મુંબઈ : ઈઝરાયેલ-હમાસ યુદ્વ મિડલ ઈસ્ટના અન્ય દેશોમાં વકરતું અટકાવવાના અમેરિકા સહિતના દેશોના પ્રયાસોમાં સપ્તાહના અંતે હમાસ દ્વારા કેટલાક અમેરિકી બંધકોને મુક્ત કરવામાં આવ્યાના અહેવાલ વચ્ચે યુદ્વ વિરામની એક શકયતા ઊભી થઈ છે. પરંતુ હજુ આ જીઓપોલિટીકલ ટેન્શન સતત અનિશ્ચિત બની રહ્યું હોઈ વૈશ્વિક બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાયેલું છે. ઘર આંગણે ફોરેન પોર્ટફોલિયોે ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી થઈ રહી છે. કોર્પોરેટ પરિણામો એકંદર સાધારણ થી નબળા આવી રહ્યા હોવા સાથે આગામી સમય પડકારરૂપ રહેવાના સંકેતે કંપનીઓના આવક વૃદ્વિના અંદાજો ઘટાડીને મૂકાઈ રહ્યા છે. ૂબેંકિંગ ક્ષેત્રે માર્જિન દબાણ હેઠળ રહેવાના અંદાજો વચ્ચે શેરોમાં ફંડો ઓવરબોટ પોઝિશન હળવી કરતાં જોવાયા છે. અલનીનોની અસર અને જીઓપોલિટીકલ ટેન્શનના પરિણામે હજુ વૈશ્વિક ફુગાવો-મોંઘવારીનું જોખમ યથાવત રહેતાં હાલ તુરત સેન્ટ્રલ બેંકો દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શકયતા ઓછી બની છે. ક્રુડના ભાવોમાં ઉછાળાને લઈ નેગેટીવ પરિબળોની અસર વચ્ચે બજારો ડામાડોળ બન્યા છે.
ક્રુડ ઓઈલના ભાવ, રૂપિયાના મૂલ્યમાં વધઘટ : એક્સિસ બેંક, ટેક મહિન્દ્રા, ડો.રેડ્ડીઝ, મારૂતી સુઝુકીના પરિણામો પર નજર
આગામી સપ્તાહમાં મંગળવારે ૨૪, ઓકટોબર ૨૦૨૩ના દશેરાના તહેવાર નિમિતે શેર બજારો બંધ રહેશે. જેથી ચાર ટ્રેડીંગ દિવસના સપ્તાહમાં એક તરફ ઈઝરાયેલ-હમાસ યુદ્વના ડેવલપમેન્ટ પર નજર અને યુદ્વ વિરામ થાય છે કે યુદ્વ અન્ય દેશોમાં વકરતું જોવાય છે એના પર નજર રહેશે. આ સાથે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં તોફાની વધઘટ સાથે અમેરિકી ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં અફડાતફી સાથે કોર્પોરેટ પરિણામો પર નજર રહેશે. આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંકના પરિણામોની પડનારી અસર સાથે આગામી સપ્તાહમાં જાહેર થનારા રિઝલ્ટમાં ૨૫, ઓકટોબરના એક્સિસ બેંક અને ટેક મહિન્દ્રા, ૨૬, ઓકટોબના રોજ એશીયન પેઈન્ટસ, ૨૭, ઓકટોબર ૨૦૨૩ના મારૂતી સુઝુકી ઈન્ડિયા, સિપ્લા, બજાજ ફિનસર્વ, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝના જાહેર થનારા પરિણામ પર નજર રહેશે. હવે આગામી ચાર ટ્રેડીંગ દિવસના સપ્તાહમાં સેન્સેક્સ ૬૪૭૭૭ના ટેકાએ ૬૬૧૧૧ ઉપર બંધ થતાં ૬૬૭૭૭ અને નિફટી સ્પોટ ૧૯૩૭૭ના સપોર્ટે ૧૯૭૭૭ ઉપર બંધ થવાના સંજોગોમાં ૧૯૯૭૭ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : ORIENT PAPER & INDUSTRIES LTD.
