મુંબઈ : આઈટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ-ટીસીએસના અપેક્ષાથી સારા પરિણામ અને શેરોનું શેર દીઠ રૂ.૪૧૫૦ ભાવે બાયબેક કરવાના નિર્ણય છતાં કંપનીના સંપૂર્ણ વર્ષ માટેના આવક અંદાજો અને ઈન્ફોસીસના અપેક્ષાથી નબળા પરિણામ અને આવક અંદાજો ઘટાડીને રજૂ કરાતાં આજે આઈટી શેરો ટીસીએસ, ઈન્ફોસીસ પાછળ બજારમાં બે દિવસની તેજીને બ્રેક લાગી હતી. ઈઝરાયલ તથા હમસ વચ્ચેનું યુદ્ધ આક્રમક તબક્કામાં પહોંચી ગયું છે અને તે કયારે સમાપ્ત થશે તેના કોઈ સંકેત હાલમાં મળતા નથી. યુદ્ધ લાંબુ ચાલશે તો ક્રુડ તેલના ભાવ વધી પ્રતિ બેરલ ૧૦૦ ડોલર પહોંચવાના વરતારો આવી પડયો છે ત્યારે આવી સ્થિતિમાં ભારતીય કંપનીઓ પર દબાણ આવવાની શકયતા નકારાતી નથી. બે દિવસનો સુધારો અટકી મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ, નિફટી ઘટાડે બંધ રહ્યા હતા. ટીસીએસના પરિણામ સાથે વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામની મોસમનો પ્રારંભ થયો છે. અમેરિકન ફેડરલ રિઝર્વની અંતિમ બેઠકની મિનિટસમાં નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં વધારો નહીં થવાના સંકેતે વ્યાજ દર સાથે સંવેદનશીલ એવા ક્ષેત્રના શેરોને ટેકો મળ્યો હતો. સેન્સેકસ ઉપરમાં ૬૬૫૭૭.૬૦ અને નીચામાં ૬૬૩૩૯.૪૨ થઈ છેવટે ૬૪.૬૬ જેટલું સાધારણ ઘટી ૬૬૪૦૮.૩૯ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ૧૭.૩૫ ઘટીને ૧૯૭૯૪ બંધ રહ્યો હતો. સ્મોલ, મિડ કેપ શેરોમાં એકંદર ખરીદીનું આકર્ષણ જળવાઈ રહેતાં બીએસઈ માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી. ૨૧૧૭ શેર વધ્યા હતા જ્યારે ૧૫૫૫ના ભાવ ઘટયા હતા.
નિફટી આઈટી ઈન્ડેકસમાં ૫૪૪ પોઈન્ટનું ગાબડું: ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ ગબડયા
વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક માટેના પરિણામ જાહેર કરતી વખતે ટીસીએસે મંદ આર્થિક વાતાવરણ વચ્ચે આઈટી ક્ષેત્ર સામે પડકારો ચાલુ રહ્યા હોવાનું જણાવતા આઈટી શેરોમાં રોકાણકારોનું માનસ ખરડાયું હતું. પરિણામ બાદ ટીસીએસ રૂપિયા ૬૭.૩૫ ઘટી રૂપિયા ૩૫૪૨.૫૫ રહ્યો હતો. ત્રિમાસિક પરિણામ પૂર્વે ઈન્ફોસિસ રૂપિયા ૨૮.૯૦ ઘટી રૂપિયા ૧૪૬૫.૫૦ તથા એચસીએલ રૂપિયા ૨૧.૮૫ ઘટી રૂપિયા ૧૨૨૩.૭૫ બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા રૂપિયા ૩૨.૮૫ ઘટી રૂપિયા ૧૧૯૮.૭૫ વિપ્રો રૂપિયા ૪.૦૫ ઘટી રૂપિયા ૪૧૭.૧૦ બંધ રહ્યો હતો.
વેચાણ આંકડાઓને પરિણામે ઓટો શેરોમાં આકર્ષણ: ટીવીએસ મોટર, મહિન્દ્રા, ટાટા મોટર્સમાં સુધારો
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં વાહનોના રિટેલ વેચાણમાં વાર્ષિક ધોરણે નવ ટકાની વૃદ્ધિ થઈ છે અને આગામી દશેરા – દિવાળીના તહેવારો દરમિયાન પણ વેચાણ ઊંચુ રહેવાની અપેક્ષાએ ઓટો શેરોમાં આકર્ષણ રહ્યું હતું. ટીવીએસ મોટર રૂપિયા ૪૭.૬૦ વધી રૂપિયા ૧૫૯૭.૮૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂપિયા ૧૦.૩૫ વધી રૂપિયા ૧૫૬૬.૬૫, ટાટા મોટર્સ રૂપિયા ૨.૯૫ વધી રૂપિયા ૬૩૬.૯૫ બંધ રહ્યો હતો. ભારત ફોર્જ રૂપિયા ૩.૩૦ વધી રૂપિયા ૧૧૧૭.૬૫ રહ્યો હતો. હીરો મોટોકોર્પ રૂપિયા ૧૨.૬૦ ઘટી રૂપિયા ૩૦૮૮.૨૫ તથા અશોક લેલેન્ડ રૂપિયા ૧.૮૫ ઘટી રૂપિયા ૧૭૪.૫૦ બંધ રહ્યો હતો.
