આખરે હવે પાકિસ્તાનની શાન ઠેકાણે આવી છે અને ભારત સાથે વાત કરીને શાંતિ સ્થાપિત કરવાની ઈચ્છા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે વ્યક્ત કરી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈરાનમાં કહ્યું કે તેઓ ભારત સાથે દરેક મુદ્દા પર વાત કરવા તૈયાર છે અને તેમનો દેશ વાતચીત કરવા ઈચ્છે છે.
આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને કોર્નરાઇઝ્ડ અનુભવી રહ્યું છે અને ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
કાશ્મીર અને પાણીના મુદ્દા પર વાત કરવા તૈયાર: શાહબાજ શરીફ
ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનને સમજાયું છે કે ભારત હવે પાછળ હટશે નહીં અને આતંકવાદ સામે મજબૂત વલણ અપનાવશે. પાકિસ્તાનના પીએમ શાહબાજ શરીફ ચાર દેશોના પ્રવાસે છે. તેઓ 25થી 30 મે, 2025 દરમિયાન તુર્કી, ઈરાન, અઝરબૈજાન અને તાજિકિસ્તાનની મુલાકાત લેશે. પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે તેઓ કાશ્મીર અને પાણીના મુદ્દા પર વાત કરવા તૈયાર છે.
આતંકવાદ ઉપરાંત વેપાર પર પણ ચર્ચા થઈ શકે છે. તેમણે એમ પણ કહ્યું કે જો ભારત આક્રમક વલણ અપનાવે છે તો તેઓ જવાબ કેવી રીતે આપવો તે પણ જાણે છે. જેમ થોડા દિવસ પહેલા આપ્યું હતું. પાકિસ્તાનના પીએમએ દાવો કર્યો હતો કે ભારત સાથેના ચાર દિવસના સંઘર્ષમાં પાકિસ્તાન જીતી ગયું છે.
ભારતનું વલણ સ્પષ્ટ છે
ભારતે પોતાના વલણને સ્પષ્ટ કરતા પાકિસ્તાનને સ્પષ્ટ કરી દીધું છે કે હવે પાકિસ્તાન સાથે વાતચીત ફક્ત POK પરત ફરવા અને આતંકવાદના મુદ્દા પર જ થશે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. જે પછી ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે 7થી 10 મે દરમિયાન પાકિસ્તાન અને POKમાં સ્થિત લશ્કરી અને આતંકવાદી ઠેકાણાઓને તોડી પાડ્યા. ભારત દ્વારા કરવામાં આવેલી જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું. જે બાદ તેમણે જમીન સંઘર્ષ બંધ કરવા વિનંતી કરી. જે બાદ બંને વચ્ચે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ હતી.