- TMC નેતા શેખ શાહજહાંનો ગુનાહિત ઇતિહાસ
- વિવિધ મામલે 49 FIR થઇ છે દાખલ
- 400 ફરિયાદો જમીન કૌભાંડ સંબંધિત હતી-રાજ્યસરકાર
TMC નેતા અને સંદેશખાલી હિંસાના માસ્ટરમાઇન્ડ શેખ શાહજહાંની ધરપકડ કરવામાં આવી છે. 55 દિવસ પછી તેને ઝડપી લેવાયા છે. તેની પર જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાનો આરોપ છે. જે છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો હતો. તેની સામે અલગ અલગ મામલે 49 એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. ત્યારે આવો જાણીએ શાહજહાં શેખની ક્રાઇમ કુંડળી વિશે વિગતવાર
49 અલગ અલગ કેસમાં થઇ છે FIR
ટીએમસી નેતા અને સંદેશખાલીના માસ્ટરમાઇન્ડ શેખ શાહજહાં વિરુદ્ધ નોંધાયેલા કેસોની લાંબી યાદી છે. શેખ શાહજહાં વિરુદ્ધ 49 અલગ-અલગ કેસમાં FIR નોંધવામાં આવી છે. શેખ પર સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી, જમીન પચાવી પાડવા, રાશન કૌભાંડ, હત્યા અને ED પર હુમલા જેવા અનેક આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે.
રાશન કૌભાંડ કેસમાં પાડ્યા હતા દરોડા
ઉલ્લેખનીય છે કે 5 જાન્યુઆરીએ EDની ટીમે રાશન કૌભાંડ કેસમાં શેખ શાહજહાંના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન તેઓના સેંકડો સમર્થકોએ ED ટીમ પર હુમલો કર્યો હતો. અધિકારીઓએ પોતાનો જીવ બચાવવા સંદેશખાલીમાંથી ભાગવું પડ્યું હતું. શાહજહાં ED ટીમ પર હુમલા બાદથી ફરાર હતો. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગને શેખ વિરુદ્ધ 50 થી વધુ ફરિયાદો મળી હતી. તો બીજી તરફ રાજ્ય સરકારનું કહેવું છે કે તેને શેખ શાહજહાં વિરુદ્ધ 1250 ફરિયાદો મળી હતી, જેમાંથી 400 ફરિયાદો જમીન કૌભાંડ સંબંધિત હતી.
ધરપકડ મામલે HC એ આપ્યો હતો આદેશ
મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલા સોમવારે કોલકાતા હાઈકોર્ટે શેખ શાહજહાંની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. TMC નેતાની ધરપકડ કરવામાં વિલંબ કરવા બદલ હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ પોલીસની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે બંગાળ સરકારને ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે શાહજહાંની વહેલી તકે ધરપકડ કરવામાં આવે.કોલકાતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ ટીએસ શિવજ્ઞાનમે કહ્યું હતું કે પોલીસે કોઈપણ સંજોગોમાં શાહજહાંને 4 માર્ચે કોર્ટમાં હાજર કરવો જોઈએ. તમને જણાવી દઈએ કે, કોલકાતા હાઈકોર્ટે મહિલાઓના યૌન ઉત્પીડનના મામલાની નોંધ લીધી હતી. કોર્ટે મહિલાઓ પર બળાત્કાર અને તેમની જમીન હડપ કરવાના મામલામાં મમતા સરકાર પાસેથી જવાબ પણ માંગ્યો હતો.
સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણીની ફરિયાદ
સંદેશખાલીમાં મહિલાઓએ શેખ શાહજહાં અને તેના બે સહયોગીઓ શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. સંદેશખાલીની મહિલાઓએ જણાવ્યું કે સંદેશખાલીમાં શાહજહાંનો ડર છે. તેના લોકો મહિલાઓ પર અત્યાચાર કરે છે. સરકારી યોજનાઓનો લાભ આપવાના બહાને ફોન કરીને બળાત્કાર ગુજારે છે. મહિલાઓએ જણાવ્યું કે તેમના લોકો ઘણા સમયથી આ ખોટું કામ કરી રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં શાહજહાંનો અત્યાચાર ચાલુ છે.
બાંગ્લાદેશથી પ.બંગાળ ભાગી ગયો હતો
સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શાહજહાં શેખ વર્ષો પહેલા બાંગ્લાદેશથી પશ્ચિમ બંગાળ ભાગી ગયો હતો. તેનું ઘર હજુ પણ ત્યાં છે. ઉત્તર 24 પરગણાનો સંદેશખાલી વિસ્તાર બાંગ્લાદેશની સરહદને અડીને આવેલો છે. તેથી જ તેણે અહીં રહેવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તે અહીં ખેતરોમાં અને ઈંટોના ભઠ્ઠામાં કામ કરતો હતો. આ સિવાય શાહજહાંએ હોડી અને ગાડી પણ ચલાવી હતી. આ ક્રમ થોડા વર્ષો સુધી ચાલતો રહ્યો. તે સમયે પશ્ચિમ બંગાળના રાજકારણમાં માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ ટોચ પર હતો. સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષ 2002માં શાહજહાંએ ઈંટ-ભઠ્ઠા કામદારોનું યુનિયન બનાવ્યું અને તેના લીડર બન્યો. યુનિયન લીડર હોવાના કારણે આ વિસ્તારમાં તેમની સક્રિયતા વધી અને CPI(M)ની નજીક આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


