રોકાણકારોની સંપતિ રૂ.૨.૯૫ લાખ કરોડ વધી
મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરી મિડલ ઈસ્ટના દેશોમાં ફેલાવા લાગ્યા સાથે વૈશ્વિક અર્થતંત્ર માટે જોખમ છતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર વધારાને બ્રેક લગાવતાં અને ભારતની જીડીપી વૃદ્વિ માટેના જેપી મોર્ગનના ૬ ટકા જેટલા અંદાજ અને ફિચ રેટીંગ્સ દ્વારા પણ આર્થિક વૃદ્વિનો અંદાજ વધારી ૬.૨ ટકા મૂકાતાં ફંડોએ શેરોમાં આજે સાર્વત્રિક તેજીનું તોફાન મચાવ્યું હતું. સંવત ૨૦૭૯ પૂરું થવામાં છે ત્યારે ફોરેન ફંડોની વેચવાલી પણ મર્યાદિત બનતાં અને લોકલ ફંડોએ મોટી ખરીદી ચાલુ રાખતાં શેરોમાં આક્રમક તેજી જોવાઈ હતી. કેપિટલ ગુડઝ, બેંકિંગ, ઓટો, આઈટી, મેટલ, હેલ્થકેર શેરોમાં ફંડોએ મોટાપાયે ખરીદી કરતાં સેન્સેક્સ ૫૯૪.૯૧ પોઈન્ટ ઉછળીને ૬૪૯૫૮.૬૯ અને નિફટી સ્પોટ ૧૮૧.૧૫ પોઈન્ટ વધીને ૧૯૪૧૧.૭૫ બંધ રહ્યા હતા.
બેંકેક્સ ૩૬૦ પોઈન્ટ ઉછળ્યો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોએ આજે સતત ખરીદી કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૬૦.૨૧ પોઈન્ટની છલાંગે ૪૯૩૨૦.૫૯ બંધ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૨૦.૪૫ વધીને રૂ.૧૦૦૯.૩૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૧.૪૦ વધીને રૂ.૧૪૭૦.૯૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૧.૮૦ વધીને રૂ.૯૪૫.૨૫, એચડીએફસી બેંક રૂ.૧૦.૬૫ વધીને રૂ.૧૪૯૪.૨૦, એયુ સ્મોલ ફાઈનાન્સ રૂ.૪.૪૫ વધીને રૂ.૬૭૩.૮૫ રહ્યા હતા.
FPI/FIIની રૂ.૫૪૯ કરોડની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-સોમવારે કેશમાં વેચવાલી મર્યાદિત બની રૂ.૫૪૯.૩૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૭૪૧.૯૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૨૯૧.૩૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૫૯૫.૭૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૩૧૧.૨૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૭૧૫.૫૮ કરોડની વેચવાલી થઈ હતી.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૭૭ ઉછળ્યો
કેપિટલ ગુડઝ શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૭૭.૦૪ પોઈન્ટ ઉછળીને ૪૭૦૦૨.૭૩ બંધ રહ્યો હતો. સુઝલોન એનજીૅ રૂ.૧.૭૨ વધીને રૂ.૩૬.૧૬, ભારત ફોર્જ રૂ.૩૯.૪૦ વધીને રૂ.૧૦૭૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૬૪.૧૦ વધીને રૂ.૨૯૭૨.૨૫, પોલીકેબ રૂ.૧૦૩.૨૫ વધીને રૂ.૫૧૩૯.૨૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૮.૭૫ વધીને રૂ.૧૦૮૨.૩૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૮.૪૫ વધીને રૂ.૧૯૨૯.૯૫, ભેલ રૂ.૧.૭૦ વધીને રૂ.૧૩૦.૨૫, ગ્રાઈન્ડવેલ નોર્ટન રૂ.૨૩.૪૦ વધીને રૂ.૨૧૨૨.૧૫ રહ્યા હતા.
રોકાણકારોની સંપતિ વધીને રૂ.૩૧૮.૧૭ લાખ કરોડ
ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો, ખેલંદાઓએ આજે સેન્સેક્સ, નિફટી બેઝડ તેજી સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં વ્યાપક તેજી કરતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૨.૯૫ લાખ કરોડ વધીને રૂ.૩૧૮.૧૭ લાખ કરોડ પહોંચી ગયું હતું.