મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરી રહ્યું હોઈ એક તરફ જીઓપોલિટીકલ ટેન્શન વચ્ચે અમેરિકાની યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરને ગઈકાલે જાળવી રાખવાનો નિર્ણય લેતાં અને અન્ય પોઝિટીવ ડેવલપમેન્ટ પાછળ આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેર બજારોમાં ઘટાડાને બ્રેક લાગી ઝડપી ઉછાળો આવ્યો હતો. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાઉદી અરેબિયાની આવક ઘટતાં આગામી દિવસોમાં ઉત્પાદન કાપની શકયતા વચ્ચે સુધારા તરફી રહી બ્રેન્ટ બેરલ દીઠ ૧.૧૦ ડોલર વધીને ૮૫.૭૩ ડોલર અને ન્યુયોર્ક-નાયમેક્ષ ક્રુડ ૧.૧૭ ડોલર વધીને ૮૧.૬૧ ડોલર નજીક રહ્યા હતા. ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી, કેપિટલ ગુડઝ, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ, ફાર્માસ્યુટિકલ્સ ફ્રન્ટલાઈન શેરોમાં શોર્ટ કવરિંગ સાથે મોટી ખરીદી કરી હતી. સેન્સેક્સ ૪૮૯.૫૭ પોઈન્ટ વધીને ૬૪૦૮૦.૯૦ અને નિફટી સ્પોટ ૧૪૪.૧૦ પોઈન્ટ વધીને ૧૯૧૩૩.૨૫ બંધ રહ્યા હતા.
બેંકેક્સ ૩૭૧ પોઈન્ટ ઉછળ્યો : બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ, કેનેરા બેંક, એક્સિસ, સ્ટેટ બેંકમાં આકર્ષણ
યુ.એસ. ફેડરલ રિઝર્વે વ્યાજ દર જાળવી રાખીને હવે ઘટાડા તરફી સંકેત આપતાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી કરી હતી. બેંક ઓફ બરોડા રૂ.૪.૬૫ વધીને રૂ.૨૦૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૯.૨૦ વધીને રૂ.૧૪૬૧, કેનેરા બેંક રૂ.૪.૯૫ વધીને રૂ.૩૮૮.૧૫, એક્સિસ બેંક રૂ.૧૦.૮૦ વધીને રૂ.૯૮૨.૨૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૫.૭૦ વધીને રૂ.૫૭૧.૯૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૩.૩૦ વધીને રૂ.૧૭૩૭ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૭૦.૯૫ પોઈન્ટ વધીને ૪૮૬૨૯.૦૮ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૨૧ પોઈન્ટ ઉછળ્યો : ભેલ, જીએમઆર, પોલીકેબ, હિન્દ. એરોનોટિક્સમાં તેજી
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ આજે ફરી મોટી ખરીદી કરી હતી. ભેલ રૂ.૫.૪૫ ઉછળીને રૂ.૧૨૬.૯૫, જીએમઆર એરપોર્ટસ રૂ.૧.૫૪ વધીને રૂ.૫૫.૭૮, પોલીકેબ રૂ.૧૩૬.૯૦ વધીને રૂ.૫૦૩૫.૮૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૩૨.૨૦ વધીને રૂ.૧૮૫૪.૫૦, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૬ વધીને રૂ.૫૦૨.૯૫, સિમેન્સ રૂ.૩૯.૭૫ વધીને રૂ.૩૩૬૪.૬૫, એબીબી ઈન્ડિયા રૂ.૨૪.૮૫ વધીને રૂ.૪૦૭૭.૯૫, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૧૬.૭૦ વધીને રૂ.૨૯૧૧.૦૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૨૧.૧૫ પોઈન્ટ વધીને ૪૬૦૩૫.૫૪ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં વેલ્યુબાઈંગ : એનએમડીસી, હિન્દાલ્કો, વેદાન્તા, સેઈલ, એપીએલ, નાલ્કો વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોએ આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ કરતાં બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૬૭.૩૯ પોઈન્ટ વધીને ૨૨૨૮૩.૯૦ બંદ રહ્યો હતો. એનએમડીસી રૂ.૬.૪૦ વધીને રૂ.૧૫૯.૯૦, હિન્દાલ્કો રૂ.૧૨.૪૫ વધીને રૂ.૪૭૫, વેદાન્તા રૂ.૫.૪૫ વધીને રૂ.૨૨૯.૦૫, સેઈલ રૂ.૨.૦૨ વધીને રૂ.૮૫.૦૩, એપીએલ અપોલો રૂ.૩૫ વધીને રૂ.૧૫૬૨.૨૦, નાલ્કો રૂ.૧.૭૨ વધીને રૂ.૯૩.૫૪, ટાટા સ્ટીલના નબળા ત્રિમાસિક પરિણામ છતાં શેર રૂ.૧.૧૫૫ વધીને રૂ.૧૧૮.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૭.૯૫ વધીને રૂ.૭૩૨.૬૫, જિન્દાલ સ્ટીલ રૂ.૫.૧૫ વધીને રૂ.૫૮૯.૬૫ રહ્યા હતા.
