- સમાન તક મળે તે માટેની માગણી કરતો વિપક્ષનો CMને પત્ર
- ગણિત-રિઝનિંગના ગુણભારમાં અન્ય પરીક્ષા કરતાં અનેક વિસંગતતા
- એલઆરડીની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-એ માં જ 60 માર્કસનું ગણિત અને રિઝનિંગ રાખવામાં આવ્યું
પીએસઆઈ અને એલઆરડીની ભરતી પ્રક્રિયા માટે જાહેર કરાયેલા અભ્યાસક્રમોમાં અનેક વિસંતગતાઓ છે, જેને દૂર કરી દરેકને સમાન તક મળે તે માટેની માગણી કરતો પત્ર કોંગ્રેસના પ્રવકતાએ રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો છે.
પીએસઆઈની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-એમાં 100 માર્કસનું ગણિત અને રિઝનિંગ રાખવામાં આવ્યું છે, જેમાં પાસ થવા માટે 40 ટકા ગુણ લાવવા ફરજિયાત છે, એલઆરડીની પ્રાથમિક કસોટીમાં પાર્ટ-એ માં જ 60 માર્કસનું ગણિત અને રિઝનિંગ રાખવામાં આવ્યું છે, જેમાં પાસ થવા માટે 40 ટકા ગુણ લાવવા ફરજિયાત છે. ગણિત અને રિઝનિંગ વિષય ગુણભાર અંગે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ કરતાં અનેક વિસંગતતા જોવા મળી રહી છે.
જીપીએસસી વર્ગ-1-2ની પરીક્ષામાં 400 માર્કસની પ્રિલિમમાં મેથ્સ રિઝનિંગ 50 માર્કસનું છે એટલે કે 12.5 ટકા વેઈટેજ છે. નાયબ મામલતદાર અને ડેપ્યુટી સેક્શન અધિકારીની 200 માર્કસની પરીક્ષામાં મેથ્સ – રિઝનિંગ 25 માર્કસનું છે એટલે કે 12.5 ટકા વેઈટેજ છે જ્યારે પીએસઆઈના પેપરમાં મેથ્સ રિઝનિંગ 100 માર્કસનું એટલે કે 100 ટકાનું વેઈટેજ છે. એલઆરડીના પેપરમાં મેથ્સ રિઝનિંગ 60 માર્કસનું એટલે કે 75 ટકા વેઈટેજ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં ગણિત વિષય માટે 15થી 20 ટકાનું વેઈટેજ છે.


