બાંગ્લાદેશની કોર્ટે અપદસ્થ વડાપ્રધાન શેખ હસીના અને તેમની ભાણી બ્રિટિશ સાંસદ ટ્યુલિપ સિદ્દીકેને જમીન કૌભાંડ મામલે જેલની સજા સંભળાવી છે. કોર્ટે નિર્ણય સંભળાવતા કહ્યુ કે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પર રહ્યા તે સમયે રાજ્યના અધિકારનો દુરૂપયોગ કરી ગેરકાયદેસર રીતે પ્લોટ લઇ લીધો હતો.
હસીના માટે મોટો આંચકો
કોર્ટનો આ ચુકાદો એવા સમયે આવ્યો છે જ્યારે તે પહેલેથી જ અનેક કાયદાકીય પડકારોનો સામનો કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે એન્ટી-કરપ્શન કમિશનતરફથી અત્યાર સુધી પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને ભ્રષ્ટાચારના કુલ ચાર કેસોમાં દોષિત ઠેરવવામાં આવી છે.
ગેરકાયદેસર રીતે ફાળવેલ પ્લોટ
શેખ હસીનાએ અધિકારીઓ સાથે મળીને સેક્ટર 27ના ડિપ્લોમેટિક ઝોનમાં 6 પ્લોટ ગેરકાયદે રીતે ફાળવાવ્યા. જે લેન્ડ એલોટમેન્ટ નિયમ પ્રમાણે ઉલ્લંઘન છે. જેમાં હસીનાના પુત્ર સજિબ વાજેદ જોય, પુત્રી સાઇમા વાજેદ પુટુલ, બહેન રેહાના અને રેહાનાની પુત્રી ટ્યુલિપ રિઝવાના મુજીબ સિદ્દિકના નામો સામેલ છે.
હસીનાને પહેલાથી જ મૃત્યુદંડ ફટકારાયો છે
આ પહેલા ગયા અઠવાડિયે 27 નવેમ્બરે અન્ય એક ચુકાદામાં શેખ હસીનાને પુરબાચલ કૌભાંડના ત્રણ કેસોમાં 21 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે તેના પુત્ર જોય અને પુત્રી પુટુલને પાંચ–પાંચ વર્ષની કેદની સજા ફટકારાઈ હતી. એન્ટી-કરપ્શન કમિશને કુલ છ કેસ નોંધ્યા હતા, જેમાં હસીના તમામમાં મુખ્ય આરોપી રહ્યા છે. હસીનાને વિદ્યાર્થી આંદોલન દરમિયાન માનવતા વિરુદ્ધના કહેવાતા ગુનાઓ માટે મૃત્યુદંડ ફટકારવામાં આવી ચૂક્યો છે.