ઓટો શેરોમાં શોર્ટ કવરિંગ : અશોક લેલેન્ડ, અપોલો ટાયર્સ, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, કયુમિન્સ વધ્યા
ઓટોમોબાઈલ શેરોમાં પાછલા દિવસોમાં સતત વેચવાલી બાદ આજે ફરી ફંડોએ શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી કરી હતી. અશોક લેલેન્ડ રૂ.૩.૯૦ વધીને રૂ.૧૬૮.૮૫, અપોલો ટાયર્સ રૂ.૭.૨૫ વધીને રૂ.૩૮૭.૯૦, આઈશર મોટર્સ રૂ.૫૪.૭૦ વધીને રૂ.૩૩૩૭.૩૦, ટાટા મોટર્સ રૂ.૯.૯૦ વધીને રૂ.૬૩૭.૨૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૨૫.૩૦ વધીને રૂ.૧૬૯૯.૫૦, એમઆરએફ રૂ.૧૫૫૨.૪૫ વધીને રૂ.૧,૧૦,૧૪૪, ટીવીએસ મોટરસ રૂ.૧૦.૨૦ વધીને રૂ.૧૫૭૦, મારૂતી સુઝુકી રૂ.૫૭.૫૫ વધીને રૂ.૧૦,૨૮૧.૧૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૮૮.૦૮ પોઈન્ટ વધીને ૩૬૨૬૦.૫૬ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં મજબૂતી : ગેઈલ, ઈન્દ્રપ્રસ્થ ગેસ, આઈઓસી, બીપીસીએલ, રિલાયન્સમાં આકર્ષણ
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટયામથાળેથી રિકવરી છતાં ફંડોની આજે ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. ગેઈલ રૂ.૪.૫૫ વધીને રૂ.૧૨૨.૨૫, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૯.૭૦ વધીને રૂ.૩૯૦.૨૫, આઈઓસી રૂ.૨.૨૦ વધીને રૂ.૯૪.૭૪, બીપીસીએલ રૂ.૪.૨૦ વધીને રૂ.૩૬૧.૧૦, અદાણી ટોટલ ગેસ રૂ.૬.૪૦ વધીને રૂ.૫૫૭.૯૫, એચપીસીએલ રૂ.૨.૮૫ વધીને રૂ.૨૫૪.૭૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮.૫૫ વધીને રૂ.૨૩૧૫.૨૦ રહ્યા હતા.
આઈટી શેરોમાં વેલ્યુબાઈંગ : સિગ્નિટી ટેક રૂ.૮૩ વધીને રૂ.૧૧૧૫ : રેટગેઈન, સિએન્ટ, ઈમુદ્રામાં તેજી
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં અમેરિકા પાછળ ફંડોનું ફરી વેલ્યુબાઈંગ થયું હતું. સિગ્નિટી ટેક રૂ.૮૩.૪૦ ઉછળીને રૂ.૧૧૧૪.૯૫, રેટગેઈન ટ્રાવેલ રૂ.૩૫.૩૦ વધીને રૂ.૬૬૦.૫૦, સોનાટા રૂ.૪૭.૭૦ વધીને રૂ.૧૧૯૩.૪૫, ક્વિક હિલ રૂ.૧૧.૫૦ વધીને રૂ.૩૨૮.૭૦, સિએન્ટ રૂ.૫૧.૧૦ વધીને રૂ.૧૬૮૫.૪૫, ઈમુદ્રા રૂ.૧૪.૧૫ વધીને રૂ.૪૬૮, એમ્ફેસીસ રૂ.૫૨.૬૦ વધીને રૂ.૨૧૯૩, ઈન્ફોસીસ રૂ.૧૬.૯૦ વધીને રૂ.૧૩૭૦.૪૫, માસ્ટેક રૂ.૨૫.૬૦ વધીને રૂ.૨૨૩૦.૫૦ રહ્યા હતા.
એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, ખેલંદાઓની ફરી વ્યાપક તેજી: ૨૨૬૯ શેરો પોઝિટીવ બંધ
ફંડો, મહારથીઓએ વૈશ્વિક બજારો પાછળ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી કર્યા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગ કરતાં માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૯૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૫૭૫થી વધીને ૨૨૬૯ અને ઘટનારની સંખ્યા ૨૦૯૦થી ઘટીને ૧૩૮૭ રહી હતી.
FPI/FIIની રૂ.૧૨૬૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની શેરોમાં રૂ.૧૩૮૦ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-ગુરૂવારે કેશમાં વધુ રૂ.૧૨૬૧.૧૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૮૫૭.૨૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૧૧૮.૪૬ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૩૮૦.૧૫ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૦૧૨.૬૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૫૬૩૨.૫૪ કરોડની વેચવાલી થઈ હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩.૦૨ લાખ કરોડ વધીને રૂ.૩૧૩.૨૪ લાખ કરોડ
એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક તેજી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૩.૦૨ લાખ કરોડ વધીને રૂ.૩૧૩.૨૪ લાખ કરોડ પહોંચી ગયું હતું.
વૈશ્વિક બજારોમાં તેજી : યુરોપમાં ડેક્ષ ૨૨૭ પોઈન્ટ, ફુત્સી ૯૨ પોઈન્ટ વધ્યા : નિક્કી ૩૪૮ પોઈન્ટ ઉછળ્યો
યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર જાળવવામાં આવતાં અને વ્યાજ દરમાં ઘટાડા તરફી સંકેતના પગલે વૈશ્વિક બજારોમાં તેજી રહી હતી. યુરોપના દેશોના બજારોમાં જર્મનીનો ડેક્ષ ૨૨૭ પોઈન્ટનો ઉછાળો, લંડનનો ફુત્સી ૧૦૦ ઈન્ડેક્સ ૯૨ પોઈન્ટ અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૧૨૮ પોઈન્ટનો ઉછાળો બતાવતા હતા. જ્યારે એશીયા-પેસેફિકમાં જાપાનનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૪૮ પોઈન્ટનો સુધારો, હોંગકોંગનો હેંગસેંગ ૧૨૮ પોઈન્ટનો સુધારો બતાવતા હતા.