા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોની નફારૂપી વેચવાલી રહી હતી. જેબી કેમિકલ્સ રૂ.૫૨.૨૫ ઘટીને રૂ.૧૩૩૯.૦૫, એફડીસી રૂ.૯.૪૦ ઘટીને રૂ.૩૭૪.૧૫, આરતી ફાર્મા રૂ.૧૦ ઘટીને રૂ.૪૦૦, એસ્ટ્રાઝેનેકા રૂ.૧૦૩.૧૦ ઘટીને રૂ.૪૬૫૦.૬૫, નારાયણ હ્યુદાલ્યા રૂ.૨૨.૯૦ ઘટીને રૂ.૧૦૫૮.૫૦, અમી ઓર્ગેનિક્સ રૂ.૨૩.૨૫ ઘટીને રૂ.૧૧૯૪.૦૫, ઈપ્કા લેબ્સ રૂ.૧૭.૮૫ ઘટીને રૂ.૯૪૬.૬૫, ઓરોબિન્દો ફાર્મા રૂ.૧૬.૬૫ ઘટીને રૂ.૮૮૨.૬૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વધતાં પ્રોફિટ બુકિંગે માર્કેટબ્રેડથ નેગેટીવ : ૧૮૯૬ શેરો નેગેટીવ બંધ
ચાઈનાના જીડીપી વૃદ્વિના સારા આંકડા છતાં સેન્સેક્સ, નિફટી બેઝડ નરમાઈની સાથે ઈઝરાયેલ-હમાસ યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં ફેલાવાના ભયે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સતત વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૩૨ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૮૦૬ અને ઘટનારની સંખ્યા ૧૮૯૬ રહી હતી.
FPI/FIIની રૂ.૧૦૯૩ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની શેરોમાં રૂ.૭૩૬ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૧૦૯૩.૪૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૦,૧૦૨.૧૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૧૯૫.૫૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૭૩૬.૧૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૨૪૯.૭૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૫૧૩.૬૦ કરોડની વેચવાલી થઈ હતી.
વૈશ્વિક બજારોમાં ગાબડાં : નિક્કી ૬૧૨ પોઈન્ટ, હેંગસેંગ ૪૩૬ પોઈન્ટ, સીએસઆઈ ૭૭ પોઈન્ટ તૂટયા
જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે અમેરિકામાં ટ્રેઝરી યીલ્ડ વધતાં ફરી અમેરિકી શેર બજારોમાં ધોવાણે ગઈકાલે ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૩૩૨ પોઈન્ટ અને નાસ્દાક ઈન્ડેક્સ ૨૧૯ પોઈન્ટ તૂટતાં અન્ય બજારોમાં પણ ધોવાણ થતું જોવાયું હતું. એશીયા-પેસેફિક દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૬૧૧.૬૩ પોઈન્ટ તૂટીને ૩૧૪૩૦.૬૨, હોંગકોંગનો હેંગસેંગ ૪૩૬.૬૩ પોઈન્ટ તૂટીને ૧૭,૨૯૫.૮૯, ચાઈનાનો સીએસઆઈ ૩૦૦ ઈન્ડેક્સ ૭૭.૦૪ પોઈન્ટ તૂટીને ૩૫૩૩.૫૪ રહ્યા હતા. યુરોપના બજારોમાં પણ સાંજે નરમાઈ રહી હતી.