મુંબઈ : યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દર યથાવત રાખવામાં આવતાં વૈશ્વિક બજારો પર તેની સતત બીજા દિવસે પોઝિટીવ અસરે આજે સપ્તાહના અંતે એશીયાના બજારોમાં અમેરિકા પાછળ તોફાની તેજી જોવાઈ હતી. ઈઝરાયેલ-હમાસ યુદ્વ આક્રમક બની રહ્યું હોવા છતાં અને ચાઈનામાં વિદેશી રોકાણ પ્રથમ વખત નેગેટીવ બન્યાના પ્રતિકૂળ અહેવાલ છતાં અમેરિકી બજારોમાં ગઈકાલે તોફાની ઉછાળા અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઘટી આવતાં ફંડોએ ઓવરસોલ્ડ ભારતીય બજારોમાં વિદેશી ફંડોની વેચવાલી મર્યાદિત બન્યા સાથે વધુ શોર્ટ કવરિંગ થતાં અને લોકલ ફંડોની ખરીદી ચાલુ રહેતાં આજે આક્રમક તેજી થઈ હતી. ફોરેન ફંડોની અવિરત વેચવાલી સામે લોકલ ફંડોનું ખરીદીનું આકર્ષણ યથાવત રહ્યું હતું. બેંકિંગ-ફાઈનાન્સ, આઈટી, ઓટો, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, ઓઈલ-ગેસ, રિયાલ્ટી, હેલ્થકેર શેરોમાં ઓલ રાઉન્ડ તેજી રહી હતી. આ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી ભભૂકતી તેજી જોવાઈ હતી. સેન્સેક્સ ૨૮૨.૮૮ પોઈન્ટ ઉછળીને ૬૪૩૬૩.૭૮ અને નિફટી સ્પોટ ૯૭.૩૫ પોઈન્ટ વધીને ૧૯૨૩૦.૬૦ બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૧૮ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૨૬૭ અને ઘટનારની સંખ્યા ૧૪૨૨ રહી હતી.
કન્ઝયુમર ઈન્ડેક્સ ૬૪૨ ઉછળ્યો
તહેવારોની સીઝનની સાથે સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ, હોમ એપ્લાયન્સિસની માંગ વધવાની અપેક્ષાએ ફંડોની આજે ખરીદી રહી હતી. કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૬૪૨.૬૩ પોઈન્ટની છલાંગે ૪૫૩૨૭.૨૩ બંધ રહ્યો હતો. બ્લુ સ્ટાર રૂ.૪૧.૯૦ ઉછળીને રૂ.૯૬૯.૫૦, ટાઈટન કંપની રૂ.૭૧.૨૫ વધીને રૂ.૩૨૭૨.૫૫, સીજી કન્ઝયુમર રૂ.૨.૩૦ વધીને રૂ.૨૮૬.૪૦, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૧૧.૬૫ વધીને રૂ.૧૬૦૮.૬૦ રહ્યા હતા.
રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૩૧ પોઈન્ટ વધ્યો
દેશના મુંબઈ, અમદાવાદ સહિતના મહાનગરોમાં પ્રોપર્ટીના વેચાણમાં નોંધનીય વૃદ્વિ થયાના આંકડા વચ્ચે રિયાલ્ટી કંપનીઓની નફાશક્તિ વધવાના અંદાજોએ ફંડોની શેરોમાં મોટી ખરીદી થઈ હતી. બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૧.૮૫ ઉછળીને રૂ.૬૬૮.૭૫, ઈન્ડિયાબુલ્સ રિયલ રૂ.૩.૭૨ વધીને રૂ.૭૭.૫૬, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૦.૦૫ વધીને રૂ.૭૭૭.૭૦, ગોદરેજ પ્રોપર્ટી રૂ.૬૮.૪૦ વધીને રૂ.૧૭૮૪.૦૫, ડીએલએફ રૂ.૧૭.૬૦ વધીને રૂ.૫૯૫.૩૦, શોભા ડેવલપર્સ રૂ.૧૫.૮૦ વધીને રૂ.૭૬૩.૪૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨૦.૯૦ વધીને રૂ.૧૨૩૧.૫૦, ફિનિક્સ મિલ્સ રૂ.૨૪.૧૦ વધીને રૂ.૨૦૦૨.૭૦ રહ્યા હતા.
આઈટી શેરોમાં આકર્ષણ
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. વકરાંગી રૂ.૧.૧૧ ઉછળીને રૂ.૧૮.૭૨, રેટગેઈન ટ્રાવેલ રૂ.૩૬.૯૫ વધીને રૂ.૬૯૭.૪૫, ઓરિઓનપ્રો રૂ.૮૨.૧૫ વધીને રૂ.૧૭૨૬, ન્યુક્લિયસ સોફ્ટવેર રૂ.૭૫.૩૫ વધીને રૂ.૧૫૮૩.૨૫, સુબેક્ષ રૂ.૧ વધીને રૂ.૩૧.૫૩, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૧૧૦.૯૦ વધીને રૂ.૫૧૩૨.૩૦, ઈન્ફોસીસ રૂ.૧૮.૬૫ વધીને રૂ.૧૩૮૯.૧૦ રહ્યા હતા.
ઓટો શેરોમાં ઝડપી આગેકૂચ
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. આઈશર મોટર્સ રૂ.૯૨.૫૦ ઉછળીને રૂ.૩૪૩૦.૦૫, ટયુબ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૭૩.૮૫ વધીને રૂ.૩૧૯૯.૮૫, ટીવીએસ મોટર રૂ.૩૧.૫૦ વધીને રૂ.૧૬૦૦.૭૦, ટાટા મોટર્સ ત્રિમાસિક ખોટની તુલનાએ આ વખતે રૂ.ચોખ્ખો નફો કરતાં આકર્ષણે શેર રૂ.૧૧ વધીને રૂ.૬૪૭.૮૦, હીરો મોટોકોર્પ રૂ.૩૮.૪૫ વધીને રૂ.૩૦૮૮.૦૫, બોશ રૂ.૯૮.૬૫ વધીને રૂ.૧૯,૫૪૯.૯૫, બજાજ ઓટો રૂ.૪૮.૯૦ વધીને રૂ.૫૩૬૪.૪૫ રહ્યા હતા.
બેંકેક્સ ઈન્ડેક્સ ૩૩૧ વધ્યો
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોની સતત ખરીદી થતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૩૧.૩૦ પોઈન્ટ વધીને ૪૮૯૬૦.૩૮ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૩.૭૫ વધીને રૂ.૨૦૩.૭૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૪.૨૦ વધીને રૂ.૯૩૩.૪૫, ફેડરલ બેંક રૂ.૨.૦૫ વધીને રૂ.૧૪૩.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૨૫ વધીને રૂ.૫૭૮.૧૫ રહ્યા હતા.
FPI/FIIની રૂ.૧૨ કરોડની ચોખ્ખી વેચવાલી
એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશમાં વેચવાલી મર્યાદિત બની રૂ.૧૨.૪૩ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૭૭૩૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૭૫૧.૪૩ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૪૦૨.૬૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૭૯૩૨.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૭૫૩૦.૦૪ કરોડની વેચવાલી થઈ હતી.