મુંબઈ : ઈઝરાયેલ-હમાસ વચ્ચે ગાઝા પટ્ટી પર યુદ્વના પગલે સર્જાયેલા જીઓપોલિટીકલ ટેન્શનમાં યુદ્વને શાંત પાડવાના અમેરિકા, જર્મની સહિતના દેશોના પ્રયાસ વચ્ચે ગાઝાની હોસ્પિટલમાં ઘાતક હુમલા અને ઈરાને પણ ઈઝરાયેલ સામે મોરચો માંડતા યુદ્વ વકરવાના એંધાણ વચ્ચે આજે ક્રુડ ઓઈલના ભાવ તીવ્ર વધતાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં કડાકો બોલાઈ ગયો હતો. ભારતીય શેર બજારોમાં ખાસ એચડીએફસી બેંક, બજાજ ટ્વિન્સ બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ પાછળ ફંડોના હેમરીંગે અને કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં મોટું ધોવાણ થયું હતું. બેંકો પર બીજા ત્રિમાસિકમાં માર્જિન દબાણ આવશે એવા એનાલિસ્ટોના અંદાજોએ આજે ફાઈનાન્સ, બેંકિંગ શેરોમાં કડાકો બોલાયો હતો. યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં ફેલાવાના ભય વચ્ચે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ફરી ઉછળી આવી બ્રેન્ટ ક્રુડના ૨.૬૬ ડોલર ઉછળીને ૯૨.૫૬ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડ ૨.૬૬ ડોલર વધીને ૮૯.૩૨ ડોલર પહોંચી જતાં નેગેટીવ અસરે ફંડોએ આજે શેરોમાં ઓલ રાઉન્ડ હેમરીંગ કર્યું હતું. સેન્સેક્સ ૫૫૧.૦૭ પોઈન્ટ તૂટીને ૬૫૮૭૭.૦૨ અને નિફટી ૫૦ સ્પોટ ૧૪૦.૪૦ પોઈન્ટ ગબડીને ૧૯૬૭૧.૧૦ બંધ રહ્યા હતા.
બજાજ ફાઈ.રૂ.૨૨૦, બજાજ ફિન.રૂ.૩૩ તૂટયા
ફાઈનાન્સ કંપનીઓ, બેંકો પર બીજા ત્રિમાસિકમાં માર્જિન દબાણ આવવાના અને એના પરિણામે કામગીરી નબળી પડવાના એનાલિસ્ટોના અંદાજો વચ્ચે આજે ફંડોએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં મોટું હેમરિંગ કર્યું હતું. પરિણામો એકંદર સારા રહ્યા છતાં બજાજ ટ્વિન્સ બજાજ ફાઈનાન્સ રૂ.૨૨૦.૨૫ તૂટીને રૂ.૭૮૭૧.૧૦, બજાજ ફિનસર્વ રૂ.૩૩.૪૦ તૂટીને રૂ.૧૬૨૪ રહ્યા હતા. હુડકો ઓફર ફોર સેલ પાછળ રૂ.૯.૫૮ તૂટીને રૂ.૮૦.૩૪, બીએફ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૨૬.૬૫ તૂટીને રૂ.૫૦૩, પિરામલ એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૮.૭૦ તૂટીને રૂ.૧૦૧૬.૨૫, સેન્ટ્રલ બેંક રૂ.૧.૭૦ ઘટીને રૂ.૪૭.૧૦ રહ્યા હતા.
બેંકેક્સ ૫૯૧ પોઈન્ટ તૂટયો
બેંકિંગ શેરોમાં ફંડોએ મોટું હેમરીંગ કરતાં બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૯૧.૦૩ પોઈન્ટ તૂટીને ૪૯૩૬૩.૫૯ બંધ રહ્યો હતો. બેંક ઓફ બરોડા રૂ.૩.૬૦ ઘટીને રૂ.૨૦૩.૭૦, એક્સિસ બેંક રૂ.૧૫.૪૦ તૂટીને રૂ.૯૯૨.૯૫, કેનેરા બેંક રૂ.૫.૬૫ ઘટીને રૂ.૩૭૧.૮૦, એચડીએફસી બેંક રૂ.૨૧.૬૫ તૂટીને રૂ.૧૫૧૯.૭૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૧.૪૫ ઘટીને રૂ.૯૪૩.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૭.૬૦ ઘટીને રૂ.૧૭૫૩.૯૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૭૫ ઘટીને રૂ.૫૭૨.૬૫ રહ્યા હતા.
ક્રુડમાં ફરી ભડકો :ઓઇલ શેરોમાં પ્રોફિટ બુકિંગ
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરવાના એંધાણ વચ્ચે ફરી ભડકી આવી ૨.૫ ડોલર જેટલા વધી આવતાં ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. એચપીસીએલ રૂ.૫.૧૦ ઘટીને રૂ.૨૫૬.૯૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૨ ઘટીને રૂ.૨૩૨૩.૬૦, ગુજરાત ગેસ રૂ.૬.૨૦ ઘટીને રૂ.૪૨૦.૮૦, બીપીસીએલ રૂ.૪.૪૫ ઘટીને રૂ.૩૫૦.૪૫, આઈઓસી રૂ.૧.૦૧ ઘટીને રૂ.૯૦.૭૮ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ગાબડાં
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં આજે ફંડોએ મોટાપાયે પ્રોફિટ બુકિંગ કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૪૪૩.૬૩ પોઈન્ટ તૂટીને ૪૬૧૧૧.૯૬ બંધ રહ્યો હતો. હવેલ્સ ઈન્ડિયા રૂ.૪૪.૧૦ તૂટીને રૂ.૧૩૪૦, વોલ્ટાસ રૂ.૧૭.૦૫ ઘટીને રૂ.૮૩૩.૬૦, રાજેશ એક્ષપોર્ટસ રૂ.૮.૫૫ ઘટીને રૂ.૪૪૮.૪૦, ટાઈટન કંપની રૂ.૨૬.૫૫ ઘટીને રૂ.૩૨૮૩.૦૫ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ગાબડાં
ઈઝરાયેલ-હમાસ યુદ્વ વકરવાના એંધાણે સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકા સાથે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં પેનિક સેલિંગ નીકળતાં વ્યાપક ગાબડાં પડયા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૮૪૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૫૯ થી ઘટીને ૧૩૮૬ અને ઘટનારની સંખ્યા ૧૫૪૪ થી વધીને ૨૩૨૨ રહી હતી.
ખઁૈંજ/ખૈંૈંની રૂ.૧૮૩૨ કરોડની વેચવાલી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૧૮૩૧.૮૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૭૬૧.૨૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૫૯૩.૦૮ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ.૧૪૬૯.૫૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૮૧૬૬.૫૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૬૬૯૭.૦૩ કરોડની વેચવાલી થઈ હતી.
રોકાણકારોની સંપતિ રૂ.૨.૪૨ લાખ કરોડ ઘટી
સેન્સેક્સ, નિફટીમાં કડાકા સાથે ઘણાં સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ગાબડાં પડતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૪૨ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૩૨૧.૪૦ લાખ કરોડ રહી ગયું હતું.