- મધ્યપ્રદેશની કમાન સંભાળી ડૉ.મોહન યાદવે
- નવા સીએમ તરીકે 13 ડિસેમ્બરે લેશે શપથ
- શિવરાજસિંહે પોતાની કામગીરીને લઇને કર્યો ખુલાસો
મધ્યપ્રદેશમાં સીએમના પદે ડૉ.મોહન યાદવના નામની જાહેરાત થઇ છે. તેઓ હવે મધ્યપ્રદેશની કમાન સંભાળશે. તો બીજી તરફ શિવરાજસિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યુ છે. ત્યારે હવે શિવરાજસિંહ રાજકીય કારર્કીદીમાં આગળ શું કરશે, દિલ્હી જશે કે કેમ તે તમામને લઇને ચર્ચાનો દોર શરૂ થયો છે. પરંતુ હવે શિવરાજસિંહે જ આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે.
હું દિલ્હી નહી જાઉં- શિવરાજસિંહ
શિવરાજ સિંહે મીડિયા સામે આવીને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે હું એક વાત ખૂબ નમ્રતા સાથે કહું છું કે પોતાના માટે કંઈક માંગવા જવા કરતાં મરી જવાનું વધુ પસંદ કરીશ. એટલે જ હું કહુ છુ કે હું દિલ્હી નહી જાઉં. પાર્ટી મને જે કામ સોંપશે તે કરીશ. તેમણે વધુમાં જણાવ્યું કે હું ક્યારેય કોઈ નિર્ણય લેતો નથી અને ન તો મેં ક્યારેય કર્યું છે .જે થશે તે અમારી પાર્ટી કરશે.
હું સંતોષની લાગણી અનુભવુ છું- શિવરાજસિંહ
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે હું રાજ્યના નવા મુખ્યમંત્રી અને બંને નાયબ મુખ્યમંત્રીઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું. અમારા વરિષ્ઠ નેતા નરેન્દ્ર તોમર વિધાનસભાના અધ્યક્ષ બનશે અને તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન. મને પૂરો વિશ્વાસ છે કે મુખ્યમંત્રી મોહન યાદવના નેતૃત્વમાં ભાજપ સરકાર ચાલી રહેલા તમામ કામ ઝડપથી પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે હું હંમેશા તેમને સમર્થન આપીશ. આજે મને સંતોષની લાગણી છે કે 2003માં ઉમા ભારતીજીના નેતૃત્વમાં પ્રચંડ બહુમતી સાથે સરકારની રચના થઈ હતી. અમે 2008માં ફરી સરકાર બનાવી. 2013માં પણ તેણે બહુમતી સાથે સરકાર બનાવી હતી અને 2018માં તે સીટોની દ્રષ્ટિએ પાછળ રહી હતી પરંતુ વધુ વોટ મેળવ્યા હતા.