બેકિંગ શેરોમાં મિશ્ર ટ્રેન્ડ : ફેડરલ, બંધન, એચડીએફસી બેન્ક, ઈન્ડસઈન્ડ ઊંચકાયા : સ્ટેટ બેંક, કોટક ઘટયા
અમેરિકન ફેડરલ રિઝર્વ બેન્કની અંતિમ બેઠકની મિનિટસમાં લાંબો સમય સુધી વ્યાજ દર નહીં વધવાના સંકેતે પસંદગીના બેન્ક શેરોને ટેકો મળ્યો હતો. ફેડરલના સંકેત બાદ ઘરઆંગણે પણ વ્યાજ દરમાં વધારો જોવા નહીં મળે તેવી ગણતરી મુકાતી હતી. આવતા સપ્તાહે ૧૬ ઓકટોબરની બોર્ડ મીટિંગ પહેલા ફેડરલ બેન્ક રૂપિયા ૨.૩૦ વધી રૂપિયા ૧૪૯.૩૦ બંધ રહ્યો હતો. બંધન બેન્ક રૂપિયા ૨.૨૫ વધી રૂપિયા ૨૫૧, એચડીએફસી બેન્ક રૂપિયા ૧૦.૨૫ વધી રૂપિયા ૧૫૪૯.૮૫, ઈન્ડસઈન્ડ બેન્ક રૂપિયા ૩.૦૫ વધી રૂપિયા ૧૪૨૪.૨૫ બંધ રહ્યો હતો. ત્રિમાસિક ગાળાના પરિણામો પર ચર્ચા કરવા એચડીએફસી બેન્કની બોર્ડ મીટિંગ ૧૫ ઓકટોબરે મળી રહી છે. એસબીઆઈ રૂપિયા ૨.૩૦ ઘટી રૂપિયા ૫૮૬.૦૫, કોટક મહિન્દ્રા રૂપિયા ૭.૫૫ ઘટી રૂપિયા ૧૭૬૩.૮૫ બંધ રહ્યો હતો. આઈડીએફસી ફર્સ્ટ બેન્ક રૂપિયા ૦.૭૫ ઘટી રૂપિયા ૯૦.૮૦ બંધ રહ્યો હતો.
FPI/FIIની રૂ.૧૮૬૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની શેરોમાં રૂ.૧૫૩૨ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં રૂ.૧૮૬૨.૫૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૮૬૦૧.૪૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૪૬૩.૯૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૫૩૨.૦૮ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૭૦૬.૩૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૧૭૪.૩૧ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૪૬ હજાર કરોડ વધીને રૂ.૩૨૨.૦૭ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ નરમાઈ છતાં સાઈડ માર્કેટમાં ઘણાં શેરોમાં ખરીદીનું આકર્ષણ જળવાઈ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૪૬ હજાર કરોડ વધીને રૂ.૩૨૨.૦૭ લાખ કરોડ પહોંચી ગયું હતું.
એશીયા, યુરોપના બજારોમાં તેજી : નિક્કી ૫૫૮ પોઈન્ટ, હેંગસેંગ ૩૪૫ પોઈન્ટ ઉછળ્યા
વૈશ્વિક શેર બજારોમાં આજે એશીયા-પેસેફિક, યુરોપના દેશોના બજારોમાં તેજી રહી હતી. અમેરિકા દ્વારા હવે વ્યાજ દર નહીં વધવાના સંકેત અને ચાઈનાની રિકવરીની અપેક્ષાએ તેજી રહી હતી. જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૫૫૮.૧૫ પોઈન્ટ વધીને ૩૨૪૯૪.૬૬, હોંગકોંગનો હેંગસેંગ ૩૪૫.૧૧ પોઈન્ટ વધીને ૧૮,૨૩૮.૨૧ રહ્યા હતા. જ્યારે યુરોપના દેશોના બજારોમાં લંડનનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૬૦ પોઈન્ટનો સુધારો, જર્મનીનો ડેક્ષ ૬૦ પોઈન્ટનો ઉછાળો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૨૧ પોઈન્ટનો સુધારો બતાવતા હતા.