બીએસઈ(૫૦૨૪૨૦), એનએસઈ (ORIENTPPR) લિસ્ટેડ રૂ.૧ પેઈડ-અપ, પેપર, ઓટોમોબાઈલ, અર્થમુવિંગ ઈક્વિપમેન્ટ, એન્જિનિયરીંગ પ્રોડક્ટસ, બોલ બેરિંગ્સ, બિલ્ડિંગ મટીરિયલ્સ, કેમિકલ પ્લાન્ટ અને સોફ્ટવેર ડેવલપમેન્ટ વગેરે ક્ષેત્રે સક્રિય ૨.૯ અબજ ડોલરના સી.કે. બિરલા ગુ્રપની વર્ષ ૧૯૩૯માં સિંગલ પેપર મશીન સાથે શરૂ થયેલી અને હવે મલ્ટિ પ્રોડક્ટ, મલ્ટિ-લોકેશન કંપની કંપની ઓરિએન્ટ પેપર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ( ORIENT PAPER & INDUSTRIES LIMITED) છે. કંપની રાઈટીંગ, પ્રિન્ટિંગ, ઈન્ડસ્ટ્રીયલ અને સ્પેશ્યાલિટી પેપર્સની વિશાળ રેન્જના પેપર્સનું અમલાઈ, મધ્ય પ્રદેશ ખાતેની મેન્યુફેકચરીંગ સવલતોમાં ઉત્પાદન કરે છે. ટીસ્યુ પેપર બિઝનેસમાં મહત્તમ બજાર હિસ્સો ધરાવતી કંપની ઉચ્ચ મજબૂતીના પલ્પની રીફોરેસ્ટેશન સાથે, સ્પિડ પેપર મશીન્સ અને સ્વતંત્ર પાવર ઉત્પાદન સાથેની સંપૂર્ણ ઈન્ટીગ્રેટેડ સવલતો કંપની ધરાવે છે. કંપની કાચામાલથી લઈ સુપિરીયર ગુણવતાના પેપર્સ અને બોર્ડસના ઉત્પાદન પર સંપૂર્ણ અંકુશ ધરાવે છે.
પ્રોડક્ટસ : કંપનીના ઉત્પાદનો બે પ્રકારના છે, (એ) વેલ્યુ એડેડ એફએમસીજી હેલ્થ કેર પ્રોડક્ટસ (બી) રાઈટીંગ પ્રિન્ટિંગ અને સ્પેશ્યાલિટી પ્રોડક્ટસ. જેમાં (૧) ટીસ્યુ પેપર અને નેપકીન ટીસ્યુ, ફેસિયલ ટીસ્યુ, ટોવેલ ટીસ્યુઝ અને ટોઈલેટ ટીસ્યુ છે. (૨) પબ્લિશિંગ પેપર્સ, નોટબુક પેપર, કાર્ટિજ પેપર અને કપ સ્ટોક પેપર્સ છે.
ઓરિએન્ટ પેપર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર અને સીઈઓ અશ્વિન જે. લઢ્ઢાએ ૧૪, જુલાઈ ૨૦૨૩ના આપેલા સ્ટેટમેન્ટ મુજબ ચાલુ વર્ષમાં કંપનીએ કોમોડિટી પ્રોડક્ટસથી હવે માઈક્રા-હોમ માર્કેટ્સમાં વેલ્યુ એડેડ પ્રોડક્ટસને મહત્વ આપીને આ ક્ષેત્રે હરીફાઈ તરફ વળવાનું મહત્વનું પગલું લીધું છે. કંપનીએ વિશ્વના અગ્રણી ટેકનોલોજી પૂરી પાડનારા સાહસિકો સાથે કોલોબ્રેશન કરીને વિશાળ રેન્જના ઉત્પાદનો જેમ કે ૮૦ જીએસએમથી આગળ ૧૪૦ જીએસએમ કપસ્ટોક માટેની ઉત્પાદન સક્ષમતા સફળતાપૂર્વક હાંસલ કરી છે. નાણાકીય વર્ષ ૨૦૨૩માં કંપનીએ ટીસ્યુ અને ડબલ્યુપીપી સેગ્મેન્ટ્સમાં છ નવા પ્રોડક્ટસ રજૂ કર્યા છે. આ સાથે કંપનીએ આર એન્ડ ડીમાં પણ પોતાની મજબૂતી વધારી છે. જેના થકી કંપનીએ ભવિષ્યમાં તેના પોર્ટફોલિયોમાં આઠ નવા પ્રોડક્ટસ સામેલ કરવાની ક્ષમતા વિકસાવી છે.ઈન્ડસ્ટ્રીઝ ૪.૦ માટેના માર્ગે કંપનીએ ક્લોઝ્ડ-લૂપ એઆઈ-એમએલ બેઝડ મેન્યુફેકચરીંગ અને પ્રોસેસ એક્સિલન્સ સ્ટ્રેટેજી અમલીકરણના પગલાં લીધા છે. કંપનીએ તાજેતરમાં અત્યાધુનિક નવી સવલતો વિશ્વ કક્ષાની ગુણવતાના સોફ્ટ ટીસ્યુના ઉત્પાદન માટે સ્થાપી છે. કંપનીના ઉત્પાદનો ઘણા દેશોમાં માગ છે અને કંપની નિયમિત આફ્રિકા, મિડલ ઈસ્ટ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળમાં નિકાસ કરે છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : સી.કે.બિરલા ગુ્રપના ૩૮.૭૪ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ, મ્યુચ્યુઅલ ફંડો પાસે ૭.૫૧ ટકા પૈકી નિપ્પોન લાઈફ ઈન્ડિયા ટ્રસ્ટી પાસે ૨.૧૪ ટકા, એચએસબીસી સ્મોલ કેપ ફંડ પાસે ૨.૮૯ ટકા, ક્વોન્ટ મ્યુ. ફંડ પાસે ૨.૪૮ ટકા, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો પાસે ૧.૭૮ ટકા, ફોરેન કંપનીઓ પાસે ૧.૮૦ ટકા, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો પૈકી અનિલ કે. પોદ્દાર પાસે ૧.૦૯ ટકા, કોર્પોરેટ બોડીઝ પાસે ૧૪.૫૮ ટકા અને રૂ.૨ લાખ સુધીની વ્યક્તિગત શેરમૂડીધારકો પાસે ૨૮.૭૭ ટકા હોલ્ડિંગ છે.
