- ગઇકાલે અજીત પવાર જુથના પક્ષમાં ચૂંટણી પંચે આપ્યો હતો ચુકાદો
- EC સમક્ષ શરદ પવાર જૂથે રજૂ કર્યા હતા ત્રણ નામના વિકલ્પ
- ચૂંટણી પંચે ‘NCP શરદ ચંદ્ર પવાર’ નામને મંજૂરી આપી
શરદ પવારની પાર્ટીએ ચૂંટણી પંચ પાસે ત્રણ નામોની માંગણી કરી છે. જેમાં ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવારના નામને મંજૂરી આપી છે. શરદ પવાર જુથ તરફથી ચૂંટણી પક્ષ સમક્ષ ત્રણ નામ, (1) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવાર (2) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ ચંદ્ર પવાર અને (3) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદરાવ પવાર એ ત્રણ નામો આપવામાં આવ્યા હતા. જેમાંથી ચૂંટણી પંચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદચંદ્ર પવાર નામ પર મહોર મારી છે.
અજીત પવાર જુથના પક્ષમાં ચૂંટણી પંચનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, ગઇકાલે NCP નેતા શરદ પવારને ચૂંટણી પંચે મોટો ઝટકો આપતા અજિત પવાર જૂથને અસલ NCP ગણાવી હતી. ચૂંટણી પંચે કહ્યું હતું કે તમામ પુરાવા ધ્યાનમાં લેતા નિર્ણય કરાયો છે કે અજિત પવાર અને તેમની સાથે ગયેલા ધારાસભ્યો જ અસલ NCP છે. અજિત પવાર જૂથને NCPના નામ અને ચૂંટણી ચિહન ઘડિયાળનો ઉપયોગ કરવાનો અધિકાર છે.
6 મહિનાથી ચાલી રહ્યો હતો વિવાદ
ચૂંટણી પંચે 6 મહિનાથી પણ વધુ સમય સુધી ચાલેલી સુનાવણી બાદ મંગળવારે અજિત પવાર જૂથની તરફેણમાં આદેશ સંભળાવ્યો. શરદ પવાર જૂથે ચૂંટણી પંચના નિર્ણયને લોકશાહીની હત્યા તરીકે ગણાવ્યો હતો. અજિત પવાર જુલાઇ, 2023માં શરદ પવાર વિરુદ્ધ બળવો કરી NCPના 40 ધારાસભ્ય સાથે શિંદે સરકારમાં જોડાયા હતા.
જાણો કયું હશે ચૂંટણી ચિન્હ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, NCPનું સુકાન ગુમાવ્યા બાદ શરદ પવાર નવા નામ સાથે ‘ચાનો કપ’ લઈ શકે છે. તેમણે ચાના કપની સાથે સાથે સૂરજમુખીનું ફૂલ, અને ઊગતો સૂરજ ચૂંટણી ચિન્હ તરીકે પસંદ કર્યા છે અને ચૂંટણી પંચ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે.


