- આસિફ ઝરદારી રાષ્ટ્રપતિ : PPP અને PMLNનું ગઠબંધન
- પાકિસ્તાનમાં નવી સરકારની રચનાનો માર્ગ ખૂલી ગયો છે
- અમારે આવનારી પેઢીઓ માટે પાક.ની સફળતા સુનિશ્ચિત કરવાની છે : બિલાવલ
પાકિસ્તાનમાં નવી સરકારની રચનાનો માર્ગ ખૂલી ગયો છે. પાકિસ્તાન મુસ્લિમ લિગ (નવાઝ)ના અધ્યક્ષ શહેબાઝ શરીફ વડાપ્રધાન બનશે, જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ-ચેરમેન આસિફ ઝરદારી પાકિસ્તાનના નવા રાષ્ટ્રપતિ બનશે. ઘણા દિવસોની વાતચીતના અંતે બંને પક્ષો વચ્ચે સરકારની રચના બાબતે સમજૂતી થઈ ગઈ છે. મંગળવારે મોડી રાત્રે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પીપીપીના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ગઠબંધન સરકારની રચના માટે બંને પાર્ટી વચ્ચે થયેલા કરારની જાહેરાત કરી હતી. આ જાહેરાત સોમવારે બંને દળોના નેતાઓની નવા દોરની પરિણામ વગરની વાતચીત સમાપ્ત થયાના એક દિવસ બાદ થઈ છે.
પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ પુષ્ટિ કરી કે શહેબાઝ શરીફ વડાપ્રધાનપદ માટે ગઠબંધનના ઉમેદવાર રહેશે અને આસિફ અલી ઝરદારી દેશના રાષ્ટ્રપતિપદ માટે સંયુક્ત ઉમેદવાર રહેશે. બિલાવલ ભુટ્ટો ઝરદારીએ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પાસે હવે પૂરતી સંખ્યા છે અને અમે આગામી સરકાર બનાવવાની સ્થિતિમાં છીએ. તેમણે કહ્યું કે બંને પક્ષ દેશને હાલના સંકટોમાંથી બહાર કાઢવા માટે આગામી સરકાર બનાવશે. તેમણે આશા પ્રગટ કરી કે, અમે એ વાતે સંમત થયા કે અમારે આવનારી પેઢીઓ માટે પાકિસ્તાનની સફળતા સુનિશ્ચિત કરવાની છે.
બિલાવલની પાર્ટીએ કોઈ મંત્રાલય માગ્યું નહીં
રિપોર્ટ અનુસાર, શહેબાઝને મીડિયાએ સવાલ પૂછયો હતો કે શું પીપીપીને કોઈ વિભાગ મળી રહ્યો છે કે કેમ? તેના જવાબમાં શહેબાઝે કહ્યું કે બિલાવલના નેતૃત્વવાળી પાર્ટીએ પહેલા દિવસથી જ કોઈ પણ મંત્રાલયની માગણી નથી કરી. તેમણે કહ્યું, બે પક્ષો વચ્ચે વાતચીત થાય છે ત્યારે મુદ્દાને પરસ્પર સાથેની વાતચીતના માધ્યમથી હલ કરી દેવાય છે. તેનો અર્થ એ નથી કે અમે તેમની માગનો સ્વીકાર કરીએ છીએ કે તેઓ અમારી માગોનો સ્વીકાર કરે છે. તેમના પોતાના વિચાર છે પણ સંમતિ સુધી પહોંચવું જ વાસ્તવિક રાજકીય સફળતા છે.
અમેરિકાને ભૂમિકા ભજવવી જોઈએ
ઇમરાન ખાનનો આરોપ છે કે તેમના ઉમેદવારોને જાણીબૂઝીને હરાવવામાં આવ્યા છે. તેમનો જનાદેશ ચોરી લેવાયો છે. પીટીઆઇ નેતા અસદ કૈસરે કહ્યું કે તાજેતરમાં જ ખાનનો એક સંદેશ વાંચતા કહ્યું હતું કે અમેરિકાએ ચૂંટણીમાં કથિત ગોલમાલ સામે અવાજ ઉઠાવવો જોઈએ. તેમનું કહેવું હતું કે અમેરિકાએ પોતાની ભૂમિકા યોગ્ય રીતે નથી નિભાવી.


