મુંબઈ : ચાઈનાને કટોકટીમાંથી બહાર લાવી આર્થિક વિકાસના પંથે લઈ જવા અનિવાર્ય સ્ટીમ્યુલસ પેકેજ જાહેર થવાની અપેક્ષા અને યુ.એસ. ફેડરલ રિઝર્વની મીનિટ્સ પૂર્વે વ્યાજ દરમાં નવો વધારો નહીં કરવા તરફી સંકેત મળવાના અહેવાલોએ વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આજે સતત બીજા દિવસે ફંડોએ તેજી કરી હતી. વૈશ્વિક આર્થિક વિકાસ મંદ પડવાના આઈએમએફના અંદાજો સામે ભારતનો આર્થિક વિકાસ-જીડીપી વૃદ્વિનો અંદાજ ૬.૧ ટકાથી વધારીને ૬.૩ ટકા મૂકાતાં ફંડોનું શેરોમાં આકર્ષણ વધતું જોવાયું હતું. આ સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ જાયન્ટ ટીસીએસના પરિણામ અને શેરોનું સંભવિત બાયબેક જાહેર થતાં પૂર્વે ફંડોએ આઈટી શેરોમાં આરંભથી મોટી ખરીદી કરતાં અને ત્યાર બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ઓટોમોબાઈલ ફ્રન્ટલાઈન શેરોમાં તેજી થતાં સેન્સેક્સ ૩૯૩.૬૯ પોઈન્ટની છલાંગે ૬૬૪૭૩.૦૫ અને નિફટી સ્પોટ ૧૨૧.૫૦ પોઈન્ટ ઉછળીને ૧૯૮૧૧.૩૫ બંધ રહ્યા હતા. આ સાથે બે દિવસમાં સેન્સેક્સમાં ૯૬૧ પોઈન્ટનો ઉછાળો અને નિફટીમાં ૨૯૮ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે.
આઈટી-સોફ્ટવેર ક્ષેત્રે પસંદગીના શેરોમાં આગેકૂચ
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફંડોએ કંપની પરિણામો પૂર્વે પસંદગીની તેજી કર્યા સામે કેટલાક શેરોમાં નબળા પરિણામોની ધારણાએ વેચવાલી કરી હતી. ટીસીએસ-ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝમાં રિઝલ્ટ અને શેરોનું સંભવિત બાયબેક જાહેર થતાં પૂર્વે સતત સાવચેતીમાં વેચવાલીએ રૂ.૧૯ ઘટીને રૂ.૩૬૧૦.૨૦ રહ્યો હતો. જ્યારે વિપ્રો લિમિટેડ રૂ.૧૩.૪૦ વધીને રૂ.૪૨૧, ૬૩ મૂન્સ ટેકનોલોજી રૂ.૯.૧૫ વધીને રૂ.૨૫૪, તાન્લા પ્લેટફોર્મ્સ રૂ.૭૪.૫૦ વધીને રૂ.૧૧૦૪.૮૫રહ્યા હતા.
ઓટો શેરોમાં ફંડોની તેજી
તહેવારોની સીઝન શરૂ થઈ જતાં વાહનોની ખરીદી વધી રહ્યાના આંકડા અને કંપનીઓની નફાશક્તિ વધવાના અંદાજોએ ફંડોની ઓટો શેરોમાં ખરીદી રહી હતી. હીરો મોટોકોર્પમાં ચેરમેન સામે દિલ્હી પોલીસની એફઆઈઆરના સમાચારે વેચવાલી બાદ આજે ઘટાડે ફંડો લેવાલ બનતાં રૂ.૧૨૭.૩૫ વધીને રૂ.૩૧૦૦.૫૦ રહ્યો હતો. મધરસન રૂ.૨.૧૦ વધીને રૂ.૯૫.૪૨, અશોક લેલેન્ડ રૂ.૨.૬૦ વધીને રૂ.૧૭૬.૨૫, ટીવીએસ મોટર રૂ.૨૨.૫૫ વધીને રૂ.૧૫૫૦.૩૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૬.૮૫ વધીને રૂ.૧૫૫૫ રહ્યા હતા.
રિલાયન્સ ઈન્ડ. રૂ.૩૭ વધીને રૂ.૨૩૪૫
રિલાયન્સ રીટેલમાં ફોરેન ફંડોના વધી રહેલા રોકાણમાં અબુધાબીના એડીઆઈએ દ્વારા રૂ.૪૯૬૬.૮ કરોડના રોકાણ બાદ વધુ ફંડોના રોકાણના અંદાજો અને જિયોએરફાઈબર થકી કંપનીને ૭ થી ૧૦ અબજ ડોલરની રોકાણ તકો હોવાના જેફ્રીના અંદાજોએ ફંડોની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં લેવાલી વધી હતી. રિલાયન્સ આજે રૂ.૩૬.૬૫ વધીને રૂ.૨૩૪૫.૦૫ રહ્યો હતો.
FPI/FIIની રૂ.૪૨૨ કરોડની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૪૨૧.૭૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૫૨૬.૯૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૯૪૮.૭૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૦૩૨.૦૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૩૬૯.૪૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૩૩૭.૪૬ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૧.૯૦ લાખ કરોડ વધી
સંખ્યાબંધ શેરોમાં ખરીદીનું આકર્ષણ જળવાઈ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૯૦ લાખ કરોડ વધીને રૂ.૩૨૧.૬૧ લાખ કરોડ પહોંચી ગયું હતું.