– વિદેશી રોકાણકારોની રૂ. 7700 કરોડની વેચવાલી
– રોકાણકારોની સંપત્તિમાંથી રૂ. 3.18 લાખ કરોડનું જંગી ધોવાણ : નિફ્ટી ૨૬૫ પોઈન્ટ તૂટી 18,857 થયો
– છેલ્લા છ દિવસમાં સેન્સેક્સ 3280 પોઇન્ટ તૂટયો સ્મોલ-મિડકેપ ઇન્ડેક્સમાં 7 ટકા સુધીના ગાબડાં
– સેન્સેક્સમાં શરૂઆતની 15 મિનિટમાં જ 600 પોઈન્ટના કડાકાથી રૂ.3 લાખ કરોડ સ્વાહા થઈ ગયા
અમદાવાદ : મિડલ ઇસ્ટમાં વધતા ટેન્શન સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ ચાલુ સપ્તાહમાં આજે સતત બીજા દિવસે શેરબજારમાં ચોમેરની વેચવાલી પાછળ નરમાઈ તરફી વલણ છવાયેલું રહ્યું હતું. વેચવાલીના દબાણે આજે બીએસઇ સેન્સેક્સમાં ૯૦૦ પોઇન્ટ અને એનએસઇ નિફ્ટીમાં ૨૬૫ પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું. આજે રોકાણકારોની સંપત્તિમાંથી વધુ રૂ. ૩.૧૮ લાખ કરોડનું ધોવાણ થયું હતું.
ઇઝરાયેલ હમાસ યુદ્ધ પ્રબળ બનવાના અહેવાલ, ઉંચી સપાટીએ પહોંચેલ યુ.એસ. બોન્ડ યીલ્ડ, સપ્ટેમ્બર ત્રિમાસિકના મિશ્ર કોર્પોરેટ પરિણામો, વિદેશી રોકાણકારોની વેચવાલી અને વધતા ક્રૂડ ભાવ સહિતના અહેવાલોની બજાર પર પ્રતિકૂળ અસર થવા પામી છે.
વૈશ્વિક બજારોમાં એશિયાઈ બજારો ૧૧ માસની નીચી સપાટીએ ઉતરતા તેમજ યુરોપીયન બજારોની પીછેહઠની પણ બજાર પર અસર જોવાઈ હતી. ગઈકાલે અમેરિકી શેરબજારોમાં નરમાઈ પ્રવર્તતી હતી.
આ અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે આજે સેન્સેક્સ ૯૦૦.૯૧ પોઇન્ટના કડાકા સાથે ૬૪૦૦૦ની સપાટી ગુમાવી ૬૩૧૪૮.૧૫ ઉતરી આવ્યો હતો. જ્યારે નિફ્ટી ૨૬૪.૯૦ પોઇન્ટ તૂટી ૧૮૮૫૭.૨૫ની સપાટીએ ઉતરી આવ્યો હતો.
સેન્સેક્સમાં નોંધાયેલ કડાકાના પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. ૩.૧૮ લાખ કરોડનું ધોવાણ થતા કામકાજના અંતે રૂ ૩૦૬.૦૪ લાખ કરોડ રહ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૭૭૦૨ કરોડની વેચવાલી હાથ ધરી હતી.અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, છેલ્લા છ દિવસમાં સેન્સેક્સ ૩૨૮૦ પોઇન્ટ તૂટયો છે, જ્યારે માર્કેટકેપ એટલે કે રોકાણકારોની સંપત્તિમાં રૂ. ૧૮ લાખ કરોડનું ધોવાણ થયું છે. આ સમયમાં સ્મોલ અને મિડકેપ ઇન્ડેક્સમાં સાત ટકા સુધીનું ગાબડું નોંધાયું છે.
2023ના મોટા કડાકા
|
તારીખ |
ગાબડું (પોઇન્ટ) |
|
૨૨ ફેબ્રુઆરી |
૯૨૮ |
|
૨૬ ઓક્ટોબર |
૯૦૦ |
|
૧૩ માર્ચ |
૮૯૮ |
|
૨૧ જુલાઈ |
૮૮૭ |
|
૨૭ જાન્યુઆરી |
૮૭૪ |
ઓક્ટોબરમાં એફપીઆઇની રૂ.25,000 કરોડની વેચવાલી
એફપીઆઇએ ભારતીય શેરબજારના પ્રીમિયમ અને ઊંચા વેલ્યૂએશનનો લાભ લઇને ઓક્ટોબર (૨૬ ઓક્ટોબર સુધી)માં રૂ.૨૫,૦૯૮ કરોડની વેચવાલી કરી હોવાનું એક્સચેન્જ ડેટા સૂચવે છે. આજે એફપીઆઇએ જંગી રૂ.૭,૭૦૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે બીજી તરફ સ્થાનિક ફંડોએ રૂ.૬,૫૫૮ કરોડની ખરીદી કરી હતી, જે મુખ્યત્વે મિડ અને સ્મોલ કેપ શેરોમાં જોવાઈ હતી.
સાત મહિનાની સૌથી આકરી નરમાઈ
શેરોમાં છેલ્લા આઠ મહિનાની વર્તમાન નરમાઈ સૌથી આકરી રહી હોવાનું ડેટા સૂચવે છે.
અગાઉ માર્ચ ૨૦૨૩માં આંકમાં માત્ર પાંચ દિવસમાં ૨૨૫૧ પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો.
આ ઘટાડાને વર્તમાન નરમાઇએ પાછળ છોડીને હાલ છ દિવસમાં જ આંકમાં ૩,૨૮૦ પોઇન્ટનો કડાકો બોલાયો છે. વર્તમાન રેલીની નરમાઈ પાછળ સ્થાનિક આર્થિક કારણો કરતાં વૈશ્વિક પ્રવાહી સ્થિતિ વધુ જવાબદાર ગણાવાય છે.
દરમિયાન યુરોપમાં સેન્ટ્રલ બેન્કની મળનારી બેઠકમાં વ્યાજદરને યથાવત રાખવામાં આવશે એવી આશા દર્શાવાતી હોવા છતાં યુરોપના શેરબજાર નીચા ટ્રેડ થતાં હતા.