ડિવિન્ડ : માર્ચ ૨૦૨૦માં ૫૦ ટકા, માર્ચ ૨૦૨૧માં ૨૫ ટકા, માર્ચ ૨૦૨૨માં ૨૫ ટકા, માર્ચ ૨૦૨૩માં ૧૦૦ ટકા
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૦માં રૂ.૫૯.૫૧, માર્ચ ૨૦૨૧માં રૂ.૬૯.૧૮, માર્ચ ૨૦૨૨માં રૂ.૭૩.૧૮, માર્ચ ૨૦૨૩માં રૂ.૭૧.૪૨, અપેક્ષિત માર્ચ ૨૦૨૪માં રૂ.૭૮
બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૮૬માં ૧:૧ શેર થકી કુલ ઈક્વિટીમાં ૫૧ ટકા બોનસ ઈક્વિટી.
શેર વિભાજન : વર્ષ ૨૦૧૭-૨૦૦૮માં રૂ.૧૦ પેઈડ-અપ શેરનું રૂ.૧ પેઈડ-અપ શેરમાં વિભાજન
રાઈટ ઈસ્યુ : કંપનીએ શેર દીઠ રૂ.૩૫ ભાવે (રૂ.૧ પેઈડ-અપ) દરેક ૧૦ શેર દીઠ ત્રણ શેર રાઈટ ઈસ્યુ કરેલા છે.
શેર દીઠ કમાણી(ઈપીએસ) : માર્ચ ૨૦૨૦માં રૂ.૦.૯૪, માર્ચ ૨૦૨૧માં -રૂ.૨.૧૯, માર્ચ ૨૦૨૨માં -રૂ.૧.૩૬, માર્ચ ૨૦૨૩માં રૂ.૪.૫૮, અપેક્ષિત માર્ચ ૨૦૨૪માં રૂ.૬.૫૦
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૨ થી માર્ચ ૨૦૨૩ :ચોખ્ખી આવક રૂ.૯૭૨ કરોડ મેળવી એનપીએમ-નેટ પ્રોફિટ માર્જિન ૧૦.૨૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૯૯.૨૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૪.૬૮ હાંસલ કરી હતી.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩ :ચોખ્ખી આવક ૧૮.૭૮ ટકા વધીને રૂ.૨૫૩.૭૮ કરોડ મેળવીને એનપીએમ ૧૨.૬૮ ટકા થકી ચોખ્ખો નફો ૧૩૦ ટકા વધીને રૂ.૩૨.૧૮ કરોડ નોંધાવી શેર દીઠ ત્રિમાસિકની આવક-ઈપીએસ રૂ.૦.૧૧ થી વધીને રૂ.૧.૫૨ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત નવ માસિક જુલાઈ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ :અપેક્ષિત ચોખ્ખી આવકરૂ.૮૩૦ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૧૦૬.૨૫ કરોડ થકી શેર દીઠ નવ માસિક આવક-ઈપીએસ રૂ.૫ અપેક્ષિત છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ :અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૧૦૮૩ કરોડ મેળવી ચોખ્ખો નફો રૂ.૧૩૮.૪૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬.૫૦ અપેક્ષિત છે.
આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં.(૨) ૨.૯ અબજ ડોલરના સી.કે.બિરલા ગુ્રપના ૩૮.૭૪ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની કંપની (૩) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૩ થી જૂન ૨૦૨૩માં ચોખ્ખા નફામાં ૧૩૦ ટકા વૃદ્વિ નોંધાવનાર (૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬.૫૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૭૮ સામે રૂ.૧ પેઈડ-અપ શેર બીએસઈ પર રૂ.૫૦.૩૦ ( એનએસઈ પર રૂ.૫૦.૧૦) ભાવે ૭.૭૦ના પી/ઈએ ઉપલબ્ધ છે. જે કંપનીને ૧૧ થી ૧૨નો પી/ઈએ મળવો જોઈએ.