શરદપૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા તરીકે પણ મનાવવામાં આવે છે. જ્યોતિષીઓના મત અનુસાર સમગ્ર વર્ષમાં માત્ર આ જ દિવસે ચંદ્રદેવ સોળે કળાઓ સાથે પરિપૂર્ણ થાય છે અને તેના પ્રકાશ દ્વારા પૃથ્વી પર અમૃતવર્ષા કરે છે. ધર્મશાસ્ત્રોમાં વર્ણિત કથાઓ અનુસાર દેવી-દેવતાઓને પ્રિય પુષ્ય બ્રહ્મકમળ માત્ર આ જ રાત્રિએ ખીલે છે. તેના વડે માતા લક્ષ્મીનું પૂજન કરવાથી વિશેષ કૃપા મળે છે. એવું પણ કહેવાય છે કે આ મનોહર પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓ સાથે રાસ રચાવ્યા હતા. આજે પણ શરદપૂર્ણિમાના દિવસે રાસ-ગરબા રમાય છે.
હિન્દુ પંચાંગ અનુસાર આખા વર્ષમાં બાર પૂર્ણિમા એટલે કે પૂનમ આવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પોતાના સંપૂર્ણ આકારમાં હોય છે. આ દિવસે ચંદ્રમાનું અતુલ્ય સૌંદર્ય જોવા મળે છે. વિદ્વાનોના મતાનુસાર પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ આકારનો હોવાને કારણે સમગ્ર વર્ષ દરમિયાન આવતી પૂર્ણિમા વ્રત સમાન હોય છે, પરંતુ આ બધી જ પૂર્ણિમાઓમાં આસો માસની પૂર્ણિમાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પૂર્ણિમા શરદ ઋતુમાં આવવાને કારણે તેને શરદપૂર્ણિમા પણ કહે છે. શરદ ઋતુની આ પૂર્ણિમાએ ચંદ્રનો અશ્વિની નક્ષત્ર સાથે સંયોગ થાય છે. અશ્વિની એ 27 નક્ષત્રોમાં પ્રથમ નક્ષત્ર છે. તેના સ્વામી અશ્વિનીકુમાર છે.
એક કથા અનુસાર ચ્યવન ઋષિને આરોગ્યના પાઠ અને ઔષધિઓનું જ્ઞાન અશ્વિનીકુમારોએ જ આપ્યું હતું. આ જ જ્ઞાન આજે હજારો વર્ષો પછી પણ આપણી પાસે સચવાયેલું છે. અશ્વિનીકુમાર આરોગ્યના સ્વામી છે અને પૂર્ણ ચંદ્રમા અમૃતના સ્ત્રોત છે. તેને કારણે એવું માનનવામાં આવે છે કે શરદપૂર્ણિમાએ બ્રહ્માંડમાંથી અમૃતની વર્ષા થાય છે.
મહાલક્ષ્મી-કુબેરને પ્રસન્ન કરવાનો અવસર
લક્ષ્મીમાતાના કોજાગ્રત વ્રતનું વિશેષ મહત્ત્વ છે. શરદપૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજીની મૂર્તિની સ્થાપના કરીને તેમની વિધિવત્ પૂજા કરવી જોઈએ. ત્યારબાદ સંધ્યાકાળે ચંદ્રોદય થાય ત્યારે ઘીના સો દીવા પ્રગટાવવા જોઈએ. આ દિવસે મધ્ય રાત્રિએ મહાલક્ષ્મી પોતાનાં કરકમળો દ્વારા આશીર્વાદ વરસાવતાં પૃથ્વી પર વિચરણ કરે છે અને જાગરણ કરનારને ધન-સમૃદ્ધિ આપે છે. કોજાગરી વ્રત લક્ષ્મીજીને પ્રસન્ન અને સંતુષ્ટ કરનારું વ્રત છે. શરદપૂર્ણિમા શ્રીયંત્ર અને કુબેર યંત્રને સિદ્ધ કરવાનો તથા એક રાત્રિની પૂજામાં મહાલક્ષ્મીજી અને કુબેરને પ્રસન્ન કરવાની સોનેરી તક છે. ભગવાન વિષ્ણુની પૂજાનું પણ સવિશેષ મહત્ત્વ છે.
