- ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીથી હજુ રાહત નહીં મળે
- યુપીના વારાણસીમાં મંગળવારે સવારે 5.30 વાગ્યે ઝીરો વિઝિબિલિટી
- દિલ્હીમાં લઘુતમ તાપમાન 3.5 ડિગ્રી : 30 ફ્લાઇટ મોડી પડી, 17 રદ
ઉત્તર ભારતના ઘણા રાજ્યો શીતલહેરની ઝપટમાં છે. દિલ્હી, હરિયાણા, પંજાબ અને પૂર્વીય ઉત્તરપ્રદેશમાં મંગળવારે સવારે પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું, જેના કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી હતી. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 30 ફ્લાઇટ મોડી પડી હતી જ્યારે 17 ફ્લાઇટ રદ કરાઇ હતી. દિલ્હીમાં મંગળવારે સવારે 3.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોના હવામાનમાં ફોરફારના કોઇ સંકેત નથી. પંજાબ-હરિયાણામાં હજુ બે-ત્રણ દિવસ ગાઢ ધુમ્મસ સાથે ભારે ઠંડી પડી શકે છે.
દિલ્હીના આયાનગર અને સફદરજંગમાં મંગળવારે સવારે વિઝિબિલિટી 25 મીટર જ્યારે રિજ અને પાલમ ક્ષેત્રોમાં 50 મીટર નોંધાઇ હતી. જોકે ઉત્તરપ્રદેશના વારાણસીમાં મંગળવારે સવારે 5.30 વાગ્યે ઝીરો વિઝિબિલિટી હતી જ્યારે લખનઉમાં વિઝિબિલિટી 25 મીટર નોંધાઇ હતી. ગાઢ ધુમ્મસના કારણે મંગળવારે દિલ્હી જતી 30 ટ્રેન મોડી દોડી રહી હતી. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ઘણા ભાગોમાં ભારે ધુમ્મસ છવાઇ શકે છે. સાથે જ પંજાબ, પૂર્વીય મધ્યપ્રદેશ, ઉત્તર-પશ્ચિમી રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં શીતલહેરની સ્થિતિ જળવાઇ રહેશે.
ધુમ્મસનો માર : દાદરી બાયપાસ પર ડઝન ગાડીઓ ટકરાઇ
ગ્રેટર નોએડાઃ દાદરી બાઇપાસ પર ગાઢ ધુમ્મસને કારણે ભીષણ માર્ગ અકસ્માત થયો હતો. ગાઢ ધુમ્મસને કારણે લગભગ 10 વાહન એકબીજા સાથે ટકરાઇ ગયા હતા. આ દુર્ઘટના સવારે 9ની આસપાસ થઇ હતી. પહેલા આઇશર કેન્ટર ટ્રક સાથે અથડાઇ હતી પછી ધુમ્મસને કારણે એક-એક કરીને અન્ય કારો એકબીજા સાથે ટકરાતી ગઇ હતી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને તેણે રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યુ હતું. આ અકસ્માતમાં ચાર લોકો ઘવાયા હતા. અકસ્માત બાદ હાઇવે પર જામ લાગી ગયો હતો જેને જેસીબી, ક્રેન અને હાઇડ્રાની મદદથી ખોલાવવામાં આવ્યો હતો.
બરફવર્ષાના અભાવે કાશ્મીરમાં પર્યટનને નુકસાન, પાણીની અછતની ભીતિ
કાશ્મીરમાં આ શિયાળામાં બરફવર્ષાના અભાવે પર્યટનને ઘણું નુકસાન પહોંચ્યું છે. હવામાન વિજ્ઞાનીઓને એ પણ ચિંતા છે કે આ ઉનાળામાં જમ્મુ-કાશ્મીરમાં પાણીની અછત સર્જાઇ શકે છે કેમ કે બરફ જ ઝેલમ અને તેની સહાયક નદીઓને રિચાર્જ કરે છે. બરફવર્ષાના અભાવે કે ઓછી બરફવર્ષાથી ગ્લેશિયર રિચાર્જ નહીં થાય અને ઝડપથી પીગળશે. આવું લાંબો સમય ચાલશે તો ધીમે ધીમે બર્ફીલી નદીઓ સુકાવા લાગશે. વળી, ડિસેમ્બરમાં કાશ્મીરમાં 79 ટકા ઓછો વરસાદ થયો છે. જાન્યુઆરીના શરૂના 15 દિવસમાં પણ નહિવત્ વરસાદ થયો છે.
શ્રીનગરમાં રાત્રિનું લઘુતમ તાપમાન -4.6 ડિગ્રી
શ્રીનગર શહેરમાં સોમવારે રાત્રે લઘુતમ તાપમાન -4.6 ડિગ્રી જ્યારે પહલગામમાં 5.4 ડિગ્રી, કાઝીગુંડમાં -4.4 ડિગ્રી, કુપવાડામાં -4.1 ડિગ્રી, ગુલમર્ગમાં -3.1 ડિગ્રી અને કોકરનાગમાં -2.3 ડિગ્રી સે. નોંધાયું હતું. જોકે કાશ્મીરમાં હવામાન શુષ્ક છે અને બરફવર્ષા ન થવાથી રાત્રે ભારે ઠંડી પડી રહી છે જ્યારે દિવસ પ્રમાણમાં ગરમ છે. શ્રીનગરમાં દિવસનું તાપમાન આ દિવસોના સરેરાશ તાપમાનથી 8 ડિગ્રી સે. વધુ રહ્યું હતું.


