- ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનનું ફૈઝાબાદ
- રિકટર સ્કેલ ઉપર ભૂકંપની તીવ્રતા 6.2 નોંધાઈ
- ભારત, અફઘાનિસ્તાન તેમજ પાકિસ્તાનમાં ધરતીકંપ અનુભવાયો
ગુરુવારની બપોરે ફરી એકવાર એકસાથે ત્રણ-ત્રણ દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અફઘાનિસ્તાન, ભારત અને પાકિસ્તાનમાં ભૂકંપનો તીવ્ર આંચકો આવ્યો હતો. રિક્ટર સ્કેલ ઉપર આ ભૂકંપની તીવ્રતા 6.2 જેટલી નોંધવામાં આવી હતી. ખૂબ લાંબા સમય સુધી આ ભૂકંપ અનુભવાતા લોકોમાં રીતસરનો ડરનો માહોલ છવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનનું ફૈઝાબાદ હોવાનું નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં પ્રચંડ ભૂકંપ આવ્યા હતા જેમાં ઘણું નુકસાન પણ થયું હતું. જો કે ગુરુવારે બપોરે આવેલા ધરતીકંપથી નુકસાન અંગેના કોઈ અહેવાલ નથી સાંપડયા.
પાકિસ્તાનમાં ક્યાં આવ્યો ધરતીકંપ?
ધરતીકંપના આંચકા માત્રે દિલ્હી, પાકિસ્તાન પૂરતા જ નહીં પરંતી સીમાડા વટાવીને અફઘાનિસ્તાન સુધી ફેલાઈ ગયા હતા. પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી, ઈસ્લામાબાદ, પેશાવર સહિતના શહેરોમાં ભૂકંપની અસર કેટલીક સેકન્ડ સુધી રહી હતી. જેથી લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
શા માટે આવે છે ભૂકંપ?
ધરતીકંપ શા માટે આવે છે એ માટે આપણે પૃથ્વીની સંરચનાને સમજવી પડશે.પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર આવેલી છે. આની નીચે તરતા પદાર્થ તરીકે લાવા રહેલો છે. આની પર ટેક્ટોનિક પ્લેટ્સ તરતી રહે છે. ઘણીવાર આ પ્લેટ્સ પરસ્પર ટકરાઈ જતી હોય છે. વારંવાર ટકરાતા પ્લેટસના ખૂણા વળી જતા હોય છે. વધુ દબાણને લીધે આ પ્લેટ્સ તૂટવા લાગે છે. આવામાં નીચેથી નીકળેલી ઊર્જા બહારની તરફ ધકેલવા રસ્તો શોધતી હોય છે. જ્યારે આમાં ડિસ્ટર્બન્સ આવે તો આને ભૂકંપ કહેવામાં આવે છે.


