– યુધ્ધ લંબાશે તો જહાજોએ માર્ગ બદલવાની પણ ફરજ પડશે
Updated: Oct 11th, 2023
મુંબઈ : હમાસ ત્રાસવાદીઓ તથા ઈઝરાયલ વચ્ચે યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત ખાતેથી ઈઝરાયલમાં નિકાસ કરતી ભારતીય કંપનીઓએ વીમાના પ્રીમિયમ તથા શિપિંગ દર પેટે વધુ ચૂકવણી કરવાનો વારો આવી શકે છે. ભારતના માલસામાનની નિકાસ પેટે વીમા પ્રીમિયમ તથા શિપિંગ ખર્ચમાં વધારો થઈ શકે છે, એમ ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવના સુત્રોએ જણાવ્યું હતું. ઈઝરાયલના બંદરોને જો ટાર્ગેટ કરાશે તો પ્રીમિયમમાં વધારો નકારી શકાય એમ નથી.
ઈઝરાયલના ત્રણ મોટા બંદરો હૈફા, અશડોડ તથા ઈલાટ ખાતે કામકાજ પર અસર થશે તો વેપાર પર પણ ગંભીર અસર જોવા મળી શકે છે. કૃષિ પ્રોડકટસ, મસીનરી,વાહનો, ઈલેકટ્રોનિકસ જેવા માલસામાનની આ બંદરો ખાતે હેરફેર કરવામાં આવે છે.
તુર્કી, લિબિયા, ઈજિપ્ત તથા ગ્રીસ તરફ જતા કારગો માટે શિપિંગ કંપનીઓએ આઅગાઉથી પ્રીમિયમ ચાર્જ કરવાનું શરૂ કરી દીધું હોવાનું ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિએટિવના સુત્રોએ જણાવ્યું હતું.
લડાઈ લંબાશે તો, શિપિંગ ખર્ચ વધવાના કંપનીઓએ સંકેત આપી દીધા છે, કારણ કે આવી સ્થિતિમાં તેમણે માર્ગ બદલવાની ફરજ પડી શકે છે. પ્રીમિયમમાં આગામી ચાર-પાંચ દિવસ બાદ વધારો જોવા મળવાની શકયતા નકારાતી નથી.
લડાઈના સમયમાં જોખમ વધી જતા હોવાથી વીમા પ્રીમિયમમાં વધારો થવો સામાન્ય બાબત છે એમ એકસપોર્ટ ક્રેડિટ ગેરન્ટી કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યું હતું.
ટીસીએસ, વિપ્રો, એસબીઆઈ, એલએન્ડટી, સન ફાર્મા જેવી કંપનીઓ ઈઝરાયલમાં હાજરી ધરાવે છે.