- મોરૈયામાં એમિનો એસિડ વધુ હોય છે
- તીખાશ વાળો મોરૈયો અપાવી દેશે ખીચડીની યાદ
- દહીં કે છાશમાં બનાવેલો મોરૈયો આપશે મસ્ત ટેસ્ટ
ફરાળ તો લગભગ દરેક ગુજરાતી ઘરોમાં બને જ છે. પણ જો એકના એક મોરૈયાની ખીચડી અને બટાકાની ભાજી ખાઈને કંટાળ્યા હોવ તો, આમાંથી એકાદી ચટપટી વાનગી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. બીજી વાત કરીએ તો, ઉપવાસ દરમિયાન ભાતની ગરજ પૂરી કરતો મોરૈયો સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પૌષ્ટિક પણ હોય છે. તેમાં એમિનો એસિડ વિપુલ પ્રમાણમાં મળે છે. તેમાં દૂધી, બટાકા વગેરે ઉમેરી શકાય છે. ઉપવાસ દરમિયાન મોરૈયો એક સમયે લેવો હિતાવહ રહે છે. 100 ગ્રામ મોરૈયા ખાવ તો તેમાંથી તમને શું મળે તે જાણવું પણ જરૂરી છે.
100 ગ્રામ મોરૈયોમાંથી મળે છે આ વસ્તુઓ
કેલરીની વાત કરીએ તો લગભગ 350 કેલેરી, 96 મિ. ગ્રામ મેંગેનીઝ, 89 મિ. ગ્રામ મેગ્નેશિયમ, 3.93 મિ. ગ્રામ આયર્ન, 0.35 મિ.ગ્રામ કોપર અને 174 મિ.ગ્રામ ફોસ્ફરસ મળે છે. તો જાણો કેવી રીતે બનાવશો મોરૈયાની ખીચડી.
મોરૈયાની ખીચડી
સામગ્રી
- 1/2 કપ મોરૈયો
- 1/4 કપ મોળું દહીં
- 1/2 ટેબલ સ્પૂન તેલ
- 1/4 ટી સ્પૂન જીરું
- 3 થી 4 લીલા મરચાં
- 1/4 ટી સ્પૂન લાલ મરચું પાવડર
- 2 કપ પાણી
- 2 ટેબલ સ્પૂન શેકેલી શીંગ
- 1 નાનું બટાકું
- 1 ટી સ્પૂન ખાંડ
- સિંધવ સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક નાની કઢાઈમાં તેલ મૂકી જીરુંનો વઘાર કરો. ત્યાર બાદ તેમાં લીલાં મરચાં સાંતળી લો. હવે તેમાં મોરૈયો નાંખો. એક માઇક્રોવેવ પ્રૂફ બાઉલમાં તૈયાર મોરૈયો, સિંધવ અને પાણી નાંખી ઢાંકીને ૩ મિનિટ માટે હાઈ ફ્લેમ પર રાખો. મોરૈયાની જાત પ્રમાણે પાણીની જરૂર પડશે. જુનો હશે તો વધુ પાણી જોઇશે. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. જરૂર લાગે તો એક-એક મિનિટ માટે હલાવતા જવું. મોરૈયો ચઢી જાય એટલે તેમાં વલોવેલું દહીં, ખાંડ અને શીંગનો ભૂકો નાંખી એકાદ મિનિટ માટે માઈક્રો હાઈ પર મુકવું. તૈયાર મોરૈયાને કોથમીર વડે ગાર્નીશ કરી, દહીં સાથે સર્વ કરો.