- સાત પૈકી પાંચ AMC હદમાં, 1 વૈષ્ણોદેવી સર્કલ-GMCમાં અને 1 ઔડાની હદમાં સ્થપાશે
- દુબઈ અને સિંગાપોરનું સ્વરૂપ આપવા ક્વાયત હાથ ધરાઈ
- અગાઉ 100 મીટરથી ઊંચી 15 ગગનચુંબી ઇમારતોને પરમિશન અપાઈ ચૂકી છે
ગુજરાતમાં અત્યારે 100 મીટરથી વધુ હાઇટ ધરાવતા 15 ટોલ આઇકોનિક બિલ્ડિંગ્સમાં વધુ 7 ગગનચુંબી ઇમારતોનો ઉમેરો થશે. આ સાત પૈકી પાંચ નવા ટોલ બિલ્ડિંગ્સ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં એક ઔડા વિસ્તારમાં અને એક ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સ્થપાશે. અંદાજે રૂ.4,038 કરોડના રોકાણથી સર્જાનારા આ નવા ટોલ બિલ્ડિંગ્સ માટે શહેરી વિકાસ વિભાગે સત્તાવાર મંજૂરી આપી દીધી છે, હવે ફક્ત 15મી ડિસેમ્બરે દસમી વાઇબ્રન્ટ સમિટના પૂર્વાર્ધમાં યોજાનારા શહેરી વિકાસ વિભાગના સેમિનારમાં નવા બિલ્ડિંગ્સના પ્રમોટરો સાથે ઔપચારિક એમઓયુ થશે. અગાઉ જે 100 મીટરથી ઊંચા 15 બિલ્ડિંગ્સને પરમિશન અપાઈ છે અને અત્યારે કન્સ્ટ્રક્શન પ્રગતિમાં છે તે પૈકી 12 બિલ્ડિંગ્સ અમદાવાદ મ્યુનિ.કોર્પો.તથા ઔડાની હદમાં સ્થપાઈ રહ્યાં છે, જ્યારે એક-એક બિલ્ડિંગ્સ સુરત, વડોદરા, ગાંધીનગર મ્યુનિ. કોર્પો.ની હદમાં બની રહી છે. આમ રાજ્ય સરકારે દુબઈ-સિંગાપોરની માફક આકાશ ચુંબતા 100 મીટરથી ઊંચા બિલ્ડિંગ્સ બાંધવા માટે 18 ઓગસ્ટ-2020ના રોજ જાહેરનામા દ્વારા ખાસ નીતિ બહાર પાડી એ પછી અત્યાર સુધી 3 વર્ષમાં કુલ 22 બિલ્ડિંગ્સને પરમિશન અપાઈ છે.


