- કાનપુર ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ સ્પર્ધામાં
- શૈલેષ મોહનભાઇ પગીએ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા
- સહયોગી સંસ્થા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના પ્રયત્નોની પ્રસંશા કરી
કહેવાય છે ને કે અથાગ પરિશ્રામનો કોઈ વિકલ્પ નથી હોતો તેને સાર્થક કરતા મહીસાગર જિલ્લાના દેગમડા ગામના મનોદિવ્યાંગ રમતવીરે રાષ્ટ્રીય કક્ષાએ પાવર લીફ્ટીંગની રમતમાં મહીસાગર જિલ્લાનું અને પરિવારનું નામ રોશન કર્યુ છે. ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા આયોજિત પાવર લીફ્ટીંગ સ્પર્ધાની અલગ અલગ ત્રણ કેટેગરીમાં જબરદસ્ત રમતનું પ્રદર્શન કરતાં મહીસાગર જિલ્લામાં દેગમડા ગામના શૈલેષ મોહનભાઇ પગીએ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા છે.
શૈલેષ પગીની આ સિદ્ધી બદલ મહીસાગર જિલ્લા કલેકટર નેહાકુમારીએ અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા જિલ્લા વહીવટી તંત્ર તરફ્થી હર સંભવ તમામ સહયોગની ખાતરી આપી હતી. તેમણે વિશિષ્ટ શિક્ષકો તેમજ સહયોગી સંસ્થા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના પ્રયત્નોની પ્રસંશા કરી હતી.કાનપુર ખાતે શૈલેષ પગીએ ત્રણ ઇવેન્ટ પાવર લીફ્ટિંગ બેન્ચ પ્રેસ – ગોલ્ડ મેડલ, ડેડલીફ્ટ-ગોલ્ડ અને સ્વોટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. અગાઉ પણ મધવાસ કલસ્ટરના વિશિષ્ઠ શિક્ષક દિનેશ સથવારાના માર્ગદર્શનમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દોડની રમતમાં રાજયકક્ષા સુધી સ્થાન પ્રાપ્ત કર્યું હતું.