ખીરનો ભોગ
શરદપૂર્ણિમાની રાત્રે ગાયના દૂધમાંથી બનેલી ખીર (દૂધ-પૌંઆ)ને ચંદ્રના પ્રકાશમાં રાખીને તેને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે. શરદપૂર્ણિમાના ચંદ્રના પ્રકાશમાં અમૃતનો અંશ હોય છે, તેથી એવી માન્યતા છે ચંદ્રપ્રકાશમાં રાખવામાં આવેલી ખીરમાં ચંદ્રમાની અમૃત બુંદો તે ભોજનમાં આવી જાય છે અને તેનું સેવન કરવાથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ શરદપૂર્ણિમાના ચંદ્રપ્રકાશના ઔષધીય મહત્ત્વનું વર્ણન જોવા મળે છે.
શરદપૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્ત્વ
શરદપૂર્ણિમાની રાત્રિનું વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે. આ સમય દરમિયાન વાતાવરણ અને ઋતુમાં ફેરફારની શરૂઆત થાય છે અને શિયાળાનું આગમન થાય છે. શરદપૂર્ણિમાની રાત્રે મોડા સુધી જાગીને ખીર કે દૂધ-પૌંઆનું સેવન કરવું તે એ વાતનું પ્રતીક છે કે શિયાળાની ઋતુમાં આપણે ગરમ પદાર્થોનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી જ આપણને જીવનદાયીની ઊર્જા મળે છે.
શરદપૂર્ણિમા અને મહારાસ
શરદપૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણએ અગિયાર વર્ષની ઉંમરે શ્રીધામ વૃંદાવનના વંશીવટ ક્ષેત્રસ્થિત યમુનાતટે નવ લાખ વ્રજગોપીઓ સાથે દિવ્ય મહારાસલીલા કરી હતી. યોગમાયાના બળે તેમણે દરેક ગોપી સાથે એક-એક શ્રીકૃષ્ણ પ્રગટ કર્યા. ત્યારબાદ મહારાસલીલા કરી. જેમાં ભગવાન શિવજી ગોપીનું સ્વરૂપ ધારણ કરીને આ લીલાને જોવા માટે આવ્યા હતા. ત્યારથી ભગવાન શિવનું એક નામ ગોપીરામ મહાદેવ તથા ભગવાન શ્રીકૃષ્ણનું નામ રાસેશ્વર શ્રીકૃષ્ણ પડ્યું.
રાસલીલા વાસ્તવમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા દુનિયાને આપવામાં આવેલો પ્રેમસંદેશ છે. રાસલીલાનો અર્થ સંપૂર્ણ રીતે આધ્યાત્મ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણએ વ્રજની ગોપીઓ સાથે રાસલીલા કરી ત્યારે ત્યાં જેટલી પણ ગોપીઓ હતી તેમને એવું લાગી રહ્યું હતું કે તે શ્રીકૃષ્ણ સાથે રાસ રમી રહી છે. આવી અનુભૂતિથી ગોપીઓને પરમાનંદની પ્રાપ્તિ થઈ હતી. જીવનમાં નૃત્ય દ્વારા મળનારું આધ્યાત્મિક સુખ તે મહારાસનું જ એક રૂપ છે.
ભગવાન શ્રીકૃષ્ણએ આ જ સંદેશ બાળપણમાં ગોપીઓ અને રાસલીલાના માધ્યમથી જગતને આપ્યો છે. રાસલીલા દરેક ગોપીનો શ્રીકૃષ્ણ સાથે રાસ રમવાનો અનુભવ જ ઈશ્વરના સર્વવ્યાપક હોવાનું સૌથી મોટું પ્રમાણ છે. વ્રજમાં શરદપૂર્ણિમાના અવસરે આજે પણ રાસલીલા અને શ્રીકૃષ્ણ લીલાઓનો આનંદ લેવામાં આવે છે. આ રાસોત્સવને કૌમુદ્રી મહોત્સવ પણ કહે છે. એવું કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણની રાસલીલામાં તેમના પરમ ભક્ત નરસિંહ મહેતા એવા તો ખોવાઈ ગયા હતા કે મશાલની અગ્નિ ધીરે-ધીરે તેમના હાથે પહોંચી અને તેમનો અડધો હાથ બળી ગયો તેનું પણ તેમને ભાન ન રહ્યું.
શરદપૂર્ણિમાની કથા
એક શાહુકારને બે પુત્રીઓ હતી. બંને પુત્રીઓ શરદપૂર્ણિમાનું વ્રત રાખતી હતી. મોટી પુત્રી વિધિવિધાન સાથે સંપૂર્ણ વ્રત કરતી હતી, પરંતુ નાની પુત્રી અધૂરું વ્રત કરતી હતી. તેનું પરિણામ એ આવ્યું કે નાની પુત્રીનું સંતાન જન્મતાંની સાથે જ મૃત્યુ પામતું હતું. જ્યારે વિદ્વાન પંડિતોને આમ થવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેઓએ જણાવ્યું કે તું પૂર્ણિમાનું વ્રત અધૂરું કરતી હતી, તેને કારણે તારાં સંતાનો જન્મતાંની સાથે જ મૃત્યુ પામે છે. શરદપૂર્ણિમાનું વ્રત વિધિપૂર્વક સંપૂર્ણ રીતે કરવામાં આવે તો તારાં સંતાનો જીવતાં રહી શકે છે. તેણે પંડિતોની સલાહ પ્રમાણે શરદપૂર્ણિમાનું વ્રત સંપૂર્ણ વિધિવિધાનપૂર્વક કર્યું. તેને ત્યાં પુત્રનો જન્મ થયો, પરંતુ થોડી વારમાં તે મૃત્યુ પામ્યો.
તેણે પુત્રને લાકડાના પાટલા પર સુવડાવ્યો અને તેના પર કપડું ઢાંકી દીધું. પછી મોટી બહેનને બોલાવી અને તેને બેસવા માટે પાટલો આપ્યો. મોટી બહેન જ્યારે પાટલા પર બેસવા ગઈ ત્યારે તેનાં વસ્ત્રોનો સ્પર્શ બાળકને થયો અને તરત જ બાળક રડવા લાગ્યું. આ જોઈને મોટી બહેને કહ્યું, તું મને કલંક લગાડવા માંગતી હતી. મારા બેસવાથી આ બાળક મૃત્યુ પામત. આ સાંભળી નાની બહેને કહ્યું, આ બાળક તો પહેલેથી મૃત્યુ પામ્યું હતું. તમારા ભાગ્યથી જ તે પુન:જીવિત થયું છે. તમારા પુણ્યથી જ તેને જીવન મળ્યું છે. ત્યારબાદ તેણે નગરમાં શરદપૂર્ણિમાનું સંપૂર્ણ વ્રત કરવાનો ઢંઢેરો પીટાવ્યો. ત્યારથી શરદપૂર્ણિમાનું ચલણ શરૂ થયું.
શરદપૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરશો?
શરદપૂર્ણિમાના શુભ અવસરે પ્રાત:કાળે ઊઠી સ્નાનાદિ કાર્યમાંથી પરવારીને પોતાના ઈષ્ટદેવનું પૂજન કરવું જોઈએ. ઈન્દ્ર, કુબેર અને મહાલક્ષ્મીજીનું પૂજન કરીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ ગંધ-પુષ્પો અર્પણ કરવાં જોઈએ. બ્રાહ્મણોને ખીરનું ભોજન કરાવવું જોઈએ અને તેમને દાન-દક્ષિણા આપવી જોઈએ. લક્ષ્મીપ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે જાગરણ કરનારની ધન-સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. સામાન્ય રીતે આ વ્રત સ્ત્રીઓ કરે છે. ઉપવાસ કરનારી સ્ત્રીઓ આ દિવસે લાકડાના બાજઠ પર સાથિયા બનાવીને તેના પર પાણીનો કળશ મૂકે છે. ત્યારબાદ ઘઉંના 13 દાણા હાથમાં રાખીને શરદપૂર્ણિમાની વ્રતકથા સાંભળે છે. રાત્રે ચંદ્રમાને અર્ધ્ય આપે છે અને ત્યાર પછી જ ભોજન કરે છે. મંદિરમાં ખીર વગેરેનું દાન કરવાનું વિધાન પણ છે.