મુંબઇ : ઈઝરાયેલ પર હમાસનો આતંકી હુમલો અને ઈઝારાયેલે વળતાં પ્રહારમાં ગાઝા પટ્ટી કબજે લેવા શરૂ કરેલા મહા ઓપરેશનને લઈ મિડલ ઈસ્ટ યુદ્વમાં ધકેલાવાના સંકેતે વૈશ્વિક બજારોમાં ગઈકાલે ધોવાણ બાદ આજે ચાઈના અને અમેરિકી ફેડરલ રિઝર્વના સંકેતે ઉડાઉડ અટકી વૈશ્વિક શેર બજારોમાં તોફાની તેજી જોવાઈ હતી. ચાઈના પ્રોપર્ટી માર્કેટના મહાસંકટમાંથી બહાર આવવા મથી રહ્યું હોઈ મેગા સ્ટીમ્યુલસ પેકેજ અનિવાર્ય બની ગયું હોઈ એનો ચાઈનાએ સંકેત આપતાં અને યુ.એસ. ફેડરલ રિઝર્વના અધિકારીઓએ વ્યાજ દરમાં હવે વધારો નહીં કરવા તરફી સંકેત આપતાં વૈશ્વિક બજારોમાં આજે સાર્વત્રિક તેજી આવી હતી.
બેંકેક્સ ૬૧૧ પોઈન્ટ ઉછળ્યો : કોટક બેંક રૂ.૩૭ વધીને રૂ.૧૭૫૬ : ફેડરલ, કેનેરા, એક્સિસ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ કોટક મહિન્દ્રા બેંકની આગેવાનીએ તેજી કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૧૧.૧૦ પોઈન્ટની છલાંગે ૪૯૯૪૪.૯૫ બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૭.૦૫ વધીને રૂ.૧૭૫૬.૪૦, ફેડરલ બેંક રૂ.૩.૧૦ વધીને રૂ.૧૪૭.૯૫, કેનેરા બેંક રૂ.૭.૩૫ વધીને રૂ.૩૭૨.૪૦, એક્સિસ બેંક રૂ.૧૪.૮૫ વધીને રૂ.૧૦૧૧, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૩.૧૫ વધીને રૂ.૯૫૦.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૬૦ વધીને રૂ.૫૯૧.૬૦, એચડીએફસી બેંક રૂ.૮.૪૫ વધીને રૂ.૧૫૨૪.૬૦ રહ્યા હતા.
સ્મોલ કેપ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી વ્યાપક તોફાની તેજી : ૨૫૦૩ શેરો પોઝિટીવ બંધ
ઈઝારાયેલ-હમાસ યુદ્વના પગલે ગઈકાલે શેરોમાં સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા સાથે ઘણાં શેરોમાં આજે હેમરીંગ થયા બાદ આજે ઘટાડે સ્મોલ, મિડ કેપ, રોકડાના અનેક શેરોમાં વેલ્યુબાઈંગ સાથે મોટી ખરીદી નીકળતાં માર્કેટબ્રેડથ નેગેટીવમાંથી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૮૯ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા વધીને ૨૫૦૩ અને ઘટનારની સંખ્યા ઘટીને ૧૧૬૦ રહી હતી.
આઈએમએફના જીડીપી વૃદ્વિના અંદાજે ઓટો, બેંકિંગ શેરોમાં તેજી થતાં સેન્સેક્સ ૬૬૦૦૦ની સપાટી કુદાવી
ઘર આંગણે ભારતની આર્થિક વૃદ્વિ-જીડીપી વૃદ્વિના અંદાજને આઈએમએફ દ્વારા ૬.૧ ટકાથી વધારીને ૬.૩ ટકા મૂકતાં ભારતીય શેર બજારોમાં પણ ફંડોએ આરંભમાં ઓટોમોબાઈલ શેરોમાં ટાટા મોટર્સની આગેવાનીએ મોટી ખરીદી કર્યા બાદ બેંકિંગ શેરોમાં કોટક મહિન્દ્રા બેંકની અગ્રેસરતામાં ફંડોની તેજી થતાં અને ભારતી એરટેલ તેમ જ જેએસડબલ્યુ સ્ટીલ સહિતમાં આકર્ષણે અને ઈન્ફોસીસ સહિતમાં ફંડો લેવાલ બનતાં જોતજોતામાં સેન્સેક્સ ૬૬૦૦૦ની સપાટી કુદાવી ઉપરમાં ૬૬૧૮૦.૧૭ સુધી જઈ અંતે ૫૬૬.૯૭ પોઈન્ટની છલાંગે ૬૬૦૭૯.૩૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી સ્પોટ ફરી ૨૦૦૦૦ તરફ કૂચ કરી ઉપરમાં ૧૯૭૧૭.૮૦ સુધી જઈ અંતે ૧૭૭.૫૦ પોઈન્ટ વધીને ૧૯૬૮૯.૮૫ બંધ રહ્યો હતો.
FPI/FIIની રૂ.૧૦૦૫ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની શેરોમાં રૂ.૧૯૬૩ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૧૦૦૫.૪૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૮૦૬૭.૧૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૦૭૨.૬૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૯૬૩.૩૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૬૨૩.૫૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૬૬૦.૨૪ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૫૩ લાખ કરોડ વધીને રૂ.૩૧૯.૭૧ લાખ કરોડ
સોમવારના આંચકા બાદ આજે મંગળવારે શેરોમાં મોટાપાયે ખરીદી નીકળતાં અનેક શેરોના ભાવ વધી આવતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩.૫૩ લાખ કરોડ વધીને રૂ.૩૧૯.૭૧ લાખ કરોડ પહોંચી ગયું હતું.
જાપાનનો નિક્કી ૭૫૨ પોઈન્ટ, હેંગસેંગ ૧૪૭ પોઈન્ટ ઉછળ્યા : યુરોપના દેશોના બજારોમાં તોફાની તેજી
વૈશ્વિક બજારોમાં આજે ચાઈના અને યુ.એસ. ફેડરલ રિઝર્વના પોઝિટીવ સંકેતે સાર્વત્રિક તેજી જોવાઈ હતી. એશીયા-પેસેફિક દેશોમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૭૫૧.૮૬ પોઈન્ટ ઉછળીને ૩૧૭૪૬.૫૩, હોંગકોંગનો હેંગસેંગ ૧૪૭.૩૩ પોઈન્ટ વધીને ૧૭૬૬૪.૭૩ રહ્યા હતા. જ્યારે યુરોપના દેશોના બજારોમાં લંડન શેર બજારનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૧૧૪ પોઈન્ટનો ઉછાળો, જર્મનીનો ડેક્ષ ૨૨૦ પોઈન્ટનો ઉછાળો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૯૮ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા.