ભારતભરમાં ભગવાન શિવજીનાં એવાં ઘણાં મંદિર છે, જેને જોઇને ધન્યતા અનુભવાય છે. આ શિવ ભગવાનનાં મંદિરોમાં કેટલાંક એવાં પણ મંદિરો છે, જે ખૂબ જ પ્રાચીન છે. સામાન્ય રીતે ભારતમાં જેટલાં પણ રાજ્યો છે ત્યાં ભગવાન શંકરનાં અનેકો મંદિર જોવા મળે જ છે. આ મંદિરોમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર આવતું હોય છે.
એવી જ રીતે ચેન્નઇના મલયપુરમાં ભગવાન શંકરનું કપાલેશ્વર મંદિર આવેલું છે, જે 12 જ્યોતિર્લિંગો પછીનું ધાર્મિક રીતે સૌથી વધુ મહત્ત્વનું મંદિર ગણવામાં આવે છે. આ મંદિરમાં માત્ર ભારતભરમાંથી જ નહીં, વિશ્વભરમાંથી શ્રદ્ધાળુઓ ભગવાન શિવજીના દર્શનાર્થે આવતા હોય છે. અહીં શ્રદ્ધાળુઓ ભગવાન શિવની પૂજા કરીને ધન્યતા અનુભવે છે. આ મંદિરને લઇને એવી ધાર્મિક માન્યતા પણ છે કે, જે શ્રદ્ધાળુ અહીં સાચા મનથી દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામના મનોમન જણાવે છે, તેની તમામ મનોકામના પૂર્ણ થઇ જાય છે.
કપાલેશ્વર મંદિર
ચેન્નઇના દક્ષિણ ભાગમાં આવેલા માયલાપુરમાં કપાલેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. મૂળ આ મંદિર ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે, જેને અહીંની સ્થાનિક ભાષામાં કર્પગમબલ કહેવામાં આવે છે. કપાલેશ્વર મંદિરનું નિર્માણ સાતમી સદીની આસપાસ પલ્લવ રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હતું એવું ઇતિહાસકારોનું માનવું છે. કપાલેશ્વર મંદિર વાસ્તુશિલ્પની દૃષ્ટિએ પણ વિશેષ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. મંદિરની વાસ્તુશિલ્પ બનાવટ દ્રવિડ શૈલીથી ઘણી મળતી આવે છે. તેથી ચોક્કસથી કહી શકાય કે તે સમયે દ્રવિડ શૈલીનો ભારે દબદબો હતો. તે સમયે મોટાભાગનાં મંદિરોમાં દ્રવિડ શૈલી વાપરવામાં આવતી હતી. જોકે, પોર્ટૂગીઝ સંશોધકોએ આ મંદિરને ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું અને તેને નષ્ટ પણ કરી નાખ્યું હતું. ત્યારબાદ સોળમી સદીમાં વિજયનગરના રાજાએ ફરીથી આ મંદિરનું નિર્માણ કર્યું હતું. આ મંદિર નિર્માણ કરવામાં વિજયનગરના રાજાઓએ કોઇ કસર બાકી રાખી નહોતી અને મંદિરને સુંદર રીતે બનાવવામાં આવ્યું હતું. મંદિરની વાસ્તુકલા પણ સૌ કોઈને આકર્ષે તે રીતે બનાવવામાં આવી હતી.
કપાલેશ્વર મંદિરની વાસ્તુકલા
કપાલેશ્વર મંદિર દ્રવિડ વાસ્તુકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે. આ મંદિર સાતમી સદીમાં પલ્લવ રાજા દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિરની વર્તમાન સંરચના વિજયનગરના રાજાઓ દ્વારા સોળમી સદીની આસપાસ બનાવાઈ હતી. મંદિરનું મુખ્ય ભવન કાળા પથ્થરથી બનાવવામાં આવ્યું છે. આ મંદિરનાં મુખ્ય બે દ્વાર છે અને વિશાળ ગોપુરમ પણ છે. મંદિરનું મુખ્ય ગોપુરમ 120 ફૂટ ઊંચું છે, જે વર્ષ 1906માં બનાવવામાં આવ્યું હતું. મંદિરનું અન્ય નકશીકામ પણ આકર્ષણ જન્માવે એવું છે.
મંદિરના તહેવારો
કપાલેશ્વર મંદિરમાં મોટાભાગના તહેવારો ઊજવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને અહીં બ્રહ્મોત્સવનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. બ્રહ્મોત્સવ વર્ષનો મોટામાં મોટો તહેવાર મનાય છે. આ તહેવારે અહીં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. બ્રહ્મોત્સવને માણવા માટે રાજ્યની આસપાસના લોકો અને ભારતના લોકો પણ શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવપૂર્વક અહીં આવતા હોય છે. મંદિરમાં શ્રાવણ મહિનો પણ ખૂબ જ ધામધૂમથી ઊજવાય છે. શ્રાવણ મહિનામાં અહીં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શિવના આશીર્વાદ લેવા આવે છે અને ભગવાન શિવનાં દર્શન કરીને ધન્યતા અનુભવે છે.
પૌરાણિક કથા
કપાલેશ્વર મહાદેવ મંદિરને લઇને એક પ્રચલિત પૌરાણિક કથા છે. આ કથામાં જણાવ્યા અનુસાર કોઇ એક શાપને કારણે માતા પાર્વતી મોર બની ગયાં હતાં અને તેથી તેઓ તેમના મૂળ સ્વરૂપમાં આવવા માંગતાં હતાં. પોતાના અસલ સ્વરૂપમાં આવવા માટે તેમણે તપ કરવાનો શુભારંભ કર્યો. તેમણે ઘણાં વર્ષો સુધી તપ કર્યું અને શિવલિંગની પૂજા-અર્ચના પણ કરી. અંતે આકરા તપ બાદ માતા પાર્વતી તેમના મૂળ સ્વરૂપમાં આવી ગયાં હતાં.
કપાલેશ્વર મંદિરનું આકર્ષણ
કપાલેશ્વર મંદિર જેટલું બહારથી આકર્ષિત કરે છે તેટલું જ અંદરથી પણ આકર્ષિત કરે છે. અંદર મંદિરમાં 60થી પણ વધુ મૂર્તિઓ જોવા મળે છે. મંદિર પરિસરની આસપાસ બે મોટા સભાખંડ છે અને નજીકમાં જ ગૌશાળા છે. આ ગૌશાળામાં ભક્તો ગાયની પૂજા-અર્ચના કરે છે અને તેમને ઘાસ પણ ખવડાવતા હોય છે. કપાલેશ્વર મંદિરના પરિસરમાં ભગવાન શિવને ભોગ ચઢાવવામાં આવે છે. આ ભોગમાં અનેક પ્રકારનાં ફળોની સુંદર રંગોળી પણ બનાવવામાં આવે છે. એટલે કે તે ફળોને આકર્ષિત રીતે સજાવવામાં આવે છે. મંદિરનાં પગથિયાં ઊતરતાં જ સામેથી ગોદાવરી નદી વહેતી નજરે ચડે છે. જે જોઇને સૌ શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે.
કપાલેશ્વરમાં રામકુંડ
કપાલેશ્વર મહાદેવ મંદિરમાં પ્રસિદ્ધ રામકુંડ આવેલો છે. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રીરામે આ જ કુંડમાં પોતાના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કરાવ્યું હતું.
કપાલેશ્વર મહાદેવ મંદિર ખૂલવાનો સમય
કપાલેશ્વર મહાદેવ મંદિર સવારે 6: 00 વાગ્યે ખોલવામાં આવે છે. ત્યારબાદ બપોરના 12 : 30થી 4 : 00 વાગ્યા સુધી મંદિર બંધ રાખવામાં આવે છે. આ મંદિર રાત્રિના 9 : 30 સુધી ખુલ્લું રહે છે.
કેવી રીતે પહોંચશો?
જો તમે હવાઇ માર્ગથી અહીં પહોંચવા માંગો છો તો સૌથી નજીકનું એરપોર્ટ ચેન્નઇ એરપોર્ટ અંદાજે 16 કિમી દૂર છે. અહીંથી મંદિર પહોંચવા ટેક્સી, કેબ કે અન્ય ખાનગી વાહનો સરળતાથી મળી શકે છે. જો તમે ટ્રેન દ્વારા અહીં પહોંચવા માંગો છો તો સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન માઇલાપુરથી અંદાજિત 8 કિમી જ દૂર છે. તમે અહીંથી પણ ખાનગી વાહનો કેબ-ટેક્સી કરી શકો છો. જ્યારે તમે સડક માર્ગે અહીં આવવા માંગતા હોવ તો કપાલેશ્વર મંદિર ચેન્નઇ શહેરથી માત્ર 8 કિમી દૂર છે. આ શહેર દેશના તમામ ભાગોમાંથી રાષ્ટ્રીય રાજમાર્ગ અને રાજ્ય રાજમાર્ગ દ્વારા તમિલનાડુ રાજ્યના અન્ય ભાગોથી જોડાયેલું છો. અહીં દક્ષિણ ભારતનાં તમામ શહેરોમાંથી સરકારી બસો અને ખાનગી બસો પણ ઉપલબ્ધ છે